જૂનાગઢનાં પુર્વ સાંસદ, પુર્વમંત્રી શ્રી મો.લા.પટેલનું નિધન : ઘેરા શોકની લાગણી

0

જૂનાગઢ સહિત ગુજરાતભરમાં અને દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે ખુબજ મોટુ યોગદાન આપનારા અને કડવા પાટીદાર સમાજનાં મુંઠી ઉચેરા માનવી એવા મો.લા.પટેલ આપણી વચ્ચે નથી રહયા. તેઓનું દુઃખદ નિધન થયું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં સદગતનાં પરિવારને સાંત્વના અને દિલસોજી પાઠવવા કડવા પાટીદાર સમાજનાં અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો અને સમાજનાં જુદા-જુદા ક્ષેત્રનાં લોકો પહોંચી ગયા છે અને સદગતને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવી રહયા છે.
જૂનાગઢમાં આજથી પાંચ દાયકા પહેલા શિક્ષણ ક્ષેત્રનું બીજ રોપી અને ખાસ કરીને કડવા પાટીદાર સમાજમાં દિકરીઓને ભણાવી અને શિક્ષણનું સ્તર ઉંચુ લાવવાનાં સંદેશ સાથે શ્રી મોહનભાઈ લાલજીભાઈ પટેલે શૈક્ષણિક સંસ્થા સ્થાપી પટેલ કેળવણી મંડળનાં ચેરમેન તરીકે નિયુકત થઈ અને ટ્રસ્ટીઓ અને સમાજનાં સહયોગ સાથે શિક્ષણની વિવિધ શાખાઓ શરૂ કરવામાં આવી હતી. જુદા- જુદા અભ્યાસક્રમોને લઈને અદ્યતન ટેકનોલોજી સાથેની અનેક સંસ્થાઓ તેમના માર્ગદર્શન હેઠળ કાર્યરત બની છે. ગુજરાતી મિડીયમ, ઈંગ્લીશ મિડીયમ, શૈક્ષણિક સંસ્થાઓમાં હજારો વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી અનેક ઉંચા કિર્તી સ્થંભ સ્થાપેલ છે. કેજીથી કોલેજાે સુધી શિક્ષણમાં પાપા ડગલીથી પગ માંડી અને શૈક્ષણિક સંસ્થા શરૂ કરેલ જે આજે વટવુક્ષ બની ગયેલ છે. કોલેજાે ગર્લ્સ હોસ્ટેલ, બોય હોસ્ટેલ શરૂ કરાઈ હતી.
શ્રી મોહનભાઈ પટેલ કુશળ મેનેજમેન્ટ પાવર ધરાવતા હતાં અને એક કુશળ રાજનિતીક તરીકે પણ સમાજને પોતાનું મહત્વ યોગદાન આપેલ છે. પુર્વ સાંસદ, પુર્વ જળસંપતિ મંત્રી તેમજ પટેલ કેળવણી મંડળનાં ચેરમેન, રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલનાં ટ્રસ્ટી, ઉદ્યોગ ભારતી ગોંડલના ટ્રસ્ટી, ખાદીગ્રામ ઉદ્યોગનાં પ્રમુખ સહિતની અનેક સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સમયકાળમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેવી કે બેટી બચાવો યોજના, સ્વસ્થતા અભિયાન સહિતનાં સમાજલક્ષી અને સામાજીક પ્રવૃત્તિમાં પણ તેઓનું મહત્વનું યોગદાન રહયું છે. તેઓશ્રીને યશસ્વી સેવા બદલ પાટીદાર રત્ન તરીકે પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જૂનાગઢ મોતીબાગ વિસ્તારમાં આવેલી આ શિક્ષણ સંસ્થામાં સવારનાં સમયે ઉજળા અને બગલાની પાંખ જેવા વસ્ત્રો પરિધાન કરી સંસ્થાનાં તમામ વિભાગોમાં રૂબરૂ જઈ કર્મચારીઓ, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ કે કોઈને પણ કોઈપણ જાતના પ્રશ્નો હોય તો સ્થળ ઉપર જ તેનો નિકાલ કરતાં અને સતત મિલનસર અને હસ્તા મુખે દરેકને આવકારતા એવા
શ્રી મોહનભાઈ પટેલ ‘દાદાજીનાં’ હુલામણાં નામેથી ઓળખાતા હતાં. અને તેઓને શૈક્ષણિક વર્તુળમાં સૌથી દિલથી ચાહતા હતાં. તેમણે ઉમીયા પરિવાર સ્થાયી પાટીદાર પરિવારો માટે લોક અદાલત જેવી સંસ્થા શરૂ કરી કુંટુબના કલેશ દુર કરી અનેક બહેનોના કુટુંબો આબાદ કર્યા છે. તેઓનું જીવન સતત પ્રવૃત્તિમય અને સમાજને રાહ ચીંધનારૂ રહયું હતું. મોટી ઉંમર હોવા છતાં પણ સ્ફુર્તીથી થનગનતા અને કાયમને માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતા હતાં અને સમાજને ઉપયોગી કાર્યો કરતા હતાં. ખાસ કરીને પટેલ કેળવણી મંડળ અંતર્ગત આવતી શૈક્ષણિક સંસ્થાઓના વાર્ષિક ઉત્સવની ઉજવણી, વાલી સંમેલન, તેમજ નવરાત્રી દરમ્યાન ઉમાવંશી નવરાત્રીનાં કાર્યક્રમોમાં દુર-દુરથી લોકો આ કાર્યક્રમ માણવા આવતા હતાં.
