જૂનાગઢનાં બિલખા નજીક ઓઝત નદીના પટમાંથી રેતી ચોરીનું મોટું કારસ્તાન ઝડપાયું : ૧ હિટાચી મશીન, ૩ હોડી અને ૪ ટ્રેક્ટરો જપ્ત કરાયા

0

જૂનાગઢના બીલખા પાસે આવેલ ઓઝત નદીના પટમાંથી રેતી ચોરીનું મોટું કારસ્તાન ઝડપાયું છે. જૂનાગઢના પ્રાંત અધિકારી અંકિત પન્નુને જાણ થતા ખાણ ખનીજ વિભાગ અને પોલીસ કાફલા સાથે રેડ કરી એક હિટાચી મશીન, ત્રણ હોડી અને ચાર ટ્રેક્ટરોને જપ્ત કરીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જૂનાગઢ ના બીલખા પાસે આવેલા થુંબાળા ગામની ઓઝત નદીમાંથી મોટા પાયે રેતી ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. જૂનાગઢના પ્રાંત અધિકારી અંકિત પન્નુને બાતમી મળી હતી કે, ઓઝત નદી વિસ્તારમાં કેટલાક લોકો પોતાને મળેલી લીઝથી દૂર બીજા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે જેને લઈને તેઓએ પોલીસ, મામલતદાર અને રોયલ્ટી ઇન્સ્પેકટર સાથે મળીને સ્થળ ઉપર છાપો માર્યો હતો. બિલખા વિસ્તારમાં આવેલ થુંબાળા ગામની સીમમાં ઓઝત નદીના પટમાં લીઝની બહાર રેતીની મોટા પાયે ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું. સ્થળ ઉપર નદીમાંથી ત્રણ બોટ, નદી કાંઠેથી એક હિટાચી મશીન અને ચાર ટ્રેક્ટરો કબજે કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. મોટા પાયે થતી ખનીજ ચોરી અંગે ખાણ ખનીજ વિભાગ દ્વારા માપણી કરીને અત્યાર સુધીમાં કેટલા પ્રમાણમાં ગેરકાયદે ખનીજ ચોરી કરવામાં આવી છે તેનો સર્વે કરીને દંડ કરીને તેમની લીઝ રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે. જૂનાગઢ જિલ્લામાં ઓઝત, ભાદર, ઉબેણ સહિતની નદીઓમાં ઠેક-ઠેકાણે હોડીઓ મારફત મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતી ચોરીનું મોટું કારસ્તાન ચાલી રહ્યું છે ત્યારે એક સ્થળેથી ખનીજ ચોરી પકડવામાં આવી છે. પરંતુ પ્રશાસન કડક હાથે પગલા લઈને ખનીજ માફિયા સામે લાલ આંખ કરે તો હજુ અનેક સ્થળેથી આ પ્રકારની ગેરકાયદે ખનીજ ચોરી પકડાય તેમ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews