જૂનાગઢનાં ભવનાથ ક્ષેત્રમાં પરંપરાગત રીતે યોજાતા મહાશિવરાત્રીના મેળાનાં આયોજન અંગે જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને આજે બપોરના ૧૨ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી અને કોરોનાની ગાઈડલાઈન સાથે મહાશિવરાત્રીનો મેળો યોજાશે એવી જૂનાગઢ જીલ્લા કલેકટર રચિત રાજે જાહેરાત કરતાં ભાવિકોમાં હર્ષોલ્લાસની લાગણી છવાઈ જવા પામી છે. ભવનાથ તળેટી ખાતે મહાવદ નોમથી મહાશિવરાત્રીનો મેળો યોજાય છે. આ મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. પરંતુ કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી મહાશિવરાત્રીના મેળાનું આયોજન થતું ન હતું. પરંતુ ચાલુ વર્ષે સરકારશ્રીની વખતો વખતની કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ મેળો યોજવા અંગે તથા આયોજન માટે કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન થયું હતું. ચાલુ વર્ષે સરકારશ્રીની વખતો વખતની કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ મેળો યોજવા તથા આયોજન માટે જૂનાગઢ જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાયેલ જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને પ્રેસ, મીડિયાના પ્રતિનિધિઓ હાજર રહેલ હતાં. બીજી સરકાર દ્વારા શિવરાત્રીનાં મેળાને મંજુરી આપવામાં આવે એ માટે ભાવિકો અને શ્રધ્ધાળુઓ આતુરતાથી રાહ જાેઈ રહયા હતાં. અને આજે કલેકટરનાં અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મહાશિવરાત્રીનાં મેળાને મંજુરી આપવામાં આવતા જૂનાગઢ સહીત દેશ-વિદેશનાં શ્રધ્ધાળુઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. અત્રે નોંધનીય બની રહેશે કે મહા વદ નોમ આવવાને હવે ગણ્યા ગાંઠયા દિવસો જ બાકી રહયા હોય ત્યારે શિવરાત્રી મેળામાં અન્નક્ષેત્ર ચલાવતા સાધુ સંતો સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરેની ધીરજ ખૂટી રહી હતી. અને જાે સમયસર મંજુરી મળે તો રાવટીઓ ઉભી કરવામાં અનુકુળતા રહે તથા અન્નક્ષેત્ર માટેની સાધન સામગ્રીની, ઉતારા પાણીની વ્યવસ્થા ઉભી કરી શકાય, ભાવિકો ભકતોને તેમની સેવા માટે જરૂરી સૂચના આપી શકાય, જરૂરી પરમીટ સમયસર મેળવી શકાય. દરમ્યાન જૂનાગઢ મનપાના મેયર, ધારાસભ્ય અને ગિરનાર સાધુ મંડળ, ઉતારા વ્યવસ્થા કમિટી વગેરેએ સરકારને મેળો યોજવાની સત્વરે મંજૂરી આપવા રજૂઆત કરી હતી. તેમજ એક પ્રતિનિધિ મંડળ પણ જૂનાગઢથી ગાંધીનગર પહોંચેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ રાજય ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મળેલ અને કોરોનાની સ્થિતિ હાલમાં ઘણી સુધરી છે. તેમજ કેસો પ્રમાણમાં ઘણાં ઓછાં આવે છે જે ધ્યાનમાં લઈને મેળાને મંજુરી આપવા વિનંતી કરાઈ હતી. ત્યારે આજે જૂનાગઢ જીલ્લા કલેકટર રચિત રાજ દ્વારા મહાશિવરાત્રીનો મેળો યોજવા માટે સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ લીલીઝંડી અપાતા ભાવિકો અને શ્રધ્ધાળુઓમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.