ગુજરાત રાજ્યમાં મહાનગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને લઇને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક ડીજીપી આશીષ ભાટિયાએ રાજયના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ચૂંટણી આચારસંહિતા સંદર્ભે કાયદા-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે તમામ પૂર્વ તૈયારીઓ કરવા આદેશ આપ્યો છે. તેમાંય સંવેદનશીલ બુથ ઉપર વિશેષ ધ્યાન આપવા તાકીદ કરી છે.
આગામી તા.૨૧મી ફ્રેબુઆરીના રોજ રાજયની છ મહાનગરપાલિકા તથા ૨૮ ફ્રેબુઆરીના રોજ ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત તથા ૨૩૧ તાલુકા પંચાયત અને બે પેટાચૂંટણી મળીને કુલ ૩૫૧ યુનિટ ઉપર ચૂંટણી યોજાવાની છે. આ સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે ગઈકાલે રાજયના પોલીસ વડા દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજયના તમામ પોલીસ એકમોના વડાઓની એક બેઠક બોલાવીને જરૂરી સૂચનાઓ આપી હતી.
ડીજીપી આશીષ ભાટિયાએ જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાનો અત્યારથી જ અમલ થાય અને ચૂંટણી સંદર્ભેની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવે તેવી સૂચના આપી હતી. તેની સાથોસાથ ખાસ કરીને જે વિસ્તારોમાં અગાઉની ચૂંટણીઓમાં કોઇ બનાવો કે ગુનાઓ બન્યા છે ત્યાં વિશેષ તકેદારી રાખીને અત્યારથી જ આવા વિસ્તારોમાં જરૂરી સમીક્ષા કરીને અટકાયતી પગલાંઓ સહિતની કાયદેસરની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી છે
આ ઉપરાંત પોલીસ અધિકારીઓને તમામ બુથની મુલાકાત લઇને ત્યાં રાખવાની સુરક્ષા વ્યવસ્થાનું આકલન કરીને તે પ્રમાણે ફોર્સ ફાળવવા આયોજન કરવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત ચૂંટણીને લગતી તમામ બાબતો જેવી કે ચૂંટણી વિભાગના સંકલનમાં રહીને પોલીંગ સ્ટેશન તથા તેના લોકેશન નક્કી કરવા, પોલીંગ બુથોની સંવેદનશીલતાની ચકાસણી, કેટલો પોલીસ ફોર્સ અને કેટલી પેરામીલીટરીની જરૂરીયાત રહેશે તેનું આગોતરૂં આયોજન કરવા તેમજ બહારથી જે ફોર્સ ફાળવવામાં આવે તેમની રહેવા તેમ જ અન્ય સુવિધાઓ માટેની વ્યવસ્થા કરવા સહિતના મુદ્દાઓ પર ધ્યાન આપવા સૂચના આપી હતી. તેમણે વધુમાં આદર્શ આચારસંહિતાની કડક અને નિષ્પક્ષ અમલવારી થાય તે સુનિશ્ચિત કરવા તમામ અધિકારીઓને જણાવતાં ઉમેર્યું હતું કે, જાહેર રેલી, સભા, લાઉડ સ્પીકરની પરવાનગી સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે પારદર્શક નીતિ રાખીને આપવા સૂચના આપી હતી. અને આવી સભાઓ દરમ્યાન પણ આચારસંહિતાનું પાલન કરવામાં આવે અને જાે તેનો ભંગ થતો જાેવા મળે તો ભંગ કરનારા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ ઉપરાંત ચુંટણી સંદર્ભે રાજયની સરહદો ઉપર તથા આંતર જિલ્લા તેમ જ આંતર રાજય ચેકપોસ્ટ તાત્કાલિક કાર્યરત કરી ત્યાં કડક ચેકીંગ રાખવા કહ્યું હતું.
વધુમાં તેમણે આગામી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે સારૂ રાજયમાં પરવાના ધરાવતાં હથિયાર કબ્જે લેવાની કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવી, ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા, રીઢા ગુનેગાર તેમ જ ટ્રબલ મેકર વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલાં લેવાની કામગીરી, પ્રોહીબીશન એક્ટની કડક અમલવારી કરવા સહિતની તૈયારીઓ કરવા સૂચના આપી હતી. સાથોસાથ ચુંટણી દરમ્યાન કોવિડ ૧૯ મહામારી અંગે કેન્દ્ર તેમ જ રાજય સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા ઉપર ભાર મૂકયો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews