શાંતીપરા ગામની સરકારી પ્રા. શાળામાં ભણીને ૧૮ ડોકટર દર્દિનારાયણની કરે છે સેવા

0

માળીયા હાટીના તાલુકાના શાંતીપરા ગામની સરકારી પ્રાથમીક શાળામાં ભણીને આજે ૧૩૮ શિક્ષકો જૂનાગઢ, ગીર સોમનાથ અને સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જયોત પ્રગાટવી રહયા છે. એટલું જ નહીં આજ સરકારી પ્રા. શાળામાં ભણી ૧૮ યુવાઓ ડોકટર બની દર્દિનારાયણની સેવા કરી રહયા છે. આ અમારી શાળાની, શાળાના શિક્ષકો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓના પુરૂષાર્થનું પરીણામ છે. અને આજતો અમારી સરકારી શાળાનું ગૌરવ પણ છે, તેમ શાળા પ્રવેશોત્સવ પ્રસંગે શાંતીપરાના સરપંચે જણાવ્યું હતું.
૨૮૦૦ની વસ્તી ધરાવતા શાંતિપરામાં ૧૩૮ શિક્ષકો, ૧૮ ડોક્ટરો સહિત કુલ ૨૦૫ જેટલા લોકો સરકારી નોકરીમાં ફરજ બજાવે છે. તેમ જણાવી સરપંચ કાનાભાઇ જાેટવાએ વધુમાં કહયુ કે, શાળા પ્રવેશોત્સવ તો આપણી ઋષી પરંપરા છે તેને આપણે વિશેષ રીતે ઉજાગર કરવા સાથે બાળકોને પ્રોત્સાહિત કરવા તે આપણી સૌની ફરજ છે. સમગ્ર રાજ્યની સાથે શાંતિપરામાં તા.૨૩/૬/૧૯૫૪ થી કાર્યરત પ્રાથમિક શાળામાં ડેપ્યુટી ડાયરેક્ટર શિક્ષણ ડો. અમિત ધનેશ્વર અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં ૧૨ કન્યા અને ૨૦ કુમાર એમ કુલ ૩૨ ભૂલકાઓને શૈક્ષણિક કીટ આપી શિક્ષણ સંસ્કાર નો પ્રારંભ કરાવ્યો હતો. રળિયામણા નારિયેળીના બગીચાઓથી સમૃદ્ધ માળીયા હાટીના તાલુકાના શાંતિપરાના ૮૦ ટકા લોકો વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. વાડી વિસ્તારમાં વસવાટ કરતા હોવા છતાં અહીંના લોકોમાં શિક્ષણનું સ્તર સીમ શાળા, શિક્ષકો અને જાગૃત ગ્રામજનોના સહિયારા પ્રયાસથી ઊંચું છે.
શાંતિપરામાં ૩ સીમ શાળા અને ૧ પ્રાથમિક શાળા કાર્યરત છે. જેમાં કુલ ૨૧૫ બાળકો ધોરણ ૧ થી ૮નું શિક્ષણ મેળવી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવમાં શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવા સાથે બાળકોએ આઝાદીકા અમૃત મહોત્સવ અંગે વક્તવ્ય રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થી રામ તીર્થ અને કેત્વા રામે કર્યું હતું. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એડવોકેટ જયદીપ જાેટવાએ શાળાના શિક્ષણ કાર્ય અંગે તેમના પ્રતિભાવો આપ્યા હતા. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.વારા, શાળાના બાળકો, વાલીગણ, શાળાના શિક્ષકો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. માળિયા હાટીના તાલુકાના જાંનુડા અને ખોરાસા ગામની શાળામાં પણ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.જેમાં મહાનુભાવો, ગ્રામજનોની ઉપસ્થિતિમાં ૭૫ ઉપરાંત બાળકોને શાળામાં આવકારવામાં આવ્યા હતા.

error: Content is protected !!