સારૂ કાર્ય કોઇપણ કરતાં હોય તેમને બિરદાવ્યા વગર કેમ રહી શકીએ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માને પણ આવું જ એક કાર્ય ધ્યાને આવ્યું છે અને જૂનાગઢમાં એક અલગ જ લોકચાહના મેળવનાર પોલીસ અધિકારી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને ફોન કરી અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે વિગતવાર માહિતી આપતાં ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મિડિયા વિભાગનાં સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રતિવર્ષ ગીરનારની તળેટીમાં યોજાતા શિવરાત્રીના મેળાનું અનેરૂ મહત્વ છે. મહામારીના સંક્રમણના કારણે બે વર્ષથી મેળો યોજાયો ન હતો. ચાલુ વર્ષે ગુજરાત સરકારે મેળાને મંજુરી આપતા, સૌરાષ્ટ્રમાં મેળાને લઈ અનેરો ઉત્સાહ હતો. જૂનાગઢમાં આવેલા એમપી શાહ ગવર્મેન્ટ બ્લાઈન્ડ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રાથમિક શાળાના બાળકોએ જ્યારે મેળા વિષે સાંભળ્યું ત્યારે તેમના મનમાં થયું તેમણે તો ક્યારેય મેળો માણ્યો નથી પરંતુ તેમણે એક રેખાચિત્ર પોતાના મનમાં ઊભું કર્યું. જેણે જીવનમાં ક્યારેય રંગ અને પ્રકાશ જાેયો નથી તેવા બાળકોને પોતાના ઉદ્યોગ શિક્ષક દિનેશ સુથાર પાસેથી મેળાની કથા સાંભળી ત્યારે બાળકોએ કહ્યું સાહેબ અમારે મેળામાં જવું છે, અમારે સંતોને મળવું છે અને શિવના દર્શન કરવા છે. દિનેશ સુથાર કહે છે કે, મારા માટે આ સાવ અનઅપેક્ષિત ઘટના હતી, પણ બાળકોના મનમાં ઊભા થયેલા મેળાના ચિત્રમાં હું કેવી રીતે રંગ પુરી શકું તે એક પ્રશ્ન હતો. મેળામાં લાખો લોકો આવે છે. વાહનવ્યવહારને પણ નિયંત્રીત કરવામાં આવે છે તેવી સ્થિતિમાં અંધ શાળાના વિદ્યાર્થીઓને મેળામાં લઈ જવા તે પણ એક મુશ્કેલી જનક કામ હતું. બાળકોનું મન રાખવા મેં મારા મિત્ર અમિત ચરડવાને ફોન કર્યો. તેમણે મારી વાત સાંભળી અને મને જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનો નંબર આપ્યો. મને ખબર હતી લાખોની મેદની સંભાળવાના બંદોબસ્તમાં પ્રદીપસિંહ જાડેજા રોકાયેલા હતા છતાં અમે તેમને ફોન કરવાનું સાહસ કર્યું. ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા કહે છે કે, અંધ શાળાના શિક્ષકનો ફોન આવ્યો ત્યારે તેમની ઈચ્છા અને વ્યથા મને બંને સમજાઈ ગઈ. મને લાગ્યું કે જે બાળકોએ દુનિયા જાેઈ નથી તે ભવનાથનો મેળો માણે તેના કરતા મોટી કોઈ શિવરાત્રી હોય શકે નહીં. શાળાની મર્યાદા એવી હતી કે, શાળા પાસે કોઈ વાહન ન્હોતું અને ખાનગી વાહનમાં બાળકો આવે તો ખાનગી વાહનને ચોક્કસ અંતરે રોકાઈ જવું પડે તેમ હતું. આથી એસપી સાથે સંકલન કરી અમે પોલીસ પાસે રહેલી એક બસ સ્કૂલમાં મોકલી અમારા પોલીસ જવાનો શાળાના દસ બાળકોને લઈને મેળામાં આવ્યા હતા. સવારે ૧૧ વાગ્યે ભવનાથના મેળામાં પહોંચેલા બાળકોએ બંધ આંખે ભવનાથ મંદિરમાં દર્શન કર્યા. મેળામાં વાગતા સંગીત, વાજીંત્રો અને શોરબકોરને તેમણે હૃદયથી સાંભળ્યા. સવારનું ભોજન ખોડિયાર આશ્રમમાં પંગતભેર બેસીને લીધુ. ભવનાથના મેળામાં જવાની અનેકોને ઈચ્છાઓ હોય છે. પણ શિવના આદેશ વગર શિવદર્શન થતા નથી, આ રીતે ગીરનારીનો આદેશ થયો, બાળકો ભવનાથ પહોંચ્યા અને પ્રદિપસિંહ જાડેજા તથા દિનેશભાઈ સુથાર તેના નિમિત બન્યા હતા.