પતંગ ઉડાવો મોજથી પરંતુ સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું પડશે

0

આગામી તા.૧૪મી જાન્યુઆરીનાં દિવસને ઉતરાયણ પર્વ તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે કોરોનાનાં સંભવિત ખતરા સામે દરેક ઉત્સવની ઉજવણી ઉપર પ્રતિબંધ રહયો છે. મકરસંક્રાંતિનું પર્વ બીજી રીતે જાેઈએ તો પતંગ ઉત્સવ તરીકે પણ ઉજવાય છે. અને પતંગ રસીયાઓ પતંગની મોજ મનાવતા હોય છે. પરંતુ આ વર્ષે પતંગ ઉડાવવા ઉપર પ્રતિબંધ રહેશે કે છુટ અપાશે તે અંગે ભારે અવઢવ રહેતી હતી. આ દરમ્યાન હાઈકોર્ટે અગત્યનો નિર્દેશ આપ્યો છે કે પતંગ ઉડાડવા ઉપર પ્રતિબંધ નથી. પરંતુ સાથે – સાથે સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું એટલું જ જરૂરી છે તેમ જણાવેલ છે. વિશેષમાં ગઈકાલે જ ગૃહવિભાગ દ્વારા પતંગ અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને જેનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહીનો આદેશ કરેલ છે.
• કોઈપણ જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, રસ્તાઓ વગેરે ઉપર લોકો એકત્રીત થઈ શકશે નહી તેમજ પતંગ ચગાવી શકાશે નહીં.
• પ્રર્વતમાન મહામારીની પરિસ્થિતિમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકનાં સભ્યો સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યુ છે.
• માસ્ક વિના કોઈપણ વ્યકિત મકાન, ફલેટ, ધાબા, અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઈ શકશે નહીં. ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન અને સેનેટાઈઝરની વ્યવસ્થા ફરજીયાતપણે કરવાની રહેશે.
• મકાન, ફલેટનાં ધાબા, અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઈપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહીં. ફલેટ, રહેણાંક સોસાયટી સંબંધીત કોઈપણ સુચનાઓના ભંગ બદલ સોસાયટી, ફલેટના સેક્રેટરી, અધિકૃત વ્યકિતઓ જવાબદાર રહેશે અને તેઓ વિરૂધ્ધ નિયમાનુસારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
• મકાન, ફલેટના ધાબા, અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એક્ત્રીત થવા ઉપર પ્રતિબંધ રહેેશે.
• મકાન, ફલેટના ઘાબા, અગાસી કે સોસાયટીનાં મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઈપણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રીત થવાથી સોશિયલ ડિસ્ટન્સીનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શકયતા હોવાથી લાઉડ સ્પીકર, ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધીત રહેશે.
• ૧પ વર્ષની વધુ વયના વ્યસ્ક વ્યકિતઓ, અન્ય રોગોથી પીડિત વ્યકિતઓ, સગર્ભા સ્ત્રીઓ અને ૧૦ વર્ષથી ઓછી વયના વ્યકિતઓ ઘરે રહે તે સલાહભર્યુ છે. કોઈપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઈપણ પ્રકારનાં લખાણો, સ્લોગન, ચિત્રો પતંગ ઉપર લખી શકશે નહીં.
• સુપ્રિમ કોર્ટ, હાઈકોર્ટ તથા એનજીટીની સુચનાઓ અન્વયે ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઈનીઝ તુકકલ, સ્કાય લેન્ટર્ન, સિન્થેટીક, કાચ પાયેલા માંઝા, પ્લાસ્ટીક દોરી વિગેરે ઉપર પ્રતિબંધિત રહેશે.
• જે વ્યકિતઓ રાજયમાં જુદા-જુદા સ્થળોએ આવેલ પતંગ બજાર જેવા કે અમદાવાદ શહેરમાં આવેલ રાયપુર, ટંકશાળ, નરોડા વગેરેની મુલાકાત લે ત્યારે કોવીડ-૧૯ સંબંધી દિશાનિર્દેશ (પ્રોટોકોલ)નો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને વ્યકતીઓની સંખ્યા મર્યાદીત રહે તે માટે પોલીસ કર્મચારીઓને સહકાર આપવાનો રહેેશે.
• કોવીડ-૧૯ સંદર્ભે રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા, માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવાનું રહેશે.
આ તમામ આદેશનાં અસરકારક અમલીકરણ માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત તેમજ ડ્રોન તેમજ સીસીટીવી મારફતે ચાંપતી નજર રખાશે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીનો નિર્દેશ ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં કરાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!