ગિરનાર રોપ-વે ટિકીટના દર ઘટાડવા આંદોલનની રણનીતિ તૈયાર

જૂનાગઢ શહેર ઐતિહાસીક ધાર્મિક, રાજકીય અને સામાજીક દ્રષ્ટીએ તેમજ પ્રવાસનની દ્રષ્ટીએ અત્યંત મહત્વનું શહેર છે. પરંતુ આજ શહેરનાં ભાગ્યમાં એવું લખાયું છે કે જયાં સુધી પ્રજાકીય ક્રાંતિ ન કરો ત્યાં સુધી જાેઈતી વસ્તુ આ જૂનાગઢ શહેર જીલ્લામાં લોકોને મળતી નથી. અને આવુંજ ફરી એકવાર રોપ-વેના ભાડા ઘટાડવા બાબતે થયું છે. અને જેનાં ભાગરૂપે ગઈકાલે જૂનાગઢમાં મનોરંજન સર્કિટ હાઉસ ખાતે સર્વપક્ષીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સમાજનાં વિવિધ ક્ષેત્રના અગ્રણી, આગેવાનો, સંસ્થાના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહયા હતા અને ખાસ કરીને ગિરનાર રોપ-વેનાં ટિકીટનાં દર ઘટાડવા મુદ્દે આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાવી રણનીતિ ઘડવામાં આવી હતી. અને ધરણા, રસ્તા રોકો આંદોલન, રેલી, જૂનાગઢ બંધ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવશે.
એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપ વેના ટીકીટના ભાવને લઈને થોડા દિવસોથી લોકોમાં ભારે કચવાટ અને અજંપો હતો તેને લઈને જૂનાગઢ શહેરમાંથી અનેક રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ રજુઆતો બહેરા કાને અથડાઈ હોવાનો ભાસ થતા અંતે જન આંદોલનની તૈયારીના ભાગરૂપે ગઈકાલે મળેલી સર્વે સમાજ અને સર્વ પક્ષીય બેઠકમાં રોપ-વેનાં ભાવ ઘટાડવા માટે આગામી દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમો કરવાનો એકી સાથે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આ બેઠકમાં જૂનાગઢની અલગ- અલગ ૪પ જેટલી સંસ્થાના પ્રતિનિધીઓ અને આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.
જેમાં ધારાસભ્ય, સેવાભાવી ક્ષેત્રનાં અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાઓ, નિવૃત અધિકારીઓ, કર્મચારીઓ, એડવોકેટ, સમાજ અગ્રણીઓ, વેપારી એસોસીએશન, પ્રબુધ્ધ નાગરીકો, માજી ધારાસભ્યો, વિરોધ પક્ષના કોર્પોરેટરો, મહિલા અગ્રણીઓએ એકી સાથે અવાજે રોપ-વેના ભાવ વધુ હોવાનો સુર પુરાવ્યો હતો અને ટિકીટના ભાવ ઘટવા જાેઈએ તેવું જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, લડત વગર જૂનાગઢને કાઈ મળ્યું નથી. રેલવે બ્રોડગેજ અને રોપ વે માટે જૂનાગઢે અનેક આંદોલનો કર્યા છે. કેટલાક આંદોલનમાં જેલમાં પણ જવું પડયું છે. ત્યારે રોપ-વે ના ઉંચા ભાવને લઈને જયાં સુધી માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાની તૈયારી બતાવી હતી. ધાર્મિક હેતુ માટે રોપ-વેની રચના કરવામાં આવી છે એને લઈને આગામી દિવસોમાં વધુને વધુ લોકોને જાેડીને સમિતીની રચના કરીને તબકકાવાર ધરણા, રસ્તા રોકો, જૂનાગઢ બંધ સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમો કરવાની ચીમકી આપી હતી.
