જૂનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે પરવાનાવાળા હથિયારો જમા કરાવવા કાર્યવાહી

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં જૂનાગઢ જિલ્લામાં યોજાનાર તાલુકા,જિલ્લા પંચાયતની ચૂંટણી તેમજ જૂનાગઢ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં. ૦૬ તથા ૧૫ ની પેટાચૂંટણી માટે અત્યારથી જ તૈયારી આરંભી દેવા તથા કડક હાથે કામ લેવા સુચના આપી છે. તે સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા પરવાનાવાળા હથિયાર ધરાવતા ધારકોને પોતાના પરવાના વાળા હથિયાર જમા કરાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જેના અનુસંધાને જૂનાગઢ જિલ્લાના હથિયાર પરવાનેદારોએ તાત્કાલિક પોતાના પરવાનાવાળા હથિયારો લાગતા વળગતા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાના થાય છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જિલ્લાના તમામ થાણા અમલદારોને કલેક્ટરના જાહેરનામા અન્વયે તાત્કાલિક હથિયાર પરવાનેદારો પાસેથી પરવાનાવાળા હથિયાર જમા લેવા માટે સૂચના આપી છે જેને આધારે જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના એ, બી, સી, ભવનાથ, જૂનાગઢ તાલુકા, વિસાવદર, ભેસાણ, બીલખા, મેંદરડા ખાતે તમામ થાણા અમલદારો દ્વારા હથિયાર પરવાને દારોના સંપર્ક કરી, વહેલી તકે પોતાના પરવાનાવાળા હથિયારો જમા કરાવવા તમામ ગામોમાં જાણ કરાઈ છે. જૂનાગઢ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના થાણા અમલદારોએ આ વખતે પરવાના વાળા હથિયારો તાત્કાલિક જમા થાય એ માટે નવતર પ્રયોગ કરી, દરેક પરવાનેદારોના લિસ્ટ બનાવી, મોબાઈલ ફોન દ્વારા હથિયારો જમા કરાવવા જાણ તેમજ તાકીદ કરવામાં આવેલ છે. ઘણા ખરા થાણા અમલદારોએ ગામના લાગતા વળગતા સરપંચને જાણ કરી, તેમના ગામમાં પરવાનાવાળા હથિયાર ધરાવતા પરવાનેદારોને પોતાના હથિયારો જમા કરાવવા જાણ પણ કરવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના થાણા અમલદારો દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી સંબંધે પરવાનેદારોના હથિયાર જમા કરાવવા માટે આ વખતે વાપરેલ નવા નુસ્ખાને કારણે તમામ પોલીસ સ્ટેશનોમાં હથિયારો જમા કરાવવા માટે પરવાનેદારોનો ઘસારો જાેવા મળ્યો હતો અને મોટા ભાગના હથિયાર પરવાનેદારોએ જાતે લાગતા વળગતા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જઇ, પોતાના હથિયારો જમા કરાવવા કાર્યવાહી કરી હતી. જૂનાગઢ ડિવિઝનના જૂનાગઢ ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ ૩૨, બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ ૯૩, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કુલ ૭૩, ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કુલ ૧૮, જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ ૨૧, વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે કુલ ૯૩, ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે કુલ ૪૭, બીલખા પોલીસ સ્ટેશન ખાતે કુલ ૯૯, મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે કુલ ૪૩, હથિયારો છેલ્લા બે દિવસની ઝૂંબેશ દરમ્યાન જમા કરાવવામાં આવેલ છે. જૂનાગઢ ડિવિઝનના કુલ ૮૧૮ હથિયારો પૈકી ૫૧૯ હથિયારો જમા કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસના નવતર પ્રયોગથી કુલ હથિયારના ૬૫ ટકા હથિયારો જમા થઈ ગયેલા છે, જે પૈકી ભવનાથ, બીલખા અને મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે ૧૦૦% હથિયારો પરવાનેદારોએ જમા કરાવી દીધા છે. જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના હથિયાર પરવાનેદારોને પોતાના હથિયારો તાત્કાલિક જાતે લાગતા વળગતા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી જઈ, જમા કરાવવા તથા ચૂંટણી પ્રક્રિયામાં પોલીસને સહકાર આપવા જાણ કરવામાં આવેલ છે. જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણી સંબંધે પરવાનેદારો દ્વારા હથિયાર જમા કરવામાં નહીં આવે તો, પરવાનેદારો વિરૂધ્ધ જાહેરનામાનાં ભંગ બદલ કાર્યવાહી થઈ શકે છે તેથી પરવાનેદારોએ પોતાના હથિયારો સત્વરે સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવા પોલીસની યાદીમાં જણાવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!