બઢતી અને ખાલી જગ્યાઓ ભરવા સહિત વિવિધ પડતર પ્રશ્નોએ ડોકટરોની ફરી હડતાળની ચીમકી, ર૯ નવેમ્બરે લડતનાં મંડાણ

0

રૂપાણી સરકાર બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર સામે પણ આંદોલનો અને હડતાળ ઓછા થવાનું નામ નથી લેતા. એસટી અને રિક્ષાચાલકોની હડતાળ અને આંદોલન માંડ શમ્યા છે ત્યાં ર૯મી નવેમ્બરથી બઢતી અને ખાલી જગ્યાઓ ભરવા સહિતની માંગણીઓ સાથે ડોકટરોએ ફરીવાર હડતાળની ચીમકી ઉચ્ચારી છે. ડોકટરની પડતર માંગણી અને તેમની ખાલી જગ્યા ભરવા માટે સરકારી ડોકટર ફરી ર૯મીથી હડતાળ ઉપર જઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આગામી દિવસોમાં જાે કોરોનાનો ગ્રાફ વધે અને તે સમયે જાે ડોકટર હડતાળ ઉપર જાય તો ભારે મુશ્કેલી સર્જાઈ શકે છે. કોરોના કાળમાં સતત ખડે પગે સેવા આપનાર તબીબો હવે પોતાની માંગણીને લઈને આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે. આ હડતાળમાં અંદાજે રાજયનાં દસ હજાર જેટલા ડોકટર સામેલ થશે. તેવી સંભાવના દેખાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજયનાં ડોકટરો પોતાની માંગ પૂર્ણ કરવા માટે રજૂઆત કરી રહ્યા છે. આ ડોકટરો અગાઉ પોતાની માંગ માટે રજૂઆત પણ કરી ચુકયા છે. તેમ છતાં સરકારે માંગ નહી સ્વિકારતા હવે ડોકટરોએ વધુ એક વખત આગામી ર૯ તારીખથી હડતાળ ઉપર જવા માટે ચીમકી ઉચ્ચારી છે. રાજયનાં ગુજરાત મેડીકલ ટીચર્સ, એસોસિએશન, ફેકલ્ટી એસોસિએશન, ગુજરાત ઈન સર્વિસ ડોકટર એસોસિએશન અને ગુજરાત મેડિકલ ઓફિસર એસોસિએશન આ હડતાળમાં જાેડાશે. આ અંગે ડોકટરો પણ કહી રહ્યા છે કે, સરકારે બાંહેધરી આપી હતી તો પણ સરકારે એ માંગ પૂર્ણ કરી નથી. ડોકટરોની માંગણીઓ જાેઈએ તો, એડહોક સેવાઓ સળંગ કરવામાં આવે, છેલ્લા ૧ર વર્ષથી બઢતી કરવામાં નથી આવી તે બઢતી તાત્કાલિક આપવામાં આવે, રાજયની સરકારી મેડિકલ કોલેજમાં ૪૦૦ પોસ્ટ ખાલી છે તેની સામે ૮૦૦ મેડિકલ પ્રોફેસર છે જેમને બઢતી આપી ખાલી ૪૦૦ પોસ્ટ ભરવામાં આવે, ૧૬ મેનાં સરકારનાં ઠરાવ પ્રમાણે નવું એનપીએ એટલે નોન પ્રેકિટસિંગ અલાઉન્સ, પગારની મહત્તમ મર્યાદા અને પર્સનલ પે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલો તે તમામ રર નવેમ્બરનાં ઠરાવથી રદ કરવામાં આવે છે તે પરિપત્ર રદ કરવામાં આવે, રિટાયર્ડ થયેલા તબીબી શિક્ષકોને તાત્કાલિક પેન્શન આપવામાં આવે, તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરી કાયમી ભરતી કરવામાં આવે, થોડા સમય પહેલા સરકારે આપેલી બાંહેધરીઓ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.  ડોકટરોએ સરકારને આ અંગે રજુઆત કરી છે અને પ્રકારની માંગ પણ કરી છે. ત્યારે સરકાર જાે ર૯ તારીખ પહેલા કોઈ નિવેડો નહી લાવે તો રાજયનાં ડોકટરો હડતાળ ઉપર જશે અને આરોગ્ય સેવાઓ ખોરવાઈ જશે. અત્યાર સુધી રાજયનાં અલગ અલગ એસોસિએશનનાં ડોકટર હડતાળ ઉપર જતા હતા. પરંતુ હવે રાજયનાં તમામ ડોકટરો એકસાથે હડતાળ ઉપર જઈ શકે છે તેવું સિનિયર ડોકટર જણાવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!