વેરાવળ પાટણ નગરપાલીકાની રસાકસીભરી યોજાયેલ ચુંટણીના પરીણામોની સમીક્ષા ઉપરથી સ્પષ્ટ થાય છે કે, પરીવર્તન માટે થનગનતા કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડયો છે. જયારે કિંગ મેકર બની ઉભરી આવવાની ખેવના સાથે ત્રણ વોર્ડમાં પેનલ બનાવી અપક્ષ તરીકે ઝંપલાવનાર નગરપાલીકાના પૂર્વપ્રમુખની ત્રણેય પેનલને પણ કારમી હાર સહન કરવી પડી છે. તો આગોતરી ઘડેલ રણનિતીના કારણે સત્તાધારી ભાજપ સત્તા બચાવવામાં સફળ થયુ છે પરંતુ ભાજપના અજેય ગઢ ગણાતા બે વોર્ડોમાં કાઠું કાઢી અપક્ષોએ આઠ પૈકી ત્રણ બેઠકો કબ્જ કરી સૌને ચોંકાવી દીધા છે.
વેરાવળ પાટણ નગરપાલીકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠકો માટે ચુંટણી યોજાયેલ હતી. જેમાં કોંગ્રેસની બે બેઠકો મતદાન પૂર્વે બિનહરીફ થતા ૪૨ બેઠકો ઉપર ઉમેદવારો મેદાનમાં ઉતારેલ હતા. જયારે સત્તાધારી ભાજપે લઘુમતિ વિસ્તારના વોર્ડ નં.૨, ૫ અને ૬ની કુલ ૧૨ બેઠકો ઉપર ઉમેદવારી ટાળી બાકી રહેલ ૮ વોર્ડોની ૩૨ બેઠકો ઉપર ઉમેદવારો મેદાનમાં ઉતારેલ હતા. તો નગરપાલીકાના પૂર્વપ્રમુખ રવિભાઇ ગોહેલે વોર્ડ નં.૧, ૭ અને ૯ માં પેનલ બનાવી મેદાનમાં ઝંપલાવેલ હતું. પરંતુ ફોર્મ પરત ખેંચવાના દિવસે તેમની બે પેનલના એક-એક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ૧૦ ઉમેદવારો સાથે ત્રણ વોર્ડમાં ચુંટણી લડી રહયા હતા. ત્રણેય પક્ષોએ મતદારોને પોતાની તરફે કરવા મતદાન પૂર્વે આક્રમક સાથે ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. આ ચુંટણીના પરીણામો આવતા નગરપાલીકાની ૪૪ બેઠકો પૈકી ભાજપને ૨૮, કોંગ્રેસને ૧૩, પૂર્વપ્રમુખ રવિભાઈ ગોહેલના એક ઉમેદવાર તથા એકલા હાથ અપક્ષ તરીકે ઝંપલાવનાર તબીબ દંપતિ ચુંટાઇ આવ્યા હતાં.
જે વોર્ડમાં પ્રતિસ્પર્ધી તરીકે ભાજપ ન હતુ ત્યાં જ કોંગ્રેસ જીતી શકી
નગરપાલીકાના પરીણામોની સમીક્ષામાં નોંધનીય બાબત એ રહી કે, લધુમતી બહુમતી વિસ્તારવાળા ત્રણ વોર્ડમાં કે જયાં ભાજપે ઉમેદવારો ઉતારેલ ન હતા. તે ત્રણ વોર્ડની ૧૨ બેઠકો ઉપર કોંગ્રેસની એક તરફી જીત નિશ્ચીત મનાતી તે જીતી હતી. આ ઉપરાંત કોંગ્રેસના ગઢ ગણાતા જે વોર્ડમાંથી વિપક્ષી નેતા ફારૂકભાઇ બુઢીયાએ ઉમેદવારી નોંધાવેલ તે વોર્ડ નં.૧૦ માં કોંગ્રેસના એક ઉમેદવાર જગદીશભાઈ ચારીયા વિજય બનેલ હતાં. જયારે વિપક્ષી નેતાની કારમી હાર થઇ હતી. આ વોર્ડમાંથી ભાજપના ત્રણ ઉમેદવારોએ જીત મેળવતા કોંગ્રેસે ગઢ ગુમાવ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહયા છે. આ વોર્ડની ચારેય બેઠકો ઉપર ૨૦૧૫ની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો વિજય થયા હતા. આ સિવાય કોંગ્રેસે ૮ વોર્ડમાં ઉતારેલ ૩૨ પૈકી ફકત એક જ ઉમેદવાર વિજય બનેલ જયારે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ૩૧ ઉમેદવારોએ કારમી હારનો સામનો કરવો પડયો હતો. વોર્ડ નં.૧ માંથી ચુંટણી લડી રહેલ શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ રાયઠઠાને તેમના અપક્ષ પ્રતિસ્પર્ધીઓ કરતા ત્રણ ગણા ઓછા એટલે કે માત્ર ૯૯૬ મતો જ મળતા કારમી હાર થઇ હતી. આમ, નગરપાલીકાના આઠ વોર્ડમાં કે જયાં કોંગ્રેસની સીધી ટકકર ભાજપ સાથે હતી તે તમામ વોર્ડોમાં કોંગ્રેસ જીતવા માટે તો ઠીક રસાકસી લાવવામાં પણ નબળી પુરવાર થઇ હોવાનું પરીણામોમાં સાબિત પણ થઇ હોવાની રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાઓ થઇ રહી છે.
ભાજપના અજેય બે વોર્ડોમાં ગઢમાં ગાબડા પાડવામાં અપક્ષો સફળ રહયા
નગરપાલીકામાં સત્તારૂઢ ભાજપે સત્તા જાળવી રાખવા શરૂઆતથી જ અસરકાર રણનિતી ઘડી હતી. જેના ભાગરૂપે ૮ વોર્ડમાં ૩૨ ઉમેદવારો સાથે મેદાનમાં ઉતરી હતી. ૩૨ પૈકી ૨૫ જેટલા નવોદિત ચહેરાઓને ઉમેદવારો બનાવેલ હતા. ત્યારબાદ ડીજીટલ, જનસંર્પક, ગ્રુપ મિટીંગો અને સભાઓ યોજી ઝંઝાવતી પ્રચાર કરી ભાજપ તરફી માહોલ બનાવેલ હોવાથી ભાજપના ૩૨ પૈકી ૨૮ ઉમેદવારો વિજય થયા હતા. તેમ છતાં ભાજપના અજેય ગઢ ગણાતા એવા વોર્ડ નં.૧ અને ૧૧માં કાઠું કાઢી અપક્ષોએ ત્રણ બેઠકો જીતી લઇ સૌને ચકિત કરી દીધા હતા. જેમાં વોર્ડ નં.૧૧ માં ઉમેદવારી કરેલ એવા નગરપાલીકાના પ્રમુખ પદના દાવેદાર ગણાતા જગદીશભાઇ ફોંફડીની હારે સૌ કોઇને ચકિત કરી દીધા હતા. આ વોર્ડમાં અપક્ષ તરીકે બે બેઠકો ઉપર ઝંપલાવનાર ડો. ઇશ્વર સોનેરી દંપતિએ રેકર્ડબ્રેક મતો સાથે જીત મેળવી ભાજપના ગઢના કાંકરા ખેરવી નાંખ્યા હતા. જયારે વોર્ડ નં.૧ ના સ્થાનીક અગ્રણી રહીશ ઉદયભાઈ શાહે ટિકીટ ફાળવણીથી નારાજ થઇ અપક્ષ તરીકે ઝંપલાવી વિજય મેળવી ભાજપના ગઢમાં ગાબડુ પાડયું હોવાની ચર્ચાઓ થઇ રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews