જૂનાગઢ અખબારી આલમમાં કેસરી દૈનિકનું પદાર્પણ કરનાર આદ્યસ્થાપક તંત્રી હરીશભાઈ નાવાણીનું દુઃખદ અવસાન થતા અખબારી આલમ, જાહેર જીવન અને રાજકીય ક્ષેત્રે ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. ૧૯૭૦ની સાલમાં કેસરી દૈનિકની સ્થાપના કર્યા બાદ લગાતાર અખબારી આલમ, જાહેર જીવન ક્ષેત્રે કાર્યરત રહેલા હરીશભાઈ નાવાણીએ જૂનાગઢ ઉપરાંત ગાંધીનગરમાં કેસરીની આવૃતિની સાથે દૈનિક અખબારનું વર્ષો સુધી સફળ સંચાલન કરી તંત્રી તરીકેની એક આગવી ઓળખ ઉભી કરી હતી. જાહેર જીવનની સાથે સાથે અખબારી આલમમાં પણ સમાચારોનાં ખેડાણની સાથે સાથે નવોદિત પત્રકારોનાં સિંચનમાં હરીશભાઈ નાવાણીએ માળી તરીકેની ભૂમિકા ભજવી હતી. જૂનાગઢનાં મેયર ધીરૂભાઈ ગોહેલે હરીશભાઈની વિદાયનાં સમાચાર સાંભળતાની સાથે જ સવારે કેસરી ફાર્મ નિવાસ સ્થાને પહોંચીને વસમી વિદાય અંગે ઘેરો શોક વ્યકત કરી અંજલી આપતા જણાવ્યું હતું કે, હરીશભાઈ નાવાણી તંત્રીની સાથે સાથે ધર્મપ્રેમી અને સમાજમાં નિશ્વાર્થ સેવા કેમ કરવી તે જીવનમાં ચરીતાર્થ કરનારા મહાનુભાવ હતા. અનેક ધાર્મિક સામાજીક સંસ્થાઓમાં જમણા હાથે આપેલી સહાયની ડાબા હાથને પણ ખબર ન પડે તેવી રીતે મદદરૂપ થવાની ભાવનાનો હું સાક્ષી છું. હરીશભાઈ નાવાણીની ખોટ જૂનાગઢનાં જાહેરજીવનમાં કાયમ રહેશે. પૂર્વ ડે.મેયર ગીરીશભાઈ કોટેચાએ આપેલી અંજલીમાં જણાવ્યું હતું કે, હરીશભાઈ નાવાણી અને કેસરી પરિવાર જૂનાગઢનાં રાજકીય-સામાજીક અને જાહેર જીવનનાં નિશ્વાર્થ પ્રેરણાસ્ત્રોત રહ્યા હતા. પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂએ સોનાપુરી સ્મશાનગૃહે હરીશભાઈને અંજલી આપતા જણાવ્યું હતું કે, સંઘર્ષ કરીને સફળ કેમ થવું તે મેં અને અનેક સફળ રાજકીય-સામાજીક આગેવાનોએ હરીશભાઈમાંથી શીખ્યું હતું. જૂનાગઢનાં બીલ્ડર અને ભાજપનાં વરીષ્ઠ આગેવાન નીલેશભાઈ ધુલેશીયાએ જણાવ્યું હતું કે, અખબારી આલમ જ નહી જાહેર જીવનમાં હરીશભાઈ નાવાણીની ખોટ કયારેય નહી પુરાય. ટુંકી માંદગી બાદ હરીશભાઈ નાવાણીની વિદાયનાં સમાચારે જાહેર જીવન અને અખબારી આલમમાં ઘેરો શોક ફેલાવ્યો હતો. પુત્ર સુનીલભાઈ, પુત્રી વૈશાલીબેન અને ભાર્ગવીબેન, ધર્મપત્ની પદમાબેન, પુત્રવધુ આસ્થાબેન અને પોૈત્રો આદિત્યા અને કહાનને વિલાપ કરતા મુકી ગયેલા હરીશભાઈ નાવાણીની અંતિમ ક્રિયામાં જૂનાગઢનાં જાહેર જીવનનાં શ્રેષ્ઠીજનો, સિન્ધી સમાજનાં આગેવાનો અને ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્વર્ગસ્થની પ્રાર્થનાસભા તા.૧પ-૧૦-ર૦ર૧ને શુક્રવારનાં રોજ સાંજે ૪ થી ૬ ભૂતનાથ સત્સંગ હોલ, ભૂતનાથ મંદિર, જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews