જૂનાગઢમાં કિંમતી જમીનનાં સોદામાં છેતરપીંડી અને વિશ્વાસઘાત કરવા અંગે ૭ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતાં ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢમાં જી.ટી.સી. સ્ટાફ કવાટર ગેટ નં. ૪ ટીંબાવાડી બસ સ્ટેન્ડ પાછળ, એગ્રી કેમ્પસ ખાતે રહેતા વૈદેભાઈ રૂડાભાઈ માલમ (ઉ.વ. ૬ર)એ આ કામનાં આરોપી (૧) રામભાઈ ભગવાનભાઈ કરમટા (ર) કાળુભાઈ ભગવાનભાઈ કરમટા (૩) લખમણભાઈ ભગવાનભાઈ કરમટા (રહે. ત્રણેય ગુંદરણ, તા. તાલાલા) (૪) દિવ્યેશભાઈ ભીમશીભાઈ બારડ (તાલાલા) (પ) રાણાભાઈ નગાભાઈ બારડ (ઘુસીયા) (૬) દિલાવર નાનુભાઈ ચૌહાણ (વિજપડી મહુવા રોડ) (૭) મજીદભાઈ મહમદભાઈ ખદરાણી રહે. તાલાળા સામે એવી ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી નં. ૧,ર,૩ નાઓની માલીકીની ગુંદરણ ગામનાં જમીન સર્વે નં. ૯૮ પૈકી ૦.૧૪/૧ ની હે.આરે.ચો.મી.-ર૧૯-૦૬ ની જમીન આશરે સાડા તેર વિઘા જેટલી જમીન તથા આરોપી નં. ર સર્વે નં. ૯૮/પૈકી ૦.૧પ/પૈકી ૧ની હે.આરે.ચો.મી. ૧-૪૮-ર૪ની જમીન ૯ વિઘા તથા આરોપી નં. ૩ની સર્વે નં. ૯૮/પૈકી ૦.૧પ/પૈકી ૩ની હે.આરે.ચો.મી. ૦-૪૦-૪૭ તથા સર્વે નં. ૯૮/પૈકી ૦.૧પ/પૈકી રની હે.આરે.ચો.મી. ૧-૧૧-ર૯ આ બંને સર્વે નંબરની કુલ જમીન ૧-પ૧-૭૬ની ૦૯ વિઘા જેટલી જમીન મળી કુલ ૩ર વિઘા ૪ ગુઠા જમીન જેનાં એક વિઘાનાં રૂા. ૭,૮૧,૦૦૦ લેખે કુલ રૂા. ર,પ૩,૦૦,૦૦૦
બે કરોડ ત્રેપન લાખ રૂપિયામાં ફરીયાદી સાથે આ જમીનનો જમીનનું દલાલી કામ કરનાર આરોપી નં. ૪નાઓ મારફતે સોદો થયેલ અને જે જમીન ફરીયાદી પાસેથી આરોપી નં. પનાએ એક વિઘાનાં રૂા. ૮,૩૦,૦૦૦માં ખરીદ કરવાનો તથા ફરીયાદીનો જૂનાગઢ ખાતે આવેલ પ્લોટ કિંમત રૂા. ૧,૩૦,૦૦,૦૦૦માં આરોપી નં. ૧,ર,૩નાઓ ખરીદ કરશે તેવો વિશ્વાસ આપી અને ફરીયાદીએ ખરીદેલ જમીન જે અંગેનું નોટરી કરાર કરી અલગ અલગ સમયે કુલ રૂા. ૮ર,૦૦,૦૦૦ જેટલી રકમ આ કામનાં ફરીયાદીએ આરોપીઓને જમીનનાં સોદા પેટે આપેલ બાદમાં આ કામનાં આરોપીઓએ આ જમીનનાં દસ્તાવેજ કરી આપવા બાબતે ફરીયાદીને ખોટા વાયદાઓ કરી નોટરીમાં લખાણની મુદત વિતાવી આ જમીનનું દસ્તાવેજ નહી કરી આપી તેમજ આરોપી નંબર પનાએ ફરીયાદી પસોથી જમીન નહી ખરીદવાનું કહી તથા ફરીયાદીનો જૂનાગઢ ખાતે આવેલ પ્લોટ જમીનનાં માલીકોએ નહી ખરીદવાનું કહી તેમજ આરોપી નં. ૪ ફરીયાદી પાસેથી આ જમીન ખરીદવા માટે આરોપી નં. ૬ તથા તેની સાથે દલાલીનું કામ કરતા આરોપી નં. ૭નાઓએ લઈ આવી ફરીયાદી સાથે આ જમીનનો સોદો એક વિઘાનાં રૂા. ૯,૪૦,૦૦૦માં કરી ફરીયાદીને ટોકન પેટે રૂા. ર,૦૦,૦૦૦ આપી ફરીયાદીએ આરોપી વિરૂધ્ધમાં અગાઉ કરેલ અરજીમાં સમાધાન કરાવી લઈ આરોપી નં. ૬નાએ જમીન નહી ખરીદવાનું કહી પોતે આપેલ ટોકન પેટેનાં રૂા. ર,૦૦,૦૦૦ ધમકી આપી અને આરોપી નં. ૪ના કહેવાથી આરોપી નં. ૬ તથા ૭નાઓ પરત લઈ જઈ અને આ જમીનના સોદા પેટે ફરીયાદીએ આપેલ રકમ રૂા. ૮ર,૦૦,૦૦૦ પરત નહી આપી ગુનાહીત કાવતરૂ રચી વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી ધમકી આપી અને આવી જ રીતે આરોપીઓએ આ જ જમીનનો અન્ય ઘણા લોકોને પણ સાટાખત કરાવી આપી તમામ આરોપીઓેએ એકબીજાને મદદગારી કરી હોવાનું નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.