ગિરનાર ક્ષેત્રનાં પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજીની રાહબરી હેઠળ શિવરાત્રી મેળાની ઉત્સાહથી ભકિતભાવપૂર્વક ઉજવણી થશે

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં આગામી તા. રપ ફેબ્રુઆરી મહાવદ-૯નાં દિવસથી શરૂ થતાં શિવરાત્રી મેળો ઉત્સાપૂર્વક અને ભકિતભાવપૂર્વક યોજાય અને ભાવિકોને સંતોનાં દર્શનનો લ્હાવો પ્રાપ્ત થાય અને શિવરાત્રીનો મેળો સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે શ્રી ગિરનાર ક્ષેત્રનાં પ્રથમ પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજીનાં વડપણ અને માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. જૂનાગઢથી તદન નજીક ભવનાથ તિર્થ ક્ષેત્ર આવેલું છે. આ પાવનકારી ક્ષેત્રમાં દર વર્ષે પરંપરાગત રીતે શિવરાત્રી મેળો અને પરીક્રમા મેળો યોજવામાં આવે છે. છેલ્લા બે વર્ષ કોરોનાનાં કારણે મર્યાદીત રીતે પરંપરા જાળવવા મેળાઓ યોજવામાં આવ્યા હતાં. જયારે આ વર્ષે શિવરાત્રીનાં મેળાને યોજવાની સરકાર દ્વારા મંજુરી મળતા સંતો અને ભાવિકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. શિવરાત્રી મેળાની તૈયારી શરૂ થઈ છે. દરમ્યાન શ્રી ગિરનાર ક્ષેત્રનાં પ્રથમ પીઠાધીશ્વર તરીકે ગૌરવપદ ધારણ કરનાર જયશ્રીકાનંદ માતાજીનાં માર્ગદર્શન અને વડપણ હેઠળ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થઈ રહયું છે. ગિરનાર ક્ષેત્રનાં વરીષ્ઠ સંતો, અખાડાનાં થાનાપતી, સભાપતી સહીતનાં શિવરાત્રી મેળો શાનદાર અને ભાવભેર યોજાય તે માટે જહેમત ઉઠાવી રહયા છે. આગામી શિવરાત્રીનાં મેળા અંગેની વિગતો આપતા શ્રી ગિરનાર ક્ષેત્રનાં પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજીએ જણાવ્યું હતું કે ભગવાન દત્ત અને દેવાધીદેવ મહાદેવની કૃપા દ્રષ્ટી ભાવિકો, ભકતજનો ઉપર કાયમ રહે તેવી પ્રાર્થના સાથે શિવરાત્રીનો મેળો સરકારની સુચના અને માર્ગદર્શન મુજબ યોજવામાં આવશે. આગામી તા. રપ ફેબ્રુઆરીનાં મહાવદ-૯નાં દિવસે સવારે ૯ થી ૯.૩૦ દરમ્યાન ભવનાથ મહાદેવ, શ્રી પંચદશનામ જુના અખાડા, આહવાન અખાડા ખાતે ધ્વજારોહણ સંતોની ઉપસ્થિતિમાં ભાવપૂર્વક થશે અને શિવરાત્રી મેળાનો પ્રારંભ કરવામાં આવશે. શિવરાત્રી મેળા દરમ્યાન શ્રી પંચ દશનામ જુના અખાડા ખાતે ભજન, ભોજન અને ભકિતનાં ત્રિવેદી સંગમ સમા કાર્યક્રમો યોજાશે તેમ જણાવી વધુ વિગત આપતા શ્રી ગિરનાર ક્ષેત્રનાં પીઠાધીશ્વર જયશ્રીકાનંદ માતાજીએ જણાવ્યું હતું કે આગામી તા. ૧લી માર્ચે શિવરાત્રીનાં પર્વે મધ્યરાત્રીનાં ભવ્ય રવાડી સરઘસ યોજાશે, વાજતે ગાજતે રવાડી સરઘસ રૂટ ઉપરથી મૃગીકુંડ ખાતે આવશે જયાં મૃગીકુંડમાં સ્નાન અને ભવનાથ મહાદેવની મહાપૂજા થશે. આ તમામ કાર્યક્રમો સારી રીતે યોજાઈ તેની તૈયારીઓ ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મહામંડલેશ્વર તરીકે રહેલા જયશ્રીકાનંદ માતાજી ગિરનાર ક્ષેત્રનાં પ્રથમ પીઠાધીશ્વર તરીકે બે વર્ષ પહેલા બિરાજમાન થતાં તેઓનાં સેવકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. વરીષ્ઠ સંતો અને સેવકોએ જયશ્રીકાનંદ માતાજીની વરણીને આવકારી હતી. પ્રથમ પીઠાધીશ્વર તરીકે બિરાજમાન જયશ્રીકાનંદ માતાજીનાં માર્ગદર્શન હેઠળ દર વર્ષે શિવરાત્રીનો મેળો, દત્ત ભગવાનની જયંતિ, ગુરૂપૂર્ણિમા ઉત્સવ, સંતોનાં ભંડારા સહીતનાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉપરાતં સાધુ, સંતોને માટે પણ સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે. દરમ્યાન આગામી શિવરાત્રી મેળામાં પધારવા અને ભજન, ભોજન, ભકિતનો લ્હાવો લેવા સેવકગણ અને સંતોને નિમંત્રણ પાઠવી ભગવાન દત્ત મહારાજ અને ભવનાથ મહાદેવ અને ગિરનારજી મહારાજની કૃપા સર્વે ઉપર ઉતરે તેવી શુભકામના જયશ્રીકાનંદ માતાજીએ વ્યકત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!