સાયબર ફ્રોડની ઘટનાઓ દેશભરમાં વધી રહી છે, પરંતુ વલસાડ પોલીસ સામે સાયબર ફ્રોડની એક વિચિત્ર ઘટના સામે આવી જેમાં બેંકના નિવૃત્ત કર્મચારીના બેંક ખાતામાંથી ઓટીપી વગર ૫.૩૦ લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. પોલીસના સાયબર એક્સપર્ટ માટે આ પ્રથમ એવી ઘટના હતી કે, છેતરપીંડી કરનારે ઓટીપી જનરેટ થયા વગર જ લાખો રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે તપાસ કરી રહેલી વલસાડ પોલીસે દિવસોની મહેનત બાદ છ આરોપીઓને ઝડપી લીધા છે, આ ઉપરાંત એક બેંક કર્મચારીની પણ સંડોવણી બહાર આવતા તેને પણ ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ પોલીસ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાજદીપસિંહ ઝાલા સામે વલસાડના જ એક નિવૃત્ત બેંક કર્મચારીએ ફરિયાદ કરી કે, તેમના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાં રહેલા રૂપિયા ૫.૩૦ લાખની ઉચાપત કરવામાં આવી છે. પોલીસે તેમના મોબાઈલ ફોનની તપાસ કરતા તેમના ફોનમાં બેંક તરફથી કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયું હોવાના પુરાવા મળતા ન્હોતા. ડો. રાજદીપસિંહ ઝાલા અગાઉ અમદાવાદમાં સાયબર સેલના ડીસીપી તરીકે કામ કરી ચુક્યા હતા જેના કારણે આ ઘટના પ્રારંભીક તબક્કે તેમની સમજ બહાર પણ હતી. કારણ કે ઓટીપી જનરેટ થયા વગર ફ્રોડ કરવો મુશ્કેલ છે. બેંક કર્મચારીની ફરિયાદના આધારે શરૂ થયેલી તપાસમાં બહાર આવ્યું કે, આ ગેંગ સુરત, ભાવનગર અને બોટાદથી ઓપરેટ કરી રહી છે. જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા જેમાં સુરતનો રાહુલ ચૌહાણ, તનય બેરા, ભાવનગરનો નેવિલ રંગપરા, કેતન મકવાણા બોટાદનો આર્તિષ ચૌહાણ અને અમરેલીનો ભાવેશ ચાવડા સંડોવાયેલા હતા. આ તમામ આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ શરૂ કરતા કઈ રીતે તેમણે આ છેતરપીડીં કરી તે બહાર આવ્યું ત્યારે પોલીસ અધિકારીઓ પણ અચરજ પામ્યા હતા. પોલીસ ઈન્સપેક્ટર પી.ડી.જાનીએ આરોપીની પુછપરછ કરતાં જાણવા મળ્યું કે, રાહુલ ચૌહાણે એક સીમકાર્ડ ખરીદ્યું હતું. તેણે પોતાના ફોનમાં આ સીમકાર્ડ એક્ટિવ કરતાં તેના ફોન મેસેન્જરમાં બેંક ઓફ બરોડાના એક ચોક્કસ ખાતાના ટ્રાન્ઝેક્શન્સના મેસેજીસ આવવા લાગ્યા હતા. આ મેસેજ દ્વારા ખાતામાં કેટલી રકમનું બેલેન્સ છે અને કેટલાનું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે તે તમામ માહિતી તેને મળી રહી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, રાહુલ ચૌહાણે જે નંબરનું સીમકાર્ડ ખરીદ્યું હતું તે ફોન નંબર વર્ષ ૨૦૧૩માં નિવૃત્ત બેંક કર્મચારીનો જ હતો. તેમણે કોઈક કારણસર આ નંબરની સેવાઓ સમાપ્ત કરી હતી પરંતુ પોતાના બેંક સાથે લિંક કરાયેલા આ નંબરની જાણકારી બેંકને આપવાની ચુકી ગયા હતા અને તે નંબર તેમના બેંક ઓફ બરોડાના ખાતા સાથે રજીસ્ટર્ડ નંબર હતો. ૨૦૧૩માં બંધ થયેલો આ નંબર ૨૦૨૨માં રાહુલ ચૌહાણને મળ્યો અને રાહુલને બેંકના મેસેજ મળતા થયા હતા અને તેમાં તેને આ ખાતામાં લાખો રૂપિયા હોવાની જાણકારી મળી હતી. રાહુલે પોતાના સાથી આરોપીઓને આ અંગે જાણ કરી હતી, પરંતુ આ ખાતામાં રહેલા પૈસા કેવી રીતે ઉપાડી શકાય તેની તેમની પાસે કોઈ જાણકારી ન હતી. આ આરોપીઓના એક સંબંધી કનુભાઈ અમરેલીની બાબરામાં આવેલી બેંક ઓફ બરોડા બ્રાન્ચમાં નોકરી કરતાં હતા. તેમણે કનુભાઈને વાત કરતાં તેમણે જણાવ્યું કે, તમે મોબાઈલ અને સીમકાર્ડ લઈ બાબરા આવી જાઓ. આથી આરોપીઓ મોબાઈલ લઈ બાબરા પહોંચ્યા હતા. જ્યાં બેંક કર્મચારી કનુભાઈ અને બ્રાન્ચ મેનેજરે રાહુલના ફોનમાં બેંક ઓફ બરોડાની એપલીકેશન ડાઉનલોડ કરી આપી હતી જેમાં યુઝર આઈડી અને પાસવર્ડ મોબાઈલ નંબર થકી જનરેટ થતાં પાંચ અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. વલસાડ પોલીસ બેંક ઓફ બરોડાના કર્મચારીને ઝડપી લેવા રવાના થઈ ચુકી છે. ડીએસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, આ કેસનો મુખ્ય આરોપી રાહુલ ચૌહાણ મૂળ બોટાદનો રહેવાસી છે અને અંગ્રેજી વિષય સાથે સ્નાતક થયેલો છે. હાલમાં તે સુરતમાં હીરા ઘસવાનું કામ કરે છે. જે નિવૃત્ત બેંક કર્મચારીના ખાતામાંથી પૈસાની ઉચાપત થઈ તેમણે પોતાનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પોતાના બેંકમાં જઈ ડીરજીસ્ટર કરાવવાનો હતો, જે નહીં કરાવ્યો હોવાને કારણે તેમના નાણાંની ઉચાપત થઈ હતી. આરોપીઓની કબૂલાત પ્રમાણે આ રકમમાંથી દસ ટકા રકમ તેમણે બેંક કર્મચારીઓને આપી હતી. જાેકે ખરેખર બેંક કર્મચારીઓને કેટલી રકમ મળી છે તે તેમની ધરપકડ પછી જ સામે આવશે. વલસાડ પોલીસે નાગરિકોને વિનંતી કરી છે કે, બેંકમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ખોવાઈ જાય અથવા નંબર બંધ કરે તો તાત્કાલીક બેંકને તેની જાણ કરે અને સ્ટોપ પેમેન્ટ કરાવે. તેમનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર તેઓ ઉપયોગમાં લેવાનું બંધ કરે તેવા સંજાેગોમાં પણ તે બેંકને તુરંત જાણકારી આપે તે હિતાવહ છે.