જૂનાગઢ જીલ્લાના નદી કાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર સાડીઓના ઘાટ ધમધમવાના પગલે આસપાસનાં વિસ્તારોમાં આવેલી નદીઓના પાણી દુષિત કરે છે. અને કેમીકલ યુકત આ પાણીને કારણે જમીનો પણ બંજર બની જાય છે. આરોગ્ય માટે પણ ખતરો ઉભો થયો છે. ત્યારે જૂનાગઢ જીલ્લાની કેટલીક વાડીઓમાં ધમધમતા આવા ઘાટને તાત્કાલીક અસરથી બંધ કરવા માટે અને પ્રદુષિત થતું પાણી અટકાવવા માટે રાજય સરકાર તેમજ સંબંધીત વિભાગોને જીવદયા પ્રેમી અને પર્યાવરણ પ્રેમીઓએ રજુઆતો કરી છે. અને તાત્કાલીક યોગ્ય કરવા માંગણી કરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુરનાં ડાઈંગ ઉધોગનાં કેમીકલ યુકત પાણી નદીમાં ઠાલવવામાં આવતા હોવાની વ્યાપક ફરીયાદોને પગલે જુદા-જુદા વિસ્તારોમાં ઘાટ તોડી પાડવામાં આવ્યા હતાં. અને જયાં પણ આવા ગેરકાયેદસર ઘાટો છે તેની સામે ગ્રામ્ય વિસ્તારોમાંથી ભારે વિરોધનાં સુર ઉઠવા પામેલ છે. ગત જુલાઈ માસમાં ડાઈંગ એસોસીએશન દ્વારા એવી લેખીત ખાતરી પણ આપવામાં આવી હતી કે ડાંઈગના કેમીકલયુકત પાણી નદીઓમાં છોડાશે નહીં અને આ પાણીનો નિકાલ થઈ શકે તે પ્રમાણે ઉધોગ કામ કરશે. પરંતુ આવી કાળજી લેવામાં આવતી નથી. એક સનસનીખેજ અને ચોંકાવનારી વિગતો મુજબ સાડી ઉધોગનાં કારખાનેદારોએ નવો રસ્તો અપનાવ્યો છે અને તે મુજબ જૂનાગઢ જીલ્લાનાં નદી કાંઠાના વિસ્તારોમાં ઘાટ ગેરકાયદેસર ધમધમી રહયા છે. આ અંગે વિશેષમાં એવું જાણવા મળેલ છે કે, જૂનાગઢ જીલ્લાનાં કેટલાક વિસ્તારોમાં આવેલી ખેડુતોની વાડીઓમાં ઘાટ બનાવી નાંખવામાં આવેલ છે અને આવા ઘાટમાં જે તે ડાઈંગમાંથી રીક્ષાઓ ભરીને સાડીઓ લાવવામાં આવતી હોય અને આ ઘાટમાં સાડી ધોવામાં આવે છે. થોડી ઘણી નાણાંની સહાય સાથે આવા ઘાટો ઉપલબ્ધ બન્યા છે ત્યારે આ ઘાટોમાં ધોવાતી કેમીકલઈયુકત સાડીઓનાં કારણે તેનું પ્રદુષિત પાણી આસપાસની નદીઓમાં મિશ્રણ થાય છે. એટલું જ નહીં આસપાસની જમીનો પણ બંજર બની રહી છે.
ઓઝત, ઉતાવળી નદી ઉપરના ઘાટોને પગલે આવુ પ્રદુષિત પાણી જમીનમાં ૧૦૦ ફુટ જેટલે ઉંડુ ઉતરી ગયું છે અને તેની માઠી અસર ખેતરોમાં ઉભા પાક અને જમીનો ઉપર થઈ રહી છે. જૂનાગઢ જીલ્લાનાં નદીઓનાં કાંઠા નજીક વાડીઓમાં આવા સંખ્યાબંધ ઘાટ ધમધમી રહયા છે. ત્યારે આ બાબતે તાત્કાલીક અસરથી તપાસ થવી જાેઈએ અને લાંબા સમયથી વકરતી જતી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ભાદર નદી કાંઠાના ગામોમાં પ્રદુષણની જે સ્થિતિ છે તેવી ઓઝત અને અન્ય નદી કાંઠાના ગામોની થશે. વાડી વિસ્તારમાં જમીનોની ફળદ્રુપતા નાશ પામશે તેમજ પ્રદુષિત કેમીકલયુકત પાણીને કારણે લોકો ચામડીનાં અનેક પ્રકારનાં રોગોનાં સકંજામાં આવે તેવી દહેશત વ્યકત થઈ રહી છે. તેમજ આ જે ઘાટ ધમધમી રહયા છે તે જુદા-જુદા વિભાગની મીઠી નજર હેઠળ ધમધમી રહયા હોવાનું પણ બહાર આવેલ છે. દરમ્યાન પર્યાવરણ પ્રેમી અને જીવદયા પ્રેમીઓએ ગુજરાતનાં મુખ્યમંત્રી તેમજ પર્યાવરણ મંત્રી તેમજ પ્રદુષણ વિભાગને પણ લેખીત ફરીયાદો પણ કરી છે અને તાત્કાલીક પગલા ભરવાની માંગણી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews