ખંભાળિયાના મહિલા પોલીસના આપઘાત પ્રકરણમાં પતિ સહિત ત્રણ સાસરીયાઓ સામે ગુનો : પતિની ધરપકડ

0

ખંભાળિયામાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના વતની એવા એક મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલે બે દિવસ પૂર્વે પોતાના પતિ સહિતના સાસરીયાઓના કથિત ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધાના બનાવમાં મૃતક મહિલાના માતાની ફરિયાદ ઉપરથી પોલીસે પતિ, સાસુ તથા નણંદ સ્ત્રી અત્યાચાર સહિતની કલમ મુજબ ગુનો નોંધી, પતિની અટકાયત કરી હતી. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયાના પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલા મીરાબેન દશરથભાઈ ચાવડા નામના ૨૯ વર્ષના મહિલાએ ગત રવિવાર તારીખ ૧૩ મીના રોજ અત્રે રામનગર વિસ્તારમાં આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતેના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધા બાદ ખંભાળિયા પોલીસે પી.એમ. સહિતની ધોરણસર કાર્યવાહી કરી હતી. આ પ્રકરણમાં મૃતક મહિલા કર્મચારી મીરાબેનના ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના શાહપુરા ખાતે રહેતા માતા કોકિલાબેન દશરથભાઈ શંકરભાઈ ચાવડાએ ખંભાળિયા પોલીસ મથકમાં પોતાની પુત્રી મીરાબેનને ત્રાસ આપી, મરી જવા માટે મજબૂર કરવા સબબ મીઠાપુર ખાતે રહેતા તેણીના પતિ મિતેશભાઈ જીતેન્દ્રભાઈ ભાયાણી, સાસુ દક્ષાબેન તથા નણંદ ધારા જીતેન્દ્રભાઈ ભાયાણી સામે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ મીઠાપુર ખાતે રહેતા પતિ સહિતના સાસરીયાઓ દ્વારા ફરિયાદી કોકીલાબેનની પુત્રી મીરાબેન સાથે અવારનવાર ઝઘડો કરતા પતિ અલગ રહેવા જતો રહ્યો હતો અને મીરાબેનએ તમને લોન ઉપર ભાડેથી ચલાવવા માટે કાર લઇ આપી હતી. આ કાર તેણે હપ્તા ભર્યા વગર વેંચી મારી, તેના આવેલા પૈસા વાપરી નાખ્યા હતા. જેથી મેરાબેને મિતેશ પાસેથી આ કારના રૂપિયા માંગતા પતિ મિતેશ, સાસુ દક્ષાબેન તથા નણંદ ધારાબેનએ ફોન ઉપર ઝઘડો કર્યો હતો. આ ઉપરાંત મિતેશએ તેને બીજી છોકરી સાથે અફેર છે તેમ કહી, મીરાબેન તથા તેમના આશરે ત્રણેક વર્ષના પુત્ર શિવમની સારસંભાળ ન રાખી અને બંનેને તરછોડી મુક્યા હતા. આ પ્રકારના માનસિક ત્રાસથી કંટાળી અને મીરાબેને પોતાના પતિ મિતેશ પાસે છૂટાછેડાની માંગણી કરતા ત્રણેય સાસરિયાઓએ મીનાબેનને છૂટાછેડા ન આપી છેલ્લા દોઢેક વર્ષથી તેણીને માનસિક રીતે પરેશાન કરી મૂક્યાનું જાહેર થયું છે. આ પ્રકારની ખરાબ માનસિક પરિસ્થિતિથી તેણી મરી જવા માટે મજબૂર બની હતી અને તેણીએ ગત રવિવારે સાંજના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે પતિ સહિતના સાસરીયાઓ સામે મહિલા પોલીસ કર્મીને આપઘાત કરવા મજબૂર કરવાની કલમ ૩૦૬ તથા સ્ત્રી અત્યાચારની કલમ ૪૯૮(એ) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી, પતિ મિતેશ ભાયાણીની ધરપકડ કરી હતી. મિતેશ તથા મૃતક મીરાબેનના પ્રેમ લગ્ન હતા અને તેમને હાલ આશરે ત્રણેક વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!