ભાજપના પપ કોર્પોરેટરોના રાજીનામાની માંગણી કરાઈ
રોપ-વેના ભાડા બાબતનો પ્રશ્ન જૂનાગઢની જનતા માટેનો પ્રશ્ર છે. ત્યારે લોકોએ ચૂંટીને મોકલેલા જૂનાગઢના મેયર સહિત ભાજપના પપ કોર્પોરેટરોમાંથી એકપણ કોર્પોરેટર આ બેઠકમાં હાજર રહયા ન હતા. પ્રજાની સંપતિ કમાણી માટે આજીવનકોઈને આપી દેવો કેટલી હદે વ્યાજબી છે. આજે લોકોના પ્રશ્ને હાજર ન રહેલા ભાજપના પપ કોર્પોરેટર રાજીનામાં આપી દે તેવી પણ માંગ પણ ઉઠી હતી.
સમગ્ર લડત મેયર અને ધારાસભ્ય ચલાવે
આ બેઠકમાં સમિતીના અધ્યક્ષ તરીકે સહકારી ક્ષેત્રના આગેવાન જેઠાભાઈ પાનેરાની નિયુકિત કરવામાં આવી હતી. પરંતુ આ અંગે પણ એક સજજને જણાવ્યું કે, ખરેખર આ લડત માટે જૂનાગઢના પ્રતિનિધી તરીકે મેયર અને ધારાસભ્યને આગેવાની આપવી જાેઈએ. તેમણે રોપ-વેના ના ભાવ ઘટાડવા માટે રજૂઆત કરી છે. ધારાસભ્ય ભીખાભાઈ જાેશીએ જણાવ્યું છે કે, જૂનાગઢનો વિકાસ થશે તેવી આશા ઠગારી નીવડી છે. જેના માટે જે કંઈ કરવું પડશે તે કરીશું.
લોકોને પોસાય તેવા ભાવો રાખવા જાેઈએ
ટિકીટના ભાવ કંપનીએ નકકી કર્યા છે. પરંતુ કંપની ઉપર સરકારનું પ્રભુત્વ હોવાનું બેઠકમાં ચર્ચાયુ હતું. સાથે રોપ-વે જૂનાગઢને ચેરીટીમાં નથી મળ્યો તેના માટે જૂનાગઢે લડત કરી છે.
આ જમીન જેના ઉપર રોપ-વે ઉભો છે તે સરકાર અને જનતાની માલીકી છે. જેથી ૧૩ર કરોડનાં ખર્ચે તૈયાર થયેલ રોપ-વે નો ખર્ચ બે વર્ષમાં વસુલી લેવો તે અનેરો અંગત આવક મેળવવાનો ધંધો છે. તેમાં પ્રજાને ઠેંગો બતાવાયો છે. અંબાજીનાં ભાવિકો માટે કોઈ નકકર સેવા ઉભી કરાઈ નથી. ખરેખર રોપ વે ધાર્મિક હેતુ માટે બનાવવામાં આવ્યો છે નહીં કે ધંધો કરી નફો ઓળવી જવાનો છે. આના માટે પ૦ વર્ષ પહેલા બીજ રોપાયા હતાં.
આંદોલનમાં અનેક સંસ્થાઓએે ટેકો જાહેર કર્યો
બેઠકમાં કોંગ્રેસ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો, પુર્વ સાંસદ, સીપીએમ, કોળી સમાજ, ઈવનગર સરપંચ, મધ્યાહન ભોજન સંચાલક પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, કલોથ એન્ડ રેડીમેઈડ એસોસીએશન, સામાજીક કાર્યકરો, એડવોકેટ, બાર એસોસીએશનના પ્રતિનિધી, બ્રહ્મ સમાજ અગ્રણીઓ, વન મેન આર્મી, સમુહ લગ્ન પ્રણેતા સમિતિ, વિરોધ પક્ષના નેતા, કોર્પોરેટર, શહેર અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ, યાર્ડના પુર્વ ડિરેકટર, દલિત આગેવાનો, રાજપુત કરણી સેના, સમસ્ત વાણંદ સમાજ, મુસ્લિમ આગેવાનો, સત્યમ સેવા યુવક મંડળ સહિતના લોકો ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!