Thursday, June 24

ગુજરાતની ભૂમિએ મોરારજી દેસાઇ અને નરેન્દ્ર મોદીના સ્વરૂપે દેશને બે મહાન વડાપ્રધાન આપ્યાઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

0

ગાંધીનગર ખાતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિદ્યાલયના તૃતિય પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં તેમણે યુવાઓ-વિદ્યાર્થીઓને અહ્‌્‌વાન કરતાં જણાવ્યુ હતું કે, સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે યુવાઓ સંકલ્પબદ્ધ બનીને શિક્ષણના માધ્યમ દ્વારા ભારત દેશ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ દેશ બને. ગાંધીનગર ખાતે ગુજરાત કેન્દ્રિય વિશ્વ વિધાલયના તૃતીય પદવીદાન સમારોહમાં પદવી એનાયત કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, પ્રાચીન કાળમાં નાલંદા, તક્ષશિલા અને વિક્રમશિલા કક્ષાના વિશ્વ વિદ્યાલયો જે ગુજરાતની વલ્લભી વિદ્યાપીઠને તોલે આવે તેવા હતા. તત્કાલિન સમયે શિક્ષણ સાથે સમાજ ઉત્થાન માટે જે પ્રયાસો થયા છે એ આજે પણ ગુજરાતમાં થઇ રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉમેર્યુ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની જન્મભૂમિ એવી ગુજરાતની પવિત્ર ભૂમિ ઉપરથી જ રાષ્ટ્ર નિર્માણનો પાયો નંખાયો હતો. આ ભૂમિએ જ બે મહાન વડાપ્રધાન મોરારજી દેસાઇ અને નરેન્દ્રભાઈ મોદીના સ્વરૂપે દેશને આપ્યા છે. આ બંનેની સાથે મને કામ કરવાની તક મળી તે બદલ તેમણે પોતાને ગૌરવશાળી માન્યા હતા. તેમણે કહ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે જે નવા આયામો હાથ ધર્યા તેના પરિણામ સ્વરૂપ આજે ગુજરાતમાં અનેક રાષ્ટ્રીય સ્તરના સંસ્થાનો છે. ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેનાથી લઘુ ભારત અને વિવિધતામાં એક્તાનો ભાવ રજૂ થાય છે. તેમણે ઉમેર્યુ કે વર્ષ ૨૦૦૯માં આ વિશ્વ વિદ્યાલયની સ્થાપના થઇ જેમાં ૩૦ રાજ્યોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જે રાષ્ટ્રિય એક્તાના પ્રતીક સમાન છે. આ વિદ્યાલયે મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ પૂરૂં પાડ્યુ છે, કેમ કે પદવી મેળવનાર વિદ્યાર્થીઓમાં ૫૫ ટકા દિકરીઓએ પદવી મેળવી છે અને ૨૧ પદકો પૈકી ૧૩ પદકો પણ દિકરીઓએ મેળવ્યા છે. તેમણે કહ્યુ હતું કે, દિકરીઓ આજે અનેક ક્ષેત્રોમાં આગળ વધી રહી છે ત્યારે સમાજ પરિવર્તનમાં નયા ભારતની પ્રતિકૃતિ દેખાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વિશ્વ વિદ્યાલયનું નવું ભવન વડોદરા ખાતે નિર્માણ થનાર છે જેને માટે કેન્દ્ર સરકારે ૭૪૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે તે આગામી સમયમાં આગવી ઓળખ ઉભી કરશે. એ માત્ર આધુનિક-સુસજ્જ ભવનથી જ નહિ પરંતુ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોના આચરણને પરિણામે શક્ય બનશે. આ માટે સૌને ભગીરથ પ્રયાસો કરવા પણ તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે દેશને નોલેજ સુપર પાવર બનાવવા માટે આજે જે પ્રયાસો થઇ રહ્યા છે, ત્યારે દેશભરમાં અમલી નવી શિક્ષણનીતિનો અમલ નવા દ્વાર ખોલશે. વિકસતા આ યુગમાં સમાજ ઉત્થાન માટે અને છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. એ માટે આ નવી નીતિ ચોક્કસ મહત્વનું પરિબળ બની રહેશે. પૂજ્ય બાપુની સર્વોદયની ભાવનાને સાર્થક કરવા માટે શિક્ષણ મહત્વનું પરિબળ છે ત્યારે તમામ વર્ગોના કલ્યાણ માટે સંવેદના અને સન્માન માટે પ્રયાસો કરવા પડશે. શિક્ષણના માધ્યમ દ્વારા જ યુવાઓ આર્ત્મનિભર બની શકે છે ત્યારે સ્વામી વિવેકાનંદના ‘ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ના મંત્રને સાર્થક કરીને સ્વરોજગાર બનવાનો ભાવ કેળવીને સમાજના તમામ વર્ગના કલ્યાણ માટે યુવાનોને પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી. ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહમાં ઉપસ્થિત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ડો. રમેશ પોખરીયાલ નિશંકે દીક્ષા લઇ રહેલા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે દિક્ષાર્થીઓ માટે આજનો દિવસ પોતાનું ક્ષેત્ર અને લક્ષ્ય પસંદ કરી પોતાની કારકિર્દી નિર્માણ તથા રાષ્ટ્રનિર્માણની દિશામાં નક્કર પગલું આગળ ભરવાનો દિવસ છે. ગુજરાત એ જ રાજ્ય છે જ્યાંથી હડપ્પનની સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. એટલું જ નહીં, વૈદિક સંસ્કૃતિના વાહક સ્વામી દયાનંદ સરસ્વતી, પૂજ્ય ગાંધીજી અને એકતાના પ્રતિક સમા સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના અનેક સપૂતો આ પવિત્ર ભૂમિ સાથે સંકળાયેલા છે. તે ઉપરાંત દેશને વિકાસની એક નવી દિશાઓ ચિંધનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ જન્મભૂમિ ગુજરાત છે. ગુજરાતમાં સ્થિત આ વિશ્વવિદ્યાલયમાંથી દીક્ષા લઈને બહાર જઇ રહેલા તમામ દિક્ષાર્થીઓ ગુજરાતનું ગૌરવ ચોક્કસપણે વધારશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી પોખરીયાલે દીક્ષાર્થીઓને પૂજ્ય સ્વામી વિવેકાનંદના સુત્ર થકી ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ન થોભવા આહ્‌વાન કર્યું હતું. આ વિશ્વવિદ્યાલય રાષ્ટ્ર નિર્માણની પ્રયોગશાળા બનશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. ‘નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦’ના પ્રણેતા ડો.રમેશ પોખરીયાલે શિક્ષણની આ નવી નીતિના ઘડતરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સતત માર્ગદર્શન મળ્યું હોવાનું કહીને આ નીતિ નવી પેઢીને નવી ઊંચાઈ સુધી લઈ જશે અને રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વનું યોગદાન આપશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ હસમુખ અઢિયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે નવા અને ઉભરતા ભારતની શરૂઆત થઈ રહી છે. એક સશક્ત રાષ્ટ્રનિર્માણમાં યુવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે ત્યારે આ વિશ્વ વિદ્યાલય વિદ્યાર્થીઓમાં વિદ્વતા અને ઉદ્યમશીલતા જેવા ગુણોનો વિકાસ કરી રહી છે. સામાજિક પ્રતિબદ્ધતાની સાથે પોતાને ઉત્કૃષ્ટતાના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવું એ વિશ્વવિદ્યાલયનું લક્ષ્ય છે. આ વિશ્વ વિદ્યાલય જ્ઞાન અને કૌશલ્યને નૈતિકતા અને મૂલ્યો સાથે સંયોજિત કરે છે. એવા કુશળ માનવ સંશાધનનું નિર્માણ કરવું કે જે સમાજ, દેશ અને દુનિયા સમક્ષ જવાબદારી સાથે કાર્ય કરે. તેમણે ઉમેર્યું હતું કે આ વિશ્વવિદ્યાલય એક સિમિત ભૌતિક માળખામાં કાર્ય કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ ગુજરાત સરકાર અને શિક્ષણ મંત્રાલયના સહયોગથી વડોદરા ખાતે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના નવા અત્યાધુનિક ભવન નિર્માણનું કાર્ય પૂર્ણ થશે. દેશના વિવિધ રાજ્યોમાં સ્થિત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના નામ જે તે રાજ્યોની સંસ્કૃતિ અને પ્રકૃતિ દર્શાવતા હોય તેવા રાખવા અઢિયાએ અનુરોધ કર્યો હતો. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ રમા શંકર દુબેએ સ્વાગત પ્રવચન આપતા કહ્યું હતું કે, આ વિશ્વવિદ્યાલય શિક્ષણની સાથે સાથે વ્યક્તિત્વ વિકાસની દિશામાં કાર્યરત છે. ‘‘લોકલ ફોર વોકલ’ અને ‘આર્ત્મનિભર ભારત’ના દેશના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરતા આ વિશ્વ વિદ્યાલયે ૧૪ જેટલા પેટન્ટ મેળવ્યા છે, જેમાંથી બે પેટન્ટ બજારમાં ઉપલબ્ધ પણ છે. કોરોના મહામારી જેવી કપરી પરિસ્થિતિમાં પણ આ વિશ્વવિદ્યાલયે વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પૂરૂં પાડ્યું હતું. વિદ્યાર્થીઓમાં વધુને વધુ રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય તે માટે આ વિશ્વવિદ્યાલય કાર્ય કરી રહી છે. આ દીક્ષાંત સમારોહમાં ૭૩ પીએચ.ડી., ૨૬ એમ.ફિલ., ૧૨૧ અનુસ્નાતક અને ૨૪ સ્નાતક એમ કુલ ૨૪૪ વિદ્યાર્થીઓને પદવી પ્રદાન કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સૌથી વધુ માર્કસ મેળવનાર ૨૧ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના વિવિધ ચંદ્રક રાષ્ટ્રપતિના હસ્તે પ્રદાન કરવામાં આવ્યા હતા. આ દીક્ષાંત સમારોહની શરૂઆત દીક્ષાંત શોભાયાત્રાથી થઈ હતી. રાષ્ટ્રપતિના હસ્તે ૬ વિદ્યાર્થીઓને ચંદ્રક પ્રદાન કરવામાં આવ્યા હતા. પદવી પ્રદાન કર્યા બાદ કુલાધિપતીએ ભારતીય પરંપરા અનુસાર પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને દીક્ષાંત ઉપદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના ભારતની સંસદ દ્વારા ૨૦૦૯ના અધિનિયમથી કરવામાં આવી છે. ૧૨ વર્ષના ટૂંકા ગાળામાં જ ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય શિક્ષણના ક્ષેત્રમાં મહત્વનું કેન્દ્ર બની ગઈ છે. અહીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા થયેલ સંશોધનોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે. આઉટલુક-૨૦૨૦ના સર્વેમાં ભારતની કેન્દ્રીય યુનિવર્સિટીમાં ૧૮મું સ્થાન પ્રાપ્ત થયું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ, ડીન, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના અધ્યાપકો, વિદ્યાર્થીઓ- વાલીઓ તેમજ આમંત્રિત શિક્ષણ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.