ખાંભામાં સિંહ બાળને ફાંસલામાં ફસાવવાનાં પ્રકરણમાં વન વિભાગે આ ચર્ચાસ્પદ ગુનામાં પકડેલ બે મહિલા સહિત નવ આરોપીઓને સુત્રાપાડા કોર્ટમાં રજુ કરતાં કોર્ટે પાંચ દિવસના રીમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કર્યો છે. આરોપીઓ નુરજહા મનસુખ પરમાર (ઉ.વ.૬૫), મણીબેન હબીબ પરમાર (ઉ.વ.૫૫), અસમાલ શમશેર પરમાર (ઉ.વ.૪૩), રાજેશ મનસુખ પરમાર (ઉ.વ.૨૨), શમશેર ગુલાબ પરમાર (ઉ.વ.૭૫), મનસુખ ગુલાબ પરમાર (ઉ.વ.૭૩), માનસીંગ ગની પરમાર (ઉ.વ.૨૮), અરવિંદ ગની પરમાર (ઉ.વ.૨૧), ભીખા શમશેર પરમાર (ઉ.વ.૫૫) તમામ રહે.થાન-સુરેન્દ્રનગરને કોર્ટ સમક્ષ રજુ કરાયા હતા. ઇજાગ્રસ્ત હબીબ શમશેર પરમારની જૂનાગઢ સીવીલમાં સારવાર ચાલી રહી હોવાથી અટકાયત કરવાની બાકી હોવાનું જાણવા મળેલ છે.
વનવિભાગ અંધારામાં, કામગીરી સામે અનેક સવાલો ઉઠયાં
એક તરફ ગીર જંગલની બાબરિયા રેન્જમાં ૨૦૦૭માં પરપ્રાંતીય શિકારી ટોળકીએ ૬ સિંહોના શિકાર કર્યાની ઘટનામાંથી બોધપાઠ લેવાને બદલે વન વિભાગ બેદરકારી દાખવતું હોવાથી શિકારી ગેંગ ફરી સક્રિય થઇ છે. જંગલ આસપાસના વિસ્તારોમાં દેશી દવા અને ઓસડિયાં બનાવવા અને વેચાણના ઓથ હેઠળ દંગા બાંધીને શંકાસ્પદ લોકો વસવાટ કરી રહયા છે. જંગલમાં દેશી ઔષધિ ગોતવાના બહાને સિંહોની દિનચર્યાની રેકી કરી લોકેશન મેળવી શિકાર કરવાની પેરવીમાં રહે છે. પરંતુ ગઇકાલે પકડાયેલી શિકારી ગેંગના ૩૫ થી વઘુ સભ્યો છેલ્લા ચારેક માસથી ખાંભા ગામના રેવન્યુ વિસ્તારમાં દંગો બાંધી રહેતા હતા તેમ છતાં વન વિભાગનું તેમના તરફ ધ્યાન ન ગયું તે અનેક સવાલો ઉભા કરે છે. તો બીજી તરફ વનવિભાગ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહયુ છે. સિંહના સંવર્ધન અને રક્ષણ પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. ત્યારે શિકારી ટોળકીઓ ગીર જંગલ સુધી પહોંચી જાય અને વનવિભાગ અંધારામાં રહે તેને લઇને પણ સવાલો ઉઠયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews