વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામિ મહરાજનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. દિલ્હી અને ગાંધીનગર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામનાં રચયીતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામિ મહારાજનું જીવનસૂત્ર હતું ‘બીજાનાં ભલામાં આપણું ભલું છે, બીજાનાં સુખમાં આપણું સુખ છે.’ આ જ જીવનભાવના સાથે તેઓએ પોતાનાં જીવનકાળ દરમ્યાન ૪૦ લાખથી વધુ લોકોને વ્યસનમુકત કર્યા હતા. તેમની પ્રેરણાથી બીએપીએસ સંસ્થા દ્વારા દેશ-વિદેશમાં ૧પ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન થયું છે. વીજળી અને પાણીની બચત માટે તેઓએ પોતાનાં જીવન દ્વારા અનેકને પ્રેરણાઓ આપી છે. આવા વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામિ મહારાજનાં શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અને ભારતની આઝાદીનાં અમૃત મહોત્સવ ઉપક્રે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની બાળ-બાલિકા પ્રવૃત્તિ દ્વારા વ્યસનમુકિત અભિયાન અને પ્રકૃતિ સંવર્ધન અભિયાનનું આયોજન મે મહિનામાં કરવામાં આવ્યું હતું. પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામિ મહારાજની આજ્ઞાથી બીએપીએસ સંસ્થાનાં ૧૬,૦૦૦ બાળકોનું ૪ર૦૦ વૃંદ ઉનાળુ વેકેશનમાં વ્યસનમુકિત અભિયાનમાં જાેડાયા હતા. ઘર, દુકાન, ઓફીસ, બસ સ્ટેશન, જાહેર સ્થળો વગેરે જગ્યાએ ફરીને આ બાળકોએ ૧૪ લાખ જેટલા લોકોનો વ્યકિતગત સંપર્ક કર્યો હતો. દેશભરમાં યોજાયેલ આ અભિયાનમાં બાળકોએ વ્યસનથી થતા નુકશાનની વિગતવાર સમજૂતી લોકોને આપી હતી. તા.૮ મેથી રર મે દરમ્યાન યોજાયેલ આ અભિયાનમાં બાળકોએ કરેલા વિનમ્ર પ્રયાસનાં પરિણામે દેશભરનાં ૪ લાખ વ્યકિતઓએ આજીવન વ્યસનમુકત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ઉપરાંત ૧૦ લાખ જેટલા લોકોએ અન્યને વ્યસનમુકત કરવાનો સંકલ્પ કર્યો હતો. વ્યસનમુકિત અભિયાનની સમાંતર બીએપીએસ સંસ્થાની ૧૪,૦૦૦ બાલિકાઓનાં ૩૩૦૦ વૃંદ દ્વારા સમગ્ર દેશમાં પ્રકૃતિ સંવર્ધન અભિયાન યોજાયું હતું. દેશભરમાં યોજાયેલ આ અભિયાનમાં બાલિકાઓએ ઘરેઘરે જઈને ૧ર લાખ જેટલા લોકોને મુખ્ય ત્રણ સંદેશ આપ્યા હતા. ૧. પાણી બચાવો, ર. વીજળી બચાવો, ૩. વૃક્ષ વાવો. આ ત્રણેય સંદેશ માટે લોકો કેવા કેવા પગલાઓ ભરી શકે તે માટે બાલિકાઓએ સોૈને માર્ગદર્શન અને પ્રેરણાઓ આપી હતી. સતત ૧પ દિવસ ચાલેલા આ અભિયાનનાં પરિણામે ૧૦ લાખ લોકો પાણી-વીજળીનાં બચાવ માટે અને ૬ લાખ લોકો વૃક્ષોનાં વાવેતર અને જતન માટે કટિબધ્ધ થયા હતા. સાથો સાથ અન્યને પણ પ્રકૃતિ સંવર્ધનની પ્રેરણા આપવા માટેનો સોૈએ સંકલ્પ કર્યો હતો. સમગ્ર ભારતનાં વિવિધ શહેરોમાં યોજાયેલ આ અભિયાન જૂનાગઢ શહેર-ગામમાં પણ યોજાયા હતા. જેમાં પ૦ બાળકો અને ૧૪૦ બાલિકાઓએ કુલ ર૧,પ૦૦ વ્યકિતઓનો સંપર્ક કર્યો હતો.