સુવિખ્યાત દ્વારકાધીશ મંદિર સંચાલિત વિશ્રામ ગૃહની બંધ ઇમારતમાંથી તસ્કરોએ છેલ્લા આશરે બે મહિનાના સમયગાળા દરમ્યાન ટેબલ, ખુરશી, ટીપોઈ, ગાદલા જેવી જુદી-જુદી ચીજવસ્તુઓ ચોરી કરીને લઇ ગયાનો બનાવ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે નોંધાયેલી વિગત મુજબ દ્વારકામાં ઇસ્કોન ગેઈટ પાસે આવેલા અને દ્વારકાધીશ મંદિર સંચાલિત વિશ્રામ ગ્રુહના બંધ ઇમારતના તાળા તોડી, છેલ્લા આશરે બે માસના સમયગાળા દરમ્યાન દિવસ અથવા રાત્રીના સમયે કોઇ અજાણ્યા તસ્કરોએ ગેરકાયદેસર રીતે અપપ્રવેશ કરી, આ સ્થળે રાખવામાં આવેલા સ્ટેનલેસસ્ટિલના ત્રણ નંગ ચોરસ ટેબલ, સ્ટેનલેસસ્ટિલના દસ નંગ નાના લંબચોરસ ટેબલ, સ્ટેનલેસસ્ટિલના પાંચ નંગ મોટા લંબચોરસ ટેબલ, અઢીસો નંગ પ્લાસ્ટિકની હાથા વગરની તથા ૬૬ નંગ હાથાવાળી ખુરશી, એકસો નંગ પ્લાસ્ટિકની સનફ્લાવર ખુરશી, ૪૭ નંગ સોફા ટાઈપ હાથા વાળી ખુરશી, ૧૫ નંગ નાની ચોરસ ટીપાઈ, ૯ નંગ મોટી ચોરસ ટીપાઈ, ૨૬ નંગ સિંગલ બેડ પલંગ, ત્રણ નંગ સનમાઈકાવાળા કબાટ, લાકડાનો એક ઘોડો, લાકડાના પાંચ પાટલા ઉપરાંત ૮૦ નંગ ગાદલાની ચોરી થયાનું આ વિશ્રામ ગૃહ સંચાલકોના ધ્યાને આવ્યું હતું. આમ, જુદી જુદી ૧૪ પ્રકારની અને કુલ રૂપિયા ૭૯,૬૦૦ ની કુલ કિંમતની ચીજ-વસ્તુઓની ચોરી થવા સબબ દ્વારકામાં પીડબલ્યુડી ક્વાર્ટરમાં રહેતા અને નોકરી કરતા રસિકકુમાર ધરમશીભાઈ ખાખરીયા(ઉ.વ.૫૨) દ્વારા દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.