દોઢ વર્ષ પૂર્વે ઉત્તરપ્રદેશના ઓસીયા ગામથી ગુમ થયેલા માનસિક અસ્થિર આધેડ ફરતા ફરતા ત્રણ માસ પૂર્વે સોમનાથ ભૂમિ પહોંચી જતા સેવાભાવિ સંસ્થા ખાતે રહેતા હતા. પરમોધર્મના સુત્ર મુજબ કામ કરતી નિરાધારના આધાર સંસ્થાએ પોલીસની મદદથી આધેડના પરીવારજનોનો પત્તો મેળવી સ્વજનો સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્ય સર્જાયા હતાં.
વેરાવળ જૂનાગઢ હાઇવે ઉપર આવેલ નિરાધારનો આધાર આશ્રમમાં રસ્તા ઉપર રઝળતા બિનવારસી અસ્થિર મનોસ્થિતી ધરાવતા વ્યકિતઓને લાવી સાર-સંભાળ કરવામાં આવે છે. આશ્રમના સંચાલકો દ્વારા વ્યક્તિઓના પરીવારજનોની શોધખોળ કરી મિલન કરાવવાનું ઉતમ કાર્ય કરવામાં આવે છે. આવી જ રીતે ઉત્તરપ્રદેશમાંથી દોઢ વર્ષ પૂર્વે લાપત્તા બનેલ આધેડનું પરીવાર સાથે મિલન કરાવવામાં આ સંસ્થા નિમિત્ત બની છે. જે અંગે આશ્રમના સંચાલનકર્તા જનકભાઇ પારેખે જણાવેલ છે કે, ત્રણ માસ પૂર્વે ટોલ નાકા નજીક એક વ્યક્તિ માનસિક અસ્થિર અને મેલીઘેલી હાલતમાં બિનવારસ મળી આવેલ હતાં. જેને આશ્રમ ખાતે લાવી તેની સાર સંભાળ રાખવામાં આવી રહી હતી. આ વ્યક્તિને તેના પરીવાર અંગે અવાર નવાર પૂછપરછ કરાતી પરંતુ અસ્થિર મગજના કારણે કોઈ ચોક્કસ વિગત મળતી ન હતી. દરમ્યાન એક વખત આ વ્યક્તિએ પોતે ઉત્તરપ્રદેશના ઓસીયા ગામનો હોવાનું જણાવતા સંસ્થાએ ઉત્તરપ્રદેશ પોલીસની મદદ મેળવી તપાસ કરતા દોઢ વર્ષ પૂર્વે આ વૃધ્ધ ત્યાંથી લાપતા બનેલ હોવાનું અને તેમનું નામ નંદલાલ યાદવ હોવાની માહિતી મળેલ હતી. જેથી પોલીસ મારફતે વૃધ્ધના પરીવારજનોને જાણ કરતા હાલ તેઓ તેમના સ્વજનને લેવા સોમનાથ આવી પહોંચ્યા છે. સંસ્થાના આશ્રમ ખાતે દોઢ વર્ષ બાદ વૃધ્ધ નંદલાલ યાદવને તેમના પરીવારજનો મળતા લાગણીસભર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ તકે વૃધ્ધના સંબંધી સુભાષ યાદવે હરખના આંસુ સાથે સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો.
છેલ્લા અઢી વર્ષથી વેરાવળ સોમનાથ ભૂમિ ઉપર કાર્યરત “નિરાધારનો આધાર” સંસ્થા નામ તેવું જ કાર્ય કરી રહી છે. સાંપ્રત સમયમાં નિસ્વાર્થ ભાવે જેનું કોઈ નથી અને જે અત્યંત દયનીય સ્થિતિમાં હોય તેવા માનવ જીવની સેવા કરવાનું ઉમદા કાર્ય કરી રહી છે. આ સંસ્થામાં હાલ ૫૮ જેટલા આવા નિરાધાર લોકોની સાર સંભાળ થઈ રહી છે અને અત્યાર સુધીમાં ૨૭ જેટલા લોકોને સાજા કરી તેમના પરીવારો સાથે મિલન કરાવવાનું શ્રેષ્ઠ કાર્ય સંસ્થાએ કર્યુ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews