જૂનાગઢ અને સોરઠ પંથકની આ પવિત્ર ભૂમિનું તેજ કંઈક અનોખું છે. આ ભૂમિમાં વસવાટ કરતાં માનવીઓ કંઈક નોખી માટીનાં ઘડાયેલા છે. અતિથીનો આદર સત્કાર, સ્નેહની સરવાણી અને સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર અને શાંતિના દિપકો પ્રગટાવનાર અનેક લોકો સેવાની સુવાસ પ્રસરાવી રહયા છે. એટલું જ નહીં જુદા- જુદા ક્ષેત્રમાં પણ પોતાની શ્રેષ્ઠ કામગીરી સાથે યશ કલગીનું છોગુ ઉમેરતા જાય છે. આવાં આપણા જૂનાગઢનાં એક ઉંચા ગજજાનાં કલાકાર કે જેની રગે રગમાં અભિનય પડેલો છે અને જેને જન્મજાત કલાકાર કહી શકાય તેવા વાલજીભાઈ અકબરીને તાજેતરમાં નવા રીલીઝ થનારા ગુજરાતી ફિલ્મ ‘સતિ આઈનું સત અને સુરવીરની ખાનદાની’ માં મુખીનું શ્રેષ્ઠ પાત્ર ભજવવા બદલ અને અભિનયના ઓજસ પાથરવા બદલ ફિલ્મનાં નિર્માતા ગોકુળભાઈ પીપલીયા દ્વારા શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે. અને જેને લઈને આનંદની લાગણી વ્યાપેલી છે. જૂનાગઢનાં લોકપ્રિય અખબાર એવા સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક દ્વારા પ્રસારીત થતી સૌરાષ્ટ્ર ભૂમિ ન્યૂઝ ચેનલમાં એક તબકકો એવો હતો કે લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટે આપો મેપોના એપીસોડ બનાવવામાં આવ્યા હતાં. આ એપીસોડમાં વાલજીભાઈ અકબરી આપો તરીકે કલા દર્શાવી અને પોતાની આગવી શૈલીમાં પ્રશ્નો રજુ કરતાં હતાં. થોભીયા જેવી મુછો અને ચોરણી, અંગરખું , માથે પાઘડી અને હાથમાં લાકડી સાથે ખોખારો મારીને મુંછે તાવ દેતા પ્રશ્નો રજુ કરવાની આગવી છટાને કારણે ખુબજ લોકપ્રિય બનેલ હતાં. છેલ્લા ૧૪- ૧૪ વર્ષ થયાં સ્ટેજનાં કાર્યક્રમો, ગુજરાતી પિકચર તેમજ હિન્દી પિકચર અને માહિતીખાતા દ્વારા યોજવામાં આવનારા કાર્યક્રમમાં પણ એક કલાકાર તરીકે તેમને સ્ટેજનું નિમંત્રણ મળતું હતું. આવા આ કલાકારે સતતને સતત કલાની સાધના કરી અને આજે એક નિશ્ચિત સ્થાન પ્રાપ્ત કરેલ છે. શ્રીનાથજીની ઝાંખીમાં સુદામાનાં પાત્ર દ્વારા તેઓ ખુબજ ખ્યાતી પામ્યા હતાં. આવા આ કલાકારની શકિતને પારખી ધનલક્ષ્મી સ્ટુડીયો પ્રસ્તુત ‘સતિ આઈનું સત અને સુરવીરતાની ખાનદાની’ નામક ગુજરાતી પિકચર કે જેના નિર્માતા ગોકુળભાઈ પીપલીયા છે. તેઓએ મુખીના પાત્ર માટે વાલજીભાઈ અકબરીની પસંદગી કરી આ કલાકારે પોતાનો જીવ રેડી અને આ પાત્રને જીવંત બનાવેલ છે. આ ગુજરાતી ફિલ્મનાં કથા અને પટકથા અને સંવાદ હરજીવનભાઈ પીપલીયા (કવિ કુંદન) એ લખેલા છે. દિગદર્શક તરીકે રાજ વાઘેલા અને કેમેરામેન અને એડીટર રાજ પ્રજાપતિ તેમજ કેમેરામેન ઘનશ્યામ કટકીયા અને ગીતકાર નિલેશ પીપલીયા (કવિ નીલ) રહેલા છે. ગામ પીપરલા (તળાજા)નાં ધાર્મિક ઈતિહાસ સાથે વણાયેલી આ કથામાં અનેક પ્રસંગો આવે છે. સાથી કલાકારો સાથે વાલજીભાઈ અકબરીએ પણ સારો અભિનય કરેલ છે. આ ગુજરાતી ફિલ્મ તા.૧૭-ર-ર૦ર૧ને બુધવારે રાત્રે ૮-૪પ કલાકે સવાણી ફાર્મ, વેડ રોડ, સુરત, ધનલક્ષ્મી સ્ટુડીયો દ્વારા રીલીઝ થશે. ત્યારે આ ફિલ્મનું નિર્માણ અને તેમાં ભાગ લેનાર તમામ કલાકારોને સૌરાષ્ટ્ર ભૂમિ તરફથી શુભકામના પાઠવવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews