વેરાવળ શહેરની ખારવા સોસાયટી, પી.એન્ડ ટી કોલોની, મફતિયાપરા સહિતના વિસ્તારમાં મંગળવારની રાત્રીના અફરાતફરી મચી હતી અને લોકોમાં શ્વાસ રૂંધાવો, ગળામાં બળતરા સહિતની તકલીફો સર્જાતા મુશ્કેલીમાં મુકાયા હતા. આ અંગે સ્થાનીક લોકોનો આક્ષેપ હતો કે, શહેરની મધ્યમાં આવેલ ઇન્ડીયન રેયોન કંપનીમાંથી થયેલ ગેસ લીકેજના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પ્રકારની મુશ્કેલી વારંવાર સર્જાતી હોય જેથી મંગળવારે રાત્રીના રોષે ભરાયેલા સ્થાનિકોનો સમુહ નજીકમાં જ આવેલ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના નિવાસ સ્થાને રેયોન કંપની વિરૂધ્ધ ફરીયાદ લઈ દોડી ગયા હતા. જાે કે, સિક્યુરિટી દ્વારા લોકોને જિલ્લા કલેક્ટરને મળતા અટકાવ્યા હતા અને પોલીસને જાણ કરતા તાબડતોબ પોલીસ સ્ટાફ દોડી આવી લોકોના ટોળાને વિખેર્યા હતા. પોલીસ અને સીકયુરીટીના વર્તનથી લોકોમાં રોષ પ્રર્વતેલ હતો.
આ ઘટના અંગે ખારવા સોસાયટીમાં રહેતા સામાજીક કાર્યકર દેવેન્દ્ર મોતીવરસે જણાવેલ કે, છેલ્લા ત્રણ દિવસથી રેયોન કંપની સતત ગેસ લીકેજ કરી રહયા હોવા ઉપરાંત વારંવાર ગેસ છોડે છે. જેના કારણે પ્લાન્ટની પાસે આવેલ ખારવા સોસાયટી સહિત આસપાસના વિસ્તોરના લોકો અને બાળકોને શ્વાસ લેવામાં તકલીફ સાથે ગુંગણામણ અનુભવી રહયા છે. ગેસ લીકેજથી સંતાનોના આરોગ્ય ઉપર ભયંકર ખતરો મંડરાયો છે. રેયોન કંપની અવાજનું પણ પ્રદુષણ ભરપુર ફેલાવી રહી છે અને મનસ્વી રીતે ગમે ત્યારે રાત્રીના સમયે સાઉન્ડીંગ કરે છે જેના કારણે રહીશો પરેશાની ભોગવી રહયા છે. આ ઉપરાંત વારંવાર રાત્રીના સમયે રેયોન કંપની કોલસાની કાળી અને સફેદ ભુકી ફેલાવે છે. જેના કારણે લોકોને રહેવું મુશ્કેલ બની ગયુ છે. રેયોન કંપની દ્વારા ફેલાવાતા પ્રદુષણ અંગે અનેકવાર જવાબદાર તંત્રને ફરીયાદો કરવા છતા આજદીન સુધી સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો જ નથી. જેથી ભોપાલમાં થયેલ ગેસ દુર્ઘટના જેવી ઘટના સર્જાશે તેવી ભિતી સતાવી રહી છે.
કંપનીએ ગેસ લીકેજ થયાની ઘટના નકારી
મંગળવારની રાત્રીની ઘટનામાં લોકોનો આક્ષેપ અંગે કંપનીના સુત્રોના જણાવ્યા મુજબ રાત્રીના પ્લાન્ટ શરૂ થતાં સલ્ફર એસિડની સુગંધ પ્રસરી હતી અને કોઈ ગેસ લીકેજ થયો ન હતો.
અધિકારીઓ સંવેદના ચુકયાનો ગણગણાટ
અત્રે નોંધનીય છે કે, ઘણા સમયથી રેયોન કંપનીનું પ્રદુષણ ભોગવતા રહીશો કંટાળી કલેકટરના બંગલે ઘસી ગયેલ હતા. ત્યારે લોકોની વેદના સાંભળી સાંત્વના આપવાના બદલે જીલ્લાના વહીવટી વડા સંવેદના દાખવવાની માનવતા પણ ચુકયા હોય તેમ બહાર આવેલ ન હતા. જેથી લોકોમાં રોષ પ્રર્વતેલ અને જીલ્લામાં અધિકારીઓની પ્રજા તરફે કેવી સંવેદના છે તેનો અમોને અનુભવ થયો હોવાનો વસવસો કરતા હોવાનો ગણગણાટ કરી રહયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews