જૂનાગઢ શહેર અને ગિરનાર પર્વત ઉપર ગત સાંજે કમોસમી વરસાદ વરસ્યો

0

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે વાતાવરણમાં પલ્ટો આવી જવાને કારણે હળવાથી ભારે ઝાપટા અને કયાંક ભારે વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો અને સાંજના સવા સાત વાગ્યા બાદ હળવાથી ભારે વરસાદનો દૌર શરૂ થયો હતો. જૂનાગઢ શહેરમાં રસ્તાઓ ભીના બની ગયા હતા જયારે જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્ર ખાતે પણ વરસાદી ઝાપટા પડયા હતા જયારે ગિરનાર પર્વત ઉપર આવેલા અંબાજી માતાજીના મંદિરે પણ ઝાપટું પડયું હતું. ગિરનારની પર્વતમાળામાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. ગઈકાલે વરસાદી માહોલ વચ્ચે યાત્રિકોમાં ઘટાડો જાેવા મળ્યો હતો અને આજે સવારે પણ અંબાજી માતાજીની આરતીમાં ભાવિકોની પાંખી હાજરી રહી હતી. વરસાદી માહોલ વચ્ચે ગીરનારનું મનમોહક દ્રષ્ય પણ જાેવા મળ્યું હતું. જૂનાગઢ શહેરનાં વાતાવરણમાં ગઈકાલે સાંજે અચાનક પલ્ટો આવ્યો હતો અને કમોસમી માવઠું પડતાં ટીંબાવાડીથી સાબલપુર સુધીના તમામ વિસ્તારોના રસ્તાઓ ભીના થઈ ગયા હતા. વરસાદને કારણે પાણીના ધોરીયા પણ ચાલુ થઈ ગયા હતા અને વાતાવરણમાં ભીની માટીની મહેક ફેલાઈ ગઈ હતી. મધુરમ બાયપાસ, ઝાંઝરડા ચોકડી, સાબલપુર સુધીના વિસ્તારમાં સારો વરસાદ વરસી ગયો હતો જયારે જૂનાગઢ શહેરના અન્ય વિસ્તારોમાં હળવા ઝાપટા પડયા હતા. હવામાન વિભાગના ધિમંત વઘાસીયાના જણાવ્યા મુજબ આજે પણ કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે લઘૃત્તમ તાપમાન ૧૮ ડિગ્રી, મહત્તમ તાપમાન ૩ર.ર ડિગ્રી, ભેજનું પ્રમાણ સવારે ૬પ ટકા અને બપોર બાદ ૩૮ ટકા તેમજ પવનની ઝડપ ર.૩ કિ.મી. પ્રતી કલાકની રહી હતી. નાઘેર પંથકમાં પણ સવારથી વાતાવરણ પલ્ટો આવી બપોર બાદ આકાશમાં કાળા વાદળો ઘેરાવા સાથે કારતક માસમાં અષાઢી માહોલ સર્જાયો હતો અને બપોરે ર.૩૦ કલાકના સુમારે વરસાદ વરસતાં પાણી ફરી વળ્યા હતા અને લોકો છત્રી લઈને ફરતા જવા મળ્યા હતા. તાલુકા અને જીલ્લામાં હળવો વરસાદ થયાના અહેવાલો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!