આ ઉપરાંત કડવા પાટીદાર સમાજની ખુબજ સેવા કરી છે. ઉમિયા સમાધાન પંચમાં પણ પરિવારનાં આંતરકલહને ઘર આંગણે સમાધાનનું રૂપ આપવામાં પણ શ્રી મોહનભાઈ પટેલને ભારે સફળતા મળી છે અનેક તુટતા ઘરો ફરી સંધાયા છે. શિક્ષણ, રાજનિતી, સમાજસેવા, રાજકારણ, જ્ઞાતિ સમાજ અને આમ સમાજને સ્પર્શતા મહત્વનાં પ્રશ્નો ઉકેલવામાં પણ તેમનું યોગદાન રહયું છે. જૂનાગઢને રેલ્વે બ્રોડગેજનો પ્રશ્ન સતાવતો હતો. બ્રોડગેજ થાય તે માટેનું આંદોલન પણ મો.લા.પટેલ અને આગેવાનોએ કર્યુ હતુ. જેને પરિણામે બ્રોડગેજ કાર્યરત બની છે. શ્રી મો.લા.પટેલે સોરઠ વિકાસ સમિતીની સ્થાપના કરી દુષ્કાળમાં ગાયોની માવજત કરી કટલ કેમ્પો સ્થાપિત કર્યા હતાં અને વિકાસ કાર્યોને વેગ આપ્યો હતો. આ ઉપરાંત કુદરતી આપતી દુષ્કાળ વખતે પણ જરૂરીયાતમંદ લોકોને મદદ પુરી પાડી હતી. પોતાની અમુલ્ય સેવા આપનારા શ્રી મો.લા.પટેલની સેવાની જરૂરીયાત કોર્પોરેશનમાં પણ ઉભી થતા માજી મંત્રી, માજી સાંસદ તરીકે પણ પદ ભોગવેલા શ્રી મો.લા.પટેલે તત્કાલીન મુખ્ય્મંત્રી નરેન્દ્રભાઈ મોદી અને સરકાર અને સહયોગ આપવા ભાજપને બળ આપવા માટે તેઓ કોર્પોરેશનમાં પણ ચૂંટણી લડયા હતા અને વિજેતા બન્યા હતાં. શ્રી મોહનભાઈ પટેલનાં પુત્ર કલ્પેશભાઈ પટેલ પણ મહાનગરપાલિકાનાં કોર્પોરેટર રહી ચુકયા છે અને ઉદ્યોગપતિ તરીકે અને અગ્રણી બિલ્ડર તરીકે પણ તેમની નામનાં છે. વિશેષમાં શ્રી મોહનભાઈ પટેલ જૂનાગઢ, સૌરાષ્ટ્ર, ગુજરાત પુરતા જ નહીં પરંતુ રાષ્ટ્રીય લેવલે પણ તેઓની સેવાકીય પ્રવૃત્તિ, કેળવણી ક્ષેત્રની સુવાસ સર્વત્ર પ્રસરેલી છે. તેઓનું ટુંકી બિમારી બાદ ૯૦ વર્ષની ઉંમરે અવસાન થતાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ ખબર મળતા જ મોહનભાઈ પટેલનાં કાર્યોમાં સતત અગ્રેસર રહી અને તેમને સહયોગ આપનારા જૂનાગઢ મનપાના મેયર ધીરૂભાઈ ગોહેલ, જાણીતા ઉદ્યોગપતિ સંજયભાઈ કોરડીયા તેમજ કડવા પાટીદાર સમાજનાં અગ્રણીઓ તેમજ પટેલ કેળવણી મંડળ સંસ્થાનાં ટ્રસ્ટીઓ, શૈક્ષણિક સંસ્થાનાં કર્મચારીઓ, સ્ટાફ તેમજ વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ, આગેવાનો, મહાનુભાવો કે જેઓની સાથે અને તેમના પરિવારજનો સાથે કાયમને માટે સંકળાયેલા એવા તમામ વર્ગનાં આગેવાનો દ્વારા શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવેલ છે.શ્રી મોહનભાઈ પટેલના પાર્થિવ દેહને અંતિમ દર્શનાર્થે પટેલ કેળવણી મંડળ મોતીબાગ સામેના સંકુલમાં બપોરના ર થી ૪ દરમ્યાન રાખવામાં આવશે અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી માત્ર પરિવાર અને મિત્રોની હાજરીમાં ખામધ્રોળ રોડ ઉપર આવેલા ફાર્મહાઉસ ખાતે સદગતની અંતિમવિધી કરવામાં આવશે. શ્રી મો.લા.પટેલનાં દુઃખદ નિધનથી એક ન પુરી શકાય તેવી ખોટ પડી છે ત્યારે સૌરાષ્ટ્ર ભૂમિ પરિવાર પણ તેમનાં આત્માની દિવ્ય શાંતિ માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થનાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!