ગુજરાત રાજયમાં દર ૩ મિનિટે એક વ્યકિત પોતાની જીંદગી ટૂંકાવે છે

0

સાધન-સુવિધા-રોજગાર સહિત વિકાસના તમામ ક્ષેત્રે અગ્રેસર ગુજરાત અને સમૃદ્ધ તથા સલામત ગુજરાતના ભાજપ સરકારના દાવા વચ્ચે રાજ્યની ખરી સ્થિતિ એ છે કે, રાજ્યમાં દરરોજ ર૧ વ્યક્તિઓ આપઘાત કરી જીવન ટૂંકાવી રહ્યા છે. જેમાં બે વર્ષમાં ર૯૮ વિદ્યાર્થીઓએ પણ આપઘાત કર્યાનું સામેલ છે. વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના સરકાર તરફથી અપાતા જવાબમાં રાજ્યની સ્થિતિની ખરી હકીકત છાશવારે સામે આવે છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોર દ્વારા છેલ્લા ૪ વર્ષમાં કેટલા વ્યક્તિઓએ આપઘાત કર્યો અને તેમાં કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, તેમજ કેટલી વ્યક્તિઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ સાથે આપઘાતના મુખ્ય કારણો શું છે ? તેવા પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યના ગૃહવિભાગ દ્વારા અપાયેલા પ્રત્યુત્તરને આધારે છેલ્લા ૨ વર્ષ દરમ્યાન ૧૫,૦૧૩ વ્યક્તિઓએ આપઘાત કર્યો હોવાનું સરકારે કબૂલ્યું છે, અર્થાત દરમહિને ૬૨૫ વ્યક્તિઓએ કોઇ અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. આનો બીજાે અર્થ એ થાય કે, રોજના ૨૧ વ્યક્તિઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. બીજી રીતે જાેઇએ તો દર ૩ મિનિટે ગુજરાતમાં એક વ્યક્તિ તેની જિંદગી ટૂંકાવી રહી છે. રાજ્યમાં છેલ્લા ૨ વર્ષ દરમ્યાન ૬૮૪૯ વ્યક્તિઓએ જીંદગી ટૂંકાવવા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ઓક્ટોબર-૨૦૧૮થી સપ્ટેમ્બર-૨૦૧૯ સુધીમાં ૩૭૩૨ અને ૧ ઓક્ટોબર- ૨૦૧૯ થી ૩૦ સપ્ટેમ્બર- ૨૦૨૦ સુધીમાં ૩૧૧૮ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. બીજી રીતે મૂલવીએ તો દર મહિને આપઘાત સિવાય ૨૮૫ વ્યક્તિઓ આપઘાતનો પ્રયાસ કરે છે અર્થાત રોજના ૯ વ્યક્તિઓ કોઉ અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કરી રહ્યા છે. જવાબમાંથી પ્રાપ્ત થતી ચોંકાવનારી હકીકત એ છે કે, જે વિદ્યાર્થીઓ ભવિષ્યની પેઢી તરીકે ઓળખાય ત્યારે ૨૯૮ વિદ્યાર્થીઓ છેલ્લા ૨ વર્ષમાંં આપઘાત કર્યો છે. જેમાં ૨૦૧૮-૧૯માં ૧૫૩ અને ૨૦૧૯-૨૦ (સપ્ટેમ્બર સુધીમાં) ૧૪૫ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે જ્યારે છેલ્લા ૨ વર્ષમાં ૬૧ વિદ્ર્યાર્થીઓએ આપઘાતનો પ્રાયસ કર્યો હતો જેમાં ૨૦૧૮-૧૯માં ૩૫ અને ૨૦૧૯ ૨૦ (સપ્ટેમ્બર સુધીમાં) ૨૬ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓના આપઘાતના પ્રયાસમાં મોટાભાગે પરીક્ષામાં નાપાસ થવાના કારણે, માનસિક બીમારીના કારણે, સગાઇ ન થવાના કારણે, કૌટુંબિક કારણસર અને પ્રેમસંબંધો જેવી બાબતોના કારણે આપઘાતના કિસ્સા બન્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય વ્યક્તિઓના આપઘાતના કિસ્સામાં આર્થિક કારણોસર, દેવું વધું જવાને લઇને, કૌટુંબિક કારણસર તેમજ પ્રેમસંબંધ જેવા કારણો સામે આવ્યા છે. ગૃહ વિભાગના આંકડા પ્રમાણે ૨૦૧૮-૧૯ (સપ્ટેમ્બર સુધીમાં) રાજ્યના ૫ મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને ગાંધીનગરના ૩૫૨૨ વ્યક્તિઓએ આપઘાત કર્યો છે. જેમાં અમદાવાદમાં ૯૫૯, રાજકોટમાં ૭૫૯, સુરતમાં ૧૦૭૨, વડોદરામાં ૫૧૬ અને ગાંધીનગરના ૨૧૭ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જ્યારે આ જ સમયગાળામાં ૧૭૪૪ વ્ક્તિઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં અમદાવાદના ૩૯૨, રાજકોટના ૨૦૮, સુરતના ૬૨૨, વડોદરાના ૪૯૯ અને ગાંધીનગરની ૨૩ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!