યોગઃ વૈશ્વિક સમરસતા, શાંતિ અને સૌહાર્દનું માધ્યમ : આઠમા યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’

0

ભારતીય ધર્મ અને દર્શનમાં યોગનું ઘણું મહત્વ છે. આધ્યાત્મિક ઊર્જાની સાથે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગને બધા ધર્મો અને દર્શનોમાં ખુલ્લા મને સ્વીકારવામાં આવ્યો છે. યોગ એક શારીરિક, માનસિક અને અધ્યાત્મિક અભ્યાસ છે જે લોકોને શાંતિ પ્રદાન કરવાની સાથે પ્રકૃતિ સાથે જાેડે છે. ભારત આદિકાળથી જ યોગગુરૂ રહ્યો છે. ભારતમાં યોગની પરંપરા સદીઓ જૂની છે. ભારત હંમેશા વૈશ્વિક સ્તરે યોગનો પ્રચાર – પ્રસાર કરી રહ્યું છે. આ પ્રચાર – પ્રસાર ત્યારે લેખે લાગ્યો જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં યુનાઈટેડ નેશન્સની મહાસભામાં ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો અને મહાસભાએ વર્ષ ૨૦૧૫ થી દર વર્ષે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની ઘોષણા કરી હતી. દર વર્ષે અલગ અલગ થીમ ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ (ર્રૂખ્તટ્ઠ ર્કિ ૐેદ્બટ્ઠહૈંઅ)ની થીમ ઉપર ઉજવશે. વર્ષ ૨૦૧૫માં ‘સદભાવ અને શાંતિ માટે યોગ‘, વર્ષ ૨૦૧૬માં ‘કનેક્ટ ધ યુથ’, વર્ષ ૨૦૧૭માં ‘સ્વાસ્થ્ય માટે યોગ’, વર્ષ ૨૦૧૮માં ‘શાંતિ માટે યોગ’, વર્ષ ૨૦૧૯માં ‘કલાઈમેટ એક્શન’, વર્ષ ૨૦૨૦માં ‘યોગ એટ હોમ-યોગ વિથ ફેમિલી’, વર્ષ ૨૦૨૧માં ‘યોગ ફોર વેલબીઈંગ’ જેવી વિવિધ થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આખું વિશ્વ વિશાળ જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે ત્યારે ગુજરાતના સવા કરોડ નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થશે.આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે થશે જેમાં ૭૫૦૦ લોકો જાેડાશે. રાજ્યના દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, નગરપાલિકા, મહાનગરપાલિકા સાથો સાથ શાળાઓ, કોલેજાે, યુનિવર્સિટીઓ, આરોગ્ય કેન્દ્રો પોલીસ હેડ ક્વાર્ટર, રાજ્યની જેલો તથા તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે. સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સુદ્રઢ માર્ગદર્શન અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના આયોજન હેઠળ રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
ગુજરાતના ખૂણે ખૂણે યોગનો પ્રચાર-પ્રસાર થાય તે માટે ચલાવવામાં આવી રહેલાં ‘યોગમય ગુજરાત’ અભિયાનને વધુ સફળ બનાવવા ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રાજ્યમાં ૭૫૦થી વધુ યોગ કોચ અને ૬૦૦૦૦થી વધુ યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજ્યભરમાં ૫૦૦૦ થી વધુ યોગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીએ સમગ્ર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરી ૩૦૦થી વધુ યોગ સંવાદ અને યોગ શિબિરો કરી યોગની જનજાગૃતિ ફેલાવવાના કાર્યક્રમો કર્યા છે. મહત્વપૂર્ણ છે કે, ગુજરાતમાં યોગનો વધુને વધુ પ્રચાર-પ્રસાર થાય, યોગની પ્રવૃત્તિઓ વધુ વેગવંતી બને અને સ્વસ્થ ગુજરાત થકી સ્વસ્થ ભારત બને તે માટે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ અંતર્ગત યોગ બોર્ડની રચના કરવામાં આવી હતી. આ બોર્ડનો હેતુ રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવા તથા લોકોમાં યોગ પ્રત્યે જાગૃતતા ફેલાવવાનો છે. યોગ અને છેવાડાના માનવી સુધી પહોંચાડવા રાજ્ય સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે. ત્યારે આ પ્રયત્ન રૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં યોગ કોચ નિમવા, યોગ કોચને તાલીમ આપવી તથા દરેક યોગ કોચ હેઠળ યોગ્ય ટ્રેનરો તૈયાર કરવા જેવી કામગીરી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોષણા થતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના એજન્ડામાં પ્રમુખ સ્થાને યોગ વિષયનો સમાવેશ થયો. વર્ષ ૨૦૧૫માં માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા એન.સી.ઈ.આર.ટી ના અભ્યાસક્રમમાં અને ત્યાર બાદ દેશની ઘણી યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં યોગ વિષયનો ઉમેરો કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા ૨૧ મી જૂન પસંદ કરવામાં આવી હતી કારણ કે, ૨૧ મી જૂન ઉત્તર ગોળર્ધનો સૌથી લાંબો દિવસ છે. ભારતીય માન્યતા અનુસાર આ દિવસને ગ્રીષ્મ સંક્રાંતિ દિવસ માનવામાં આવે છે. સામાન્ય દિવસોની સરખામણીએ આ દિવસે સૂર્યના કિરણો સૌથી વધુ સમય સુધી પૃથ્વી ઉપર રહે છે. યોગાભ્યાસમાં આ સમયને સંક્રમણકાળ કહે છે અને આ સમયે યોગ કરવાથી ઘણો ફાયદો થતો હોય છે. આજે વિશ્વ યોગમય બની રહ્યું છે જેનો સંપૂર્ણ શ્રેય યોગની જન્મભૂમિ ભારતને જાય છે. યોગને વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવા દેશના આધ્યાત્મિક યોગ ગુરૂઓની મહત્વની ભૂમિકા રહી છે. આઝાદીની લડત દરમ્યાન મહર્ષિ અરવિંદ અને સ્વામી વિવેકાનંદે લોકોને આધ્યાત્મ અને યોગના માધ્યમથી વિશ્વ શાંતિનો સંદેશો આપ્યો હતો. આજે વિશ્વના તમામ દેશોની ભાગીદારીથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભવિષ્યમાં યોગ વૈશ્વિક સમરસતા, શાંતિ અને સૌહાર્દનું મહત્વનું માધ્યમ બનશે.

error: Content is protected !!