ચૂંટણી પહેલાં જ ચાર મહાનગરપાલિકામાં કોંગ્રેસે ૧૧ બેઠકો ગુમાવી દીધી

0

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૧૦૦ વર્ષ જૂની પાર્ટી કોંગ્રેસે મતદાન પહેલાં જ ત્રણ બેઠકો ગુમાવી દેતા હવે ૧૮૯ બેઠકો ઉપર જ ચૂંટણી લડવી પડશે. ગતરોજ ફોર્મ ચકાસણીના દિવસે સરદારનગર અને ઠક્કરબાપા નગર વોર્ડના બે ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા જ્યારે નારણપુરા વોર્ડની બક્ષીપંચની અનામત બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના મહિલા ઉમેદવાર ચૂંટણી પહેલાં જ બિનહરીફ થઈ ગયા હતા. અમદાવાદ સહિત રાજ્યની ૪ મહાનગર પાલિકામાં કોંગ્રેસના ૧૧ ફોર્મ રદ્દ થઈ ગયા છે. જેમાં રાજકોટ શહેરના વોર્ડ નંબર ૧માં કોંગ્રેસ ઉમેદવાર ભરત શિયાળે મેન્ડેટ વિના જ ઉમેદવારી ફોર્મ ભર્યું હોવાથી તે રદ્દ કરવામાં આવ્યું છે. હવે કોંગ્રેસે ડમી ઉમેદવારના આધારે ચૂંટણી લડવી પડશે. આ સિવાય રાજકોટ વોર્ડ નંબર-૪ના ઉમેદવાર નારાયણભાઈ ૩ બાળકોના પિતા હોવાનું સામે આવ્યા બાદ તેમનું ફોર્મ રદ્દ થયું હતું. જ્યારે વોર્ડ નં.૧ના ઉમેદવાર વિજય જાનીએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસને ફટકો પડ્યો છે. આ સિવાય અમદાવાદ અને જામનગરમાં કોંગ્રેસના ૨-૨ ઉમેદવારોના ફોર્મ રદ્દ થયા છે. જ્યારે સુરતમાં પાટીદાર સમાજ સાથે થયેલા વિખવાદના કારણે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ધાર્મિક માલવિયા ફોર્મ ભર્યા વિના પરત ફરતા તેમના સમર્થનમાં વધુ બે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચતા સુરતમાં કોંગ્રેસે ત્રણ બેઠકો ગુમાવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. આમ સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં ત્રણ, સુરતમાં ત્રણ, રાજકોટમાં ત્રણ અને જામનગરમાં બે મળી કોંગ્રેસને ચાર મહાનગર પાલિકામાં ૧૧ બેઠકોનો ફટકો પડ્યો છે. અમદાવાદમાં નારણપુરા વોર્ડની બક્ષીપંચની અનામત બેઠક ઉપર કોંગ્રેસે ચંદ્રિકાબેન રાવલને જ્યારે ભાજપે બિન્દા સુરતીને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર હતી પરંતુ કોઈ અગમ્ય કારણસર કોંગ્રેસના મહિલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપના બિન્દા સુરતી બિનહરીફ થઈ ગયા છે. હવે આ વોર્ડમાં ત્રણ બેઠકો ઉપર જ ચૂંટણી યોજાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!