વેરાવળમાં બ્રહ્મસમાજની દિકરીના ગળે છરી વડે ઘાતક હુમલાના મામલે બ્રહ્મસમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેમાં બ્રહ્મસમાજ સાથે જુદા જુદા સમાજના લોકો અને મોટી સંખ્યામાં બહેનોએ જાેડાઇને પીડીત દિકરીને ન્યાય આપોના સુત્રોચ્ચાર પોકાર્યા હતા. બ્રહ્મસમાજ દ્વારા નાયબ કલેકટર મારફત સરકારને આવેદનપત્ર આપી આરોપીને સખ્ત સજાની માંગ કરી હતી. આ તકે બ્રહ્મસમાજના જીલ્લા પ્રમુખે નારાજગી વ્યકત કરી પોલીસ ઘટનાની તપાસમાં ઢીલી નિતી દાખવશે તો સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. વેરાવળમાં બ્રહ્મસમાજની દિકરી ઉપર જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાતો શહેરમાં પડયા છે. આ ઘટનાને લઇ બ્રહ્મસમાજના લોકો બિલેશ્વર મંદિરે મોટી સંખ્યાંમાં એકત્ર થયા હતા. જયાં જીલ્લા બ્રહ્મસમાજના છેલભાઇ જાેશી, તુષાર પંડયા, દેવેન ઓઝા, મિલનભાઇ જાેશી સહિતનાની આગેવાની હેઠળ રોષભેર રેલી નિકળી હતી. આ રેલી બિલેશ્વર મંદિરથી શરૂ થઇ જુદા-જુદા માર્ગો ઉપર ફરી ન્યાય આપો….ન્યાય આપો…. આરોપીને દાખલારૂપ સજા કરો…ના સુત્રોચ્ચામર કરતી પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં બહેનો ઉપરાંત અન્ય સમાજના લોકો પણ જાેડાઇને બ્રહ્મસમાજની માંગણીને સમર્થન આપ્યુ હતું. આ અંગે જીલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ તુષાર પંડયાએ નારાજગી વ્યકત કરતા જણાવેલ કે, અમારી જાણ મુજબ પોલીસની કામગીરી સારી ચાલી રહી હતી અને ગૃહમંત્રીએ પણ અમોને આશ્વાસન આપ્યું હતુ. પરંતુ ગઈકાલ સવારથી એક યા બીજી રીતે પોલીસની કામગીરીમાં શંકા ગઇ હોવાથી અમોએ આ બાબતે આવેદનપત્રમાં અને મૌખીક રજુઆતો કરી છે. આ હિંચકારા હુમલાની ઘટનામાં પોલીસ તપાસમાં ઢીલી નિતી દાખવાશે તો સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. આવું જધન્ય કૃત્ય કરનાર જે કોઇપણ શખ્સ હોય તેની સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે આરોપીને જામીન ન મળે તેની તકેદારી પોલીસ વિભાગ લે તે જરૂરી છે.