રાજ્યમાં કોરોનાકાળમાં લોકડાઉન અને અત્યાર સુધીના અનલોકની સ્થિતિમાં રાજ્યની નીચલી અદાલતોમાં ઓનલાઈન કાર્યવાહી મળતી હતી ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતોમાં કોરોનાથી બચવાની તમામ ગાઈડલાઈનોનું પાલન કરી ર૩મી નવેમ્બરથી ફિઝિકલ સુનાવણી દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર પ્રમાણે રાજ્યના ચાર મહાનગર અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની ડિસ્ટ્રીક્ટ કોર્ટ તથા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવતી કોર્ટને બાદ કરતાં તમામ નીચલી કોર્ટોમાં કામગીરી કરવાની મંજૂરી મળી છે. આ મામલે ગાઈડલાઈનમાં જણાવ્યા મુજબ દરેક કોર્ટમાં કોવિડ- ૧૯ અધિકારીની નિમણૂક કરવામાં આવશે. નીચલી કોર્ટમાં ફિઝિકલ કામગીરી માટે કેન્દ્ર તથા રાજ્ય સરકારે નિયત કરેલી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. હાઈકોર્ટ દ્વારા કામગીરીને લગતી માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવી છે અને તેનો ચુસ્ત અમલ કરવા તાકીદ કરવામાં આવી છે. જ્યારે તમામ કોર્ટ સંકુલમાં માત્ર એક જ દરવાજાે ખુલ્લો રાખવાનો રહેશે. માસ્ક પહેર્યા વિના કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે, કોર્ટમાં પ્રવેશતા તમામ જજ, વકીલ, કર્મચારીઓ વગેરેનો થર્મલ ચેકિંગ કરવાનું રહેશે. તાવ કે અન્ય લક્ષણો માલૂમ પડે તો કોર્ટ સંકુલમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. કોર્ટ સંકુલના દરવાજે હેન્ડ સેનિટાઈઝર રાખવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. સમગ્ર કોર્ટ સંકુલ દરવાજા, ખુરશી, કેસ ફાઈલીંગની બારી વગેરે નિયમિત સાફ-સફાઈ કરવાની રહેશે. અદાલતમાં જજ તથા એડવોકેટ અને અસીલ વચ્ચે એક્રેલીક સીટ રાખવાની સૂચના પણ આપવામાં આવી છે. આ જ પ્રકારે વહીવટી વિભાગમાં પણ એક્રલીક સીટ રાખવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટની કામગીરી સવારે ૧૦ઃ૪પથી બપોરે ૪ વાગ્યા સુધી નિર્ધારિત કરવામાં આવી છે. અસીલની જરૂર ન હોય તો તેઓને કોર્ટમાં રૂબરૂ હાજર ન રહેવાની સલાહ આપી છે. ફેરિયાઓ તથા મુલાકાતીઓ માટે પ્રવેશબંધી રાખવાનું પણ કહેવામાં આવ્યું છે. કેન્ટીનમાં માત્ર ચા, કોફી, પાણી તથા પેકેટ ફૂડ વેચવાની છૂટ રહેશે. એટીએમ હોય તો પણ તે બંધ રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews