બુદ્ધની નિર્વાણ ભૂમિ ઉપર બુદ્ધ પુરૂષ પૂ. મોરારીબાપુ દ્વારા કથાગાન

0

પ્રાચીન, ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસો ધરાવતાં, ભગવાન બુદ્ધનાં નિર્વાણ સ્થાન ઉપર બુદ્ધ પુરૂષ પૂજ્ય મોરારીબાપુનાં શ્રીમુખેથી માનસ – ગંગા પ્રવાહિત થશે. ૨૩ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી ર૦ર૧ દરમ્યાન યોજાનારી આ રામકથા, પ્રશાસને નિર્ધારિત કરેલાં તમામ નીતિ-નિયમોનાં પરિપાલન સાથે, મર્યાદિત સંખ્યામાં પધારેલા આમંત્રિત શ્રોતાઓ માટે છે. સવારના ૧૦ થી ૨ સુધી આસ્થા ટીવી અને યુ-ટ્યૂબનાં માધ્યમથી કથાનું લાઈવ પ્રસારણ જાેઈ-સાંભળી શકાશે.
હિન્દુસ્તાનની ધર્મ પરંપરાનું ‘ત્રિવેણી-તીર્થ’ કહી શકાય એવા ઉત્તરપ્રદેશનું કુશીનગર અત્યંત ગૌરવશાળી ઐતિહાસિક અને આધ્યાત્મિક વારસો ધરાવે છે. આ પાવન સ્થાન, હિન્દુ સનાતન ધર્મ પરંપરાનાનવમા અવતાર ભગવાન બુદ્ધની નિર્વાણ ભૂમિ છે. વાલ્મિકી રામાયણ અનુસાર ત્રેતાયુગમાં આ સ્થાન ભગવાન રામચંદ્રજીના પુત્ર કુશની રાજધાની ‘કુશાવતી’ તરીકે પ્રસિદ્ધ હતું. કુશીનગરથી ૧૬ કિલોમીટર દૂર, દક્ષિણ-પશ્ચિમ દિશામાં સ્થિત ‘પાવાપુરી’ (હાલનું ફાજીલનગર) જૈન ધર્મના ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની નિર્વાણ ભૂમિ છે. આ રીતે હિંદુ સનાતન ધર્મ પરંપરાના ભગવાન રામ, બુદ્ધ ધર્મ પરંપરાના ભગવાન ગૌતમ બુદ્ધ અને જૈન ધર્મ પરંપરાના ભગવાન મહાવીર – એમ ધર્મનાં ત્રિવેણી-સંગમ સમું આ સ્થાન અતિ પવિત્ર તીર્થ મનાય છે. કુશીનગર બૌદ્ધ ધર્મીઓનું મુખ્ય યાત્રાધામ છે. પરંતુ ઉત્તર ભારતનું એકમાત્ર સૂર્યમંદિર પણ કુશીનગર જિલ્લાની તુર્કપટ્ટીમાં સ્થિત છે. પુરાતત્વ વિભાગ દ્વારા થયેલાં ખોદકામથી અહીં સૂર્ય ભગવાનની મૂર્તિ પ્રાપ્ત થયેલી, જે ગુપ્ત વંશના સમયકાળ દરમ્યાનની હોવાનું મનાય છે. કુશીનગર જનપદનું મુખ્ય જિલ્લા મથક ‘પડરૌના’ છે. લોકવાયકા એવી છે કે જનકપુરીમાં કરાયેલા સીતા સ્વયંવર પછી, લગ્ન ગ્રંથીથી જાેડાએલાં ભગવાન રામ અને ભગવતી સીતા – મહારાજા દશરથના પરિવારજનો સાથે આ માર્ગે થઈને અયોધ્યા પાછા ફર્યા હતા. ભગવાન રામની પદ રજથી પવિત્ર થયેલી આ ધરતી ‘પદરામ’ – ‘પદરામા’ તરીકે ખ્યાતિ પામી, ત્યારબાદ પદરેના – પડરૈના- પડરૌના તરીકે ઓળખાવા લાગી. પડરૌનાથી દસ કિલોમીટર દૂર પૂર્વમાં વહેતી બાંસી નદી પાર કરીને ભગવાન રામ અયોધ્યા તરફ સિધાવ્યા હતા. જે સ્થાનેથી તેમણે નદી પાર કરી હતી, તે સ્થાન આજે પણ ‘રામઘાટ’ તરીકે ઓળખાય છે. પ્રતિવર્ષ અહીં ભવ્ય લોકમેળો યોજાય છે. બાંસી નદીનું આ સ્થાન શ્રદ્ધાળુઓ માટે એટલું મહત્વનું બની ગયું છે કે, ‘સો વાર કાશી ને એક વાર બાંસી’ કહેવત પ્રચલિત બની છે! કુશીનગર મલ્લ રાજ્યની રાજધાની હતું, ત્યારે ‘કુશીનારા’ તરીકે ઓળખાતું, જે ‘હિરજ્જવાતી’ – હિરણ્યાવતી – નદીના તીરે સ્થિત હતું. એ નદી આજે ‘છોટીગંડક’ તરીકે ઓળખાય છે જે મુખ્ય ‘ગંડક’ નદીથી બાર કિલોમીટર પશ્ચિમ દિશામાં છે. અંતે તે સરયૂ નદીમાં ભળી જઈને સંગમ રચે છે.
પાવાનગરી (હાલનું ફાજીલનગર) નાં ‘છઠીઆવ’ ગામના કોઈ ર્નિદય વ્યક્તિએ ભગવાન બુદ્ધનાં ભિક્ષા પાત્રમાં સુવરનું કાચું માંસ પીરસ્યું. બૌદ્ધ સન્યસ્ત ધર્મના નિયમ મુજબ ભગવાને એ આરોગ્યા પછી એમને અતિસાર નામની બીમારી લાગુ પડી. દેહની રૂગ્ણાવસ્થામાં જ ભગવાન બુદ્ધ, કુશીનારાનાં ‘શાલ વન’ સ્થાન પર અંતિમ પ્રવચન આપીને પરિનિર્વાણ પામ્યા. સમ્રાટ કુમાર ગુપ્ત (પ્રથમ) ના સમયમાં ‘હરિબલ’ નામના બૌદ્ધ ભીખ્ખુએ ભગવાન બુદ્ધનાંમહાપરિનિર્વાણની વિશાળ મૂર્તિની સ્થાપના કરાવી. મહાનિર્વાણ સ્તૂપની રચના પણ આ સમયમાં થઈ જેના પાયામાં તાંબાના ઘડામાંથી ભગવાન બુદ્ધના ભસ્માવશેષ સાથેનું તામ્રપત્ર પુરાતત્વવિદોને પ્રાપ્ત થયું છે. આ પ્રાચીન તીર્થસ્થાનનો જીર્ણોદ્ધાર મૌર્ય વંશ દરમ્યાન થયો. સમ્રાટ અશોક દ્વારા અહીં બૌદ્ધ ધર્મનાં સ્તૂપો અને સ્થાપત્યો રચાયાં. પરંતુ ઈસવીસન ૧૬૦૦ આસપાસ મુસલમાન શાસકોના અત્યાચારથી ભયભીત થઈને બુદ્ધ ભીખ્ખુઓ આ સ્થાન છોડી ગયા. મુસ્લિમ શાસકોએ અહીંના બૌદ્ધ, જૈન અને હિંદુ ધર્મ સ્થાનકોનો ધ્વંસ કર્યો અને આ પવિત્ર સ્થાન કાળની ગર્તામાં વિલીન થયું. વિસરાએલાં આ તીર્થસ્થાનની શોધ કરવાનું શ્રેય અંગ્રેજ ગવર્નર જનરલ કનીંઘમ અને તેના સાથી જનરલ કાર્લાઈનને ફાળે જાય છે. ૧૮૬૧માં અહીં ખોદકામ કરાવતા ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં બનેલી ‘સૂતેલા બુદ્ધ’ ની મૂર્તિ મળી આવી. ૧૯૦૪થી ૧૯૧૨ દરમ્યાન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા વિશેષ સંશોધન થતાં પ્રાચીનકાળનાં અનેક ધર્માવશેષ અહીંથી મળી આવ્યાં. કુશીનગરમાં થાઈલેન્ડ, ચીન, જાપાન, શ્રીલંકા જેવા દેશોએ બનાવેલા બૌદ્ધ મંદિરો પણ દર્શનીય છે. તેથી વિદેશી પર્યટકો માટે પણ આ પર્યટન ધામ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વ્યાસપીઠની વિશ્વ વાટિકાનાં ફ્લાવર્સને કથા શ્રવણનો અમૂલ્ય અવસર આ દિવસોમાં પ્રાપ્ત થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!