વેરાવળના પબ્લીક ગાર્ડનમાં કોંગી ધારાસભ્યે ગ્રાંટમાંથી મુકાવેલ બાંકડાઓને ભાજપના નગરસેવિકાના પતિએ નુકસાન પહોંચાડયાની પોલીસમાં ફરીયાદ નોંધાવી

0

વેરાવળમાં પબ્લીક ગાર્ડનમાં કોંગી ધારાસભ્યની ગ્રાંટમાંથી ફાળવી મુકાયેલ બાંકડાઓને નુકસાન પહોંચાડવા બાબતે ધારાસભ્યએ ભાજપના નગરસેવિકાના પતિ અને પાલીકા પ્રમુખ દ્વારા નુકસાન કરાયુ હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરીયાદ નોંધાવી છે. આ સાથે ધારાસભ્યે નગરસેવિકાના પતિ સાથે ટેલીફોનીક કરેલ વાતચીતનું રેકોર્ડીંગ પણ પોલીસને આપ્યુ છે. જે રેકોર્ડીંગમાં નગરસેવિકાના પતિએ પાલીકા પ્રમુખ પીયુષ ફોફડીની સુચનાથી કર્યાનું જણાવેલ હોવાનું ધારાસભ્યે જણાવેલ છે. પાલીકાના અધિનિયમ મુજબ પાલીકા પ્રમુખને પદ ઉપરથી દુર કરવાની ધારાસભ્યે માંગ કરતી રજુઆત પાલીકાના કમીશ્નરને પણ કરી છે. હાલ આ મામલો સામે આવતા નિમ્નકક્ષાના રાજકારણ સામે લોકો સરકારી મિલ્કતને નુકસાન કરવા બદલ ફીટકારની લાગણી વરસાવી રહયા છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ રાજકારણ કરતા હોય તો તેની સામે કોઇને વાંધો ન હોય પરંતુ જયારે આ રાજકારણમાં રાગદ્રેષ રાખી પ્રજાને મળતી સુવિધા છીનવવાનું કૃત્યુ થાય તે કયારેય સારૂ ન કહેવાય અને આવા નિમ્નકક્ષાના રાજકારણને લોકો પસંદ પણ કરતા નથી. ત્યારે આવા જ નિમ્નકક્ષાના રાજકારણને લઇ વેરાવળ શહેરમાં પ્રજા માટે ઉભી કરાયેલ સુવિધા ભાજપના જવાબદારો દ્વારા છીનવવાનો પ્રયાસ કર્યાનો સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ઘટસ્ફોટ કર્યો છે. જે અંગે તેમણે જણાવેલ કે, મારા મત વિસ્તારમાં જાહેર જગ્યા ઉપર બેસવા માટે અમારા નામની તકતી વાળા બાંકડાઓ મુકવાની ગ્રાંટ હોય જેની ફાળવણી કરી શહેરમાં વોર્ડ નં.૧ માં શ્રીપાલ સોસાયટીમાં આવેલ પબ્લીક ગાર્ડનમાં થોડા દિવસો પહેલા લોકોને બેસવા માટે બાંકડાઓ મુકાવેલ હતા. જે બાંકડાઓને નુકશાન કરાયુ હોવાની અમોને જાણ થતાં સ્થળ ઉપર રૂબરૂ તપાસ કરવા પહોંચ્યા હતા. ત્યારે ગાર્ડનમાં ફીટ કરાયેલ બાંકડાઓમાં હથોડા મારીને પ્લેટ અને નટ-બોલ્ટ છોડવી બાંકડાઓને ઉંધા મુકી દેવામાં આવેલ અને હથોડા મારવાના લીધે બાંકડાઓ ક્રેક કરી નાંખ્યા હતા. આના કારણે લોકો બાંકડાઓ ઉપર બેસી શકતા ન હતા. આવી પ્રવૃતિ કરીને સરકારી મિલ્કતને કોણે નુકશાન પહોચાડેલ તે અંગે આજુબાજુના લોકો સાથે વાતચીત કરતા અમોને જાણવા મળેલ કે, વેરાવળ-પાટણ પાલિકાના વોર્ડ નં.૭ના સભ્યા એવા ગાર્ડન સમિતિના ચેરમેન ભારતીબેન ચંદનાનીના પતિ લક્ષ્મણભાઈએ આ કૃત્ય કરેલ છે. જેથી મારા દ્વારા લક્ષમણભાઇને ટેલીફોનિક વાત કરતા તેઓએ સ્વીકારતા કહેલ કે, અમોએ વેરાવળ-પાટણ પાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડીના કહેવાથી બાંકડાઓને છુટા કરેલ છે અને નુકશાન પહોંચાડેલ છે. આમ ઉપરોકત વિગતે તાત્કાલિક ધોરણે ઉંડાણપૂર્વક તપાસ કરી પાલીકાના પદાધિકારીઓ દ્વારા સરકારી મિલ્કતને નુકશાન પહોચાડવા બદલ પોલીસને લેખિત ફરીયાદ નોંધાવી છે. વધુમાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ જણાવેલ કે, સરકારી મિલ્કતને નુકસાન પહોંચાડવા બદલ નગરપાલિકા અધિનિયમ કાયદો ૧૯૬૩ ની કલમ-૩૭ મુજબ પાલીકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડીને હોદા ઉપરથી દુર કરવા તેમજ નગરસેવિકાના પતિ લક્ષ્મણભાઇ સામે યોગ્યી કાર્યવાહી કરવાની પોલીસ અને પાલીકાના કમીશ્નર ભાવનગરને રજુઆત સાથે માંગણી કરી છે.

error: Content is protected !!