જૂનાગઢમાં પોસ્ટ ઓફિસની બચત યોજનાનાં એજન્ટે સેંકડો લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા. પરંતુ તે પોસ્ટ ઓફિસમાં જમા કરાવ્યા ન હતાં. લોકોના લાખો રૂપિયા ઉઘરાવી ફરાર થઈ ગયો હતો. આ અંગે જાણ થતા ગઈકાલે રોકાણ કરનાર લોકો બચતબુક સાથે મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે પહોંચ્યા હતાં. જયાં અમુક બુક તો નકલી હોવાનું ખુલ્યું હતું. અને આ છેતરપીંડી કૌભાંડમાં આખરે બે સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાના એજન્ટ તરીકે ભરત પરમાર, તેની પત્ની તથા પુત્રને અધિકૃત કરાયા છે. કલેકટર કચેરી દ્વારા તેને માન્યતા આપવામાં આવી છે. તેના એકાદ હજાર જેટલા રોકાણકારો છે. જે દર મહિને બચત માટે ૩૦૦૦ થી પ૦૦૦ રૂપિયા પોસ્ટ ઓફિસમાં બચત ખાતામાં જમા કરાવવા એજન્ટને ચુકવે છે. અમુક ઘરમાંથી તો પાંચ થી વધુ બચતખાતા પણ છે.
આ એજન્ટ રોકાણકારો પાસેથી પૈસા ઉઘરાવી તેણે આપેલી બુકમાં એન્ટ્રી પાડી દેતો હતો. પરંતુ પોસ્ટના બચત ખાતામાં જમા કરતો ન હતો. નાની બચત હોવાથી રોકાણકારો પણ પોસ્ટ ઓફિસમાં તપાસ કરવાની ચિંતા છોડી દીધી હતી. બે માસ પૂર્વે આ એજન્ટે રોકાણકારોના ખાતામાં નાણાં જમા ન કરાવતા મુખ્ય પોસ્ટ ઓફિસનાં આસી. પોસ્ટ માસ્તરે પોસ્ટ સુપ્રિટેડેન્ટને રિપોર્ટ કર્યો હતો. આ રિપોર્ટના આધારે તપાસ કરાતા ગોલમાલ હોવાની આશંકા ગઈ હતી. એજન્ટને નાણાં જમા કરાવવા તાકિદ કરવામાં આવી હોવા છતાં નાણાં જમા કરાવ્યા ન હતાં. રોકાણકારો પોસ્ટ ઓફિસે નાણાં જમા છે કે કેમ તેની તપાસ કરવા આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. એજન્ટ તથા તેનો પરિવાર લાખો રૂપિયા ઉઘરાવી ફરાર થઈ ગયાની જાણ થતા રોકાણકારો બચત બુક સાથે પોસ્ટ ઓફિસે પહોંચી ગયા હતાં અને બચત બુક બતાવતા પોસ્ટના સતાધીશોએ અમુક બચતબુક ડુપ્લીકેટ હોવાનું જણાવ્યું હતું. આથી ડુપ્લીકેટ પાસબુકમાં એન્ટ્રી કરી નાણાં જમા ન કરાવ્યાનું ખુલ્યું
હતું.
દરમ્યાન આ બનાવ અંગે નવી કલેકટર કચેરી સામે ભાગ્યલક્ષ્મી સોસાયટી બ્લોક નં.૧રમાં રહેતા ખાતાધારક વેજાણંદભાઈ ઉર્ફે વેજાભાઈ ગોવીંદભાઈ ભાટુ (ઉવ.૬ર) દ્વારા ભરતભાઈ નારણભાઈ પરમાર, તુષારભાઈ ભરતભાઈ પરમાર, રહે.ગંધ્રપ ફળીયા વાણંદ શેરી વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામનાં આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને પોસ્ટ ઓફિસ વિભાગમાં તથા અન્ય જગ્યાએ રૂપિયાનું રોકાણ કરાવી પોસ્ટ વિભાગની ખોટી બુકો તથા પહોંચો બનાવી અને સાચા તરીકે ઉપયોગ કરી કુલ રૂા.૩પ,૮૯,૭પ૦ની ઠગાઈ, વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા સી-ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ પીએસઆઈ પી.જે.બોદર ચલાવી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews