ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવવા જઇ રહી છે. તેના માટે તમામ પક્ષો જાેરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ખાસકરીને ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે એડીચોટીનું જાેર લગાવ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ તથા અન્ય હોદ્દેદારો મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ૧૫ લાખ પેજ પ્રમુખોને સંબોધીને પત્ર લખ્યો છે. આમ તેમણે ચૂંટણી પહેલા તેમની કામગીરીને બિરદાવી છે.
પીએમ મોદીએ આ પત્રમાં પેજ પ્રમુખોને સંબોધોની લખ્યું કે, પેજ પ્રમુખ એ આપણા પક્ષના પરંપરાગત લોકસંપર્ક અભિયાનનું જ નવતર સ્વરૂપ છે. ચૂંટણી એ જન-ગણના મન સુધી પહોંચવાનું નિમિત્ત માત્ર છે. જેના દ્વારા ઘર ઘરના સભ્યોને, પરિવારોને ભારતીય જનતા પક્ષ સાથે જાેડાવાનો અવસર પ્રાપ્ત થાય છે. પેજ કમિટી પ્રણાલી એ એકસૂત્ર માળા જેવી છે. જેમાં મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, પ્રદેશ પ્રમુખ, વરિષ્ઠ કાર્યકરો, યુવાઓ, મહિલાઓ, ખેડૂતો, વેપારીઓથી માંડી છેવાડાના શ્રમિક સુધીના તમામ વર્ગના સભ્યો જનસંપર્કમાં સરખા ભાગીદાર બને છે અને પક્ષમાં એક બૃહદ પરિવારની ભાવના સુદ્રઢ થાય છે. લોકોની સમસ્યા અને પ્રશ્નોને સમજવા લોકો વચ્ચે જવું અને વિવિધ પ્રશ્નો તેમજ સમસ્યાઓના ઉકેલ માટે રજૂઆત કરવાની પ્રક્રિયા આ કડી મજબૂત બનાવે છે અને વિકાસગાથાના નવા નવા પ્રકરણો ઉમેરી શકાય છે. ૧૫ લાખ પેજ સમિતિ દ્વારા ૨.૨૫ કરોડ મતદારો સુધી પહોંચવાનું એક ભગીરથ કાર્ય એક એક ટીપાથી સમુદ્ર ભરવા જેવું ધીરજ માંગી લે એવું અભિયાન છે
લોકશાહીનો ધબકાર મતદાર હોય છે. પેજ કમિટી-મહાજન સંપર્ક અભિયાન મતદારને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપનારૂ છે અને આ રીતે લોકશાહીના મૂલ્યોને સુદ્રઢ કરવામાં મહત્વનો ફાળો આપશે. લોકોની આકાંક્ષા અને અપેક્ષાઓને સમજવી અને એના ઉપર ખરા ઉતરવું એ કર્મનિષ્ઠ અને સંવેદનશીલ કાર્યકરની નૈતિક ફરજ બને છે.
ગુજરાત અને ભારતીય જનતા પક્ષનો આરંભથી જ અતૂટ નાતો રહ્યો છે. ગુજરાતની જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટી પર સદૈવ માતૃત્વવત નિઃશ્વાર્થ સ્નેહ વરસાવ્યો છે. ગુજરાત મક્કમ, ભાજપ અડીખમ સૂત્ર જ નહીં ભાજપ ગુજરાતના સંબંધની હ્રદયની છબિ છે. મને ખાતરી છે કે, પરસ્પર વિશ્વાસની આ ગંગા નિરંતર વહેતી રહશે. મહાભારતમાં અર્જુનને જેમ માત્ર પક્ષીની આંખ દેખાતી હતી એમ આપણા માટે છેવાડાના માણસના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે એવું લક્ષ્ય હોવું જાેઈએ.
મહાનગર પાલિકા-પંચાયતી રાજની ચૂંટણીમાં પક્ષનું પ્રતિનિધિત્વ કરી રહેલા તમામ ઉમેદવારો અને કાર્યકરોને લોકશાહીના આ પાવન પર્વની નિમિત્તે શુભકામના. સંકલ્પબદ્ધ સમાજ અને રાષ્ટ્ર નિર્માણની મશાલ સાથે સૌ ન્યૂ ઈન્ડિયાની યાત્રામાં સહભાગી થઈએ
પુનઃ સૌ કાર્યકર મિત્રોનું અભિવાદન કરૂ છું અને ઝળહળતી સફળતા માટે શુભેચ્છા પાઠવું છું.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પેજ પ્રમુખની શરૂઆત કરી છે. સીઆર પાટીલ પણ પોતે પોતાના વિસ્તારમાં પેજ પ્રમુખ છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પોતાના વિસ્તારના પેજ પ્રમુખ છે.
ચૂંટણીપંચ દ્વારા દરેક વિસ્તારની મતદાર યાદી તૈયાર કરવામાં આવે છે. તેમાં દરેક પેજ પર ૩૦ મતદારના નામ હોય છે. આ પેજના એક પ્રમુખ ભાજપ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે આ પેજ-પ્રમુખ જે-તે વિસ્તારની સોસાયટી, મહોલ્લો કે પોળનો જ કાર્યકર હોય છે. પેજ પ્રમુખને ચૂંટણી ના થાય ત્યાં સુધી ૩૦ મતદાર સાથે સતત સંપર્કમાં રહેવું અને મતદારોને મત આપવા માટે મોકલવાની જવાબદારી પણ તેની જ રહેશે. ચૂંટણી દરમિયાન પેજ-પ્રમુખો સાથે પ્રદેશ-પ્રમુખથી માંડીને અલગ અલગ આગેવાનો પણ સતત સંપર્કમાં હોય છે.
સીઆર પાટીલને જ્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતુ કે ૨૦૨૨ની ગુજરાત વિધાનસભામાં ભાજપને ગુજરાતની તમામ ૧૮૨ બેઠકો ઉપર જીત મળશે. જેને અનુલક્ષી સીઆર પાટીલ દ્વારા સંગઠનને મજબૂત કરવાની કવાયત હાથ ધરી છે. ‘મિશન ૧૮૨’ના ભાગરૂપે જ પેજ પ્રમુખનું અભિયાન શરૂ કરાયું છે
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews