રાજકોટ શહેર અને જિલ્લામાં પોલીસ અને તંત્રની મીઠી નજર હેઠળ કથિત બાયોડીઝલના ૧૦૦ થી વધુ ગેરકાયદે પંપ ધમધમી રહ્યા છે. વાવડી અને રાજકોટ- ગોંડલ હાઇ-વે ઉપર તો બાયોડીઝલ બનાવવાના ખુલ્લેઆમ યુનિટ ચાલે છે તેમજ એક જમીન, મકાન તથા પેટ્રોલીયમના વ્યસાય સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વ્યક્તિનું આ ગેરકાનૂની ધંધામાં વર્ચસ્વ હોવાની પણ ચર્ચા છે. રાજ્ય સરકારે આવા પંપ બંધ કરાવવા સૂચના આપી છે પરંતુ પોલીસ અને કલેક્ટર તંત્ર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કાર્યવાહીમાં વ્યવસ્ત હોવાથી ચૂંટણી પછી ગેરકાયદે પંપ ઉપર દરોડા પાડવામાં આવશે તેમ કહીં આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. જાેકે હવે ચૂંટણી પૂરી થઇ ગઇ હોવાથી દરોડાનો દોર ક્યારથી શરૂ થાય છે એની તરફ સૌની મીટ મંડાયેલી છે. પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં ઇશ્વર, ભગવાન જેવું નામ ધરાવતા એક વેપારી વાવડી નજીક કથિત બાયોડીઝલનો હોલસેલ ધંધો કરે છે. આ વેપારી રોજ એકાદ લાખ લીટર(હા ૧ લાખ લીટરથી વધુ) માલ સપ્લાય કરે છે. સૂત્રોનું માનીએ તો આ વેપારીને જબરી રાજકીય ઓથ હોવા છતાં ગેરકાનૂની ધંધો બેરોકટોક કરવા માટે પોલીસ અને તંત્રને નક્કી કરેલા હપ્તા ચૂકવે છે. એટલું જ નહીં રાજકોટ, સૌરાષ્ટ્ર ઉપરાંત અન્ય રાજયોમાં પણ અહિંથી માલ સપ્લાય થતો હોવાનું સૂત્રો કહી રહ્યા છે. બીજી તરફ રાજકોટમાં બાયોડીઝલના હોલસેલ ધંધામાં જમીન, મકાનના ધંધાર્થી તેમજ પેટ્રોલીયમ વ્યવસાય સાથે સંકળાયેલા વિવાદાસ્પદ ધંધાર્થીનું જબરૂ વર્ચસ્વ હોવાનું કહેવાય છે. તેનો તમામ વહિવટ સંભાળતા વિશ્વાસુ કર્મચારીની ચિરાગ જેવી રોશની સામે તંત્ર અંજાઇ ગયું છે. જ્યારે રાજકોટ-ગોંડલ હાઇ-વે ઉપર એક ખેતરમાં ખુલ્લેઆમ બાયોડીઝલનું ઉત્પાદન થઇ રહ્યું છે. પરંતુ હપ્તાખોરીથી ચાલતા આ ગેરકાનૂની ધંધા સામે રાજકોટ શહેર-જિલ્લાની પોલીસ અને કલેક્ટર તંત્ર આંખે પાટા બાંધીને બેઠું છે.
એક પંપ સંચાલક જાહેર હિતની અરજી કરશે
ગેરકાયદે બાયોડીઝલના બેફામ ઉપયોગના કારણે પેટ્રોલ પંપમાં ડીઝલનું વેંચાણ તળીયે પહોંચી ગયું છેે અને પેટ્રોલ પંપના સંચાલકોને ધંધામાં મોટી નુકશાની થઇ રહી છે. આ મામલે અગાઉ મુખ્યમંત્રીને રજૂઆત કરી ગેરકાયદે બાયોડીઝલના પંપ બંધ નહીં કરાવાય તો ડીઝલની ખરીદી બંધ કરવાની અને આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી. એ સમયે રાજ્ય સરકારે ગેરકાયદે પંપ બંધ કરાવવા પોલીસ, પુરવઠા વિભાગ સહિત સંબંધિત તમામ તંત્રને કડક સૂચના આપી હતી. શેઠની શીખામણ ઝાંપા સુધીપ ઉક્તી મુજબ, બે દિવસ દરોડાની કાર્યવાહી પછી તોતીંગ હપ્તાના સેટીંગ સાથે આ ગેરકાનૂની ધંધો બમણા જાેરથી શરૂ થઇ ગયો છે ! પોલીસ અને તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી નહીં થતાં એક પેટ્રોલ પંપના સંચાલકે ગેરકાયદે બાયોડીઝલના વેંચાણથી સરકારની તીજાેરીને ટેક્સની આવકમાં થઇ રહેલા નુકશાનના આંકડાઓ તેમજ બાયોડીઝલના ગેરકાયદે પંપના ફોટા, વીડીયો સહિતના સજ્જડ પૂરાવાઓ સાથે જાહેર હિતની અરજી કરવા તૈયારી શરૂ કરી છે અને આ મામલે કાનૂની સલાહ પણ લઇ રહ્યાનું જાણવા મળે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews