ખંભાળિયામાં પ્રથમ વરસાદે નોંધપાત્ર મેઘમહેર : બે કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારથી મેઘરાજાના મંડાણ થયા છે. ખંભાળિયા તાલુકામાં ગઈકાલના હળવા ઝાપટા બાદ ગઈકાલે મંગળવારે ધોધમાર વરસાદ સાથે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો હોય તેવું ચિત્ર સર્જાઈ ગયું હતું. ગઈકાલે બપોરે બે કલાકના સમયગાળામાં આશરે પોણા ત્રણ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી ચૂક્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ખંભાળિયા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારો અનુભવાયો હતો. જેના કારણે મંગળવારે બપોરે વરસાદી વાદળા બંધાયા હતા અને અઢી વાગ્યે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેણે થોડી જ વારમાં વેગ પકડતાં વીજળીના કડાકા સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. આ ભારે વરસાદ થોડો સમય હળવા ઝાપટા રૂપે પણ વરસ્યો હતો. જેના કારણે આશરે બે કલાકના સમયગાળા દરમ્યાન પોણા ત્રણ ઇંચ વરસાદ(૬૭ મી.મી.) વરસી ચૂક્યો છે. ખંભાળિયા-જામનગર હાઈવે ઉપરના ગામોમાં પણ સચરાચર બેથી ત્રણ ઈંચ જ્યારે ભાણવડ પટ્ટીના ગામો માંઝા, તથીયા વિગેરે ગામોમાં દોઢથી બે ઇંચ વરસાદ વરસ્યો હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. આમ, મોસમનો પ્રથમ અને ધોધમાર વરસાદ વરસી જતા વાવણી જાેગ આ વરસાદથી ધરતીપુત્રો ખેતી કામમાં લાગી ગયા છે. આ પ્રથમ વરસાદ બાદ સાંજે વાતાવરણ ખુલ્લું થયું હતું અને સૂર્યનારાયણના દર્શન થયા હતા. સાંજના સમયે વાતાવરણમાં ઉકળાટનું પ્રમાણ વધી ગયું હતું. આજે પણ સવારથી ખુલ્લા આકાશ વચ્ચે લોકોએ ગરમીમાં વધારો અનુભવ્યો હતો.
વીજપુરવઠો ખોરવાયો
ગઇકાલના આ વરસાદના કારણે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં લાંબો સમય વીજ પુરવઠો ખોરવાઇ જતા કાળઝાળ ગરમીમાં લોકો ત્રાસી ગયા હતા. શનિવારે વીજતંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરી દસેક કલાક સમગ્ર શહેરનો વીજપુરવઠો બંધ રાખ્યા બાદ પ્રથમ હળવા વરસાદે સોમવારે લાંબો સમય અને ગઈકાલે પણ કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઇ જતા પીજીવીસીએલની કામગીરી સામે પ્રશ્નાર્થ સાથે નગરજનોમાં રોષની લાગણી પ્રસરી છે.

error: Content is protected !!