દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ચર્ચાસ્પદ બનેલા સલાયા ખાતે પોલીસ ઉપરના હુમલા અંગેના ચકચારી પ્રકરણ સંદર્ભે કરવામાં આવેલી ધગધગતી પોલીસ ફરિયાદ બાદ સમગ્ર પોલીસ તંત્રએ હરકતમાં આવી, ગતરાત્રે આરોપીઓને ઝડપી લેવા માટે સઘન કોમ્બિંગ કર્યું હતું. જેના અનુસંધાને કુલ પંદર શખ્સોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ગત ગુરૂવારે રાત્રિના હુસેની ચોકમાં તાજિયાનું જુલૂસ કાઢવા બાબતે સલાયા મરીન પોલીસ દ્વારા કોવિડ ગાઈડલાઈનને અનુસરીને જુલુસ ન કાઢવા સમજાવટ ભર્યા પ્રયાસો કર્યા હતા. તેમ છતાં પણ કેટલાંક તોફાની તત્વોના ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પાર્ટી ઉપર હુમલો કર્યો હતો અને પોલીસની પીસીઆર વેનને ઉથલાવી આ વેન ભંગાર બનાવી દીધી હતી. આ પંથકમાં પ્રથમ વખત અતિ ચર્ચાસ્પદ બનેલા આ પ્રકારના દંગલ પ્રકરણમાં ૧૫ શખ્સો સામે નામજાેગ મળી કુલ પાંચ હજાર લોકો સામે લૂંટ, રાયોટીંગ, ફરજમાં રૂકાવટ સહિતની ધોરણસર ફરિયાદ સલાયાના પી.આઇ.એ દાખલ કરાવી જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા તપાસનો દૌર હાથમાં લેવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાનું અવમૂલ્યન કરી અને પોલીસની ધાક ધૂળધાણી થાય તેવા પ્રયાસો કરનારા તત્વોને પકડી પાડવા જિલ્લા પોલીસ વડા સુનિલ જાેશીની રાહબરી હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ. ચાવડા તથા સ્ટાફ સહિતના પોલીસ અધિકારીઓ-કર્મચારીઓએ ભોભીંતર થઈ ગયેલા આરોપીઓને ઝડપી લેવા માટે સઘન ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં આ ગુનામાં સંડોવાયેલા મનાતા ૧૫ જેટલા શખ્સોને ગતરાત્રીના રાઉન્ડ અપ કરી, વિધિવત્ રીતે ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય શખ્સો પણ નજીકના ભવિષ્યમાં ઝડપાઈ જાય તેવી વ્યૂહરચના સાથે તોફાની તત્વોને દાખલારૂપ સજા અને કાયદા મુજબની કામગીરી કરવામાં આવનાર છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews