જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરો ભરવાની મુદત તા. ૩૦-૬-રરનાં રોજ પુરી થતી હોય પરંતુ ઘરવેરા શાખા દ્વારા મિલ્કત ઘારકોને હજુ પણ આકારણી નોટીસ આપવામાં આવી ન હોય અને કેટલાક મિલ્કત ઘારકોને જુનની આખરમાં જ નોટીસો મળી હોય આ અંગે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક દ્વારા અહેવાલ પ્રસિધ્ધ કરાતાં જેની નોંધ લઈ મનપા દ્વારા મિલ્કત વેરા ભરવાની મુદત તા. ૩૧-૭-રર સુધી વધારી દેવામાં આવી છે. જૂનાગઢ મનપાની સ્થાયી સમિતની બેઠક મળી હતી આ બેઠકમાં અનેક વિકાસ કામોને મંજૂરી અપાઇ છે. ખાસ કરીને કમિશ્નર દ્વારા અગાઉ કરાયેલ અને ૨ વખત નામંજૂર કરાયેલ શહેરમાં ૫૭.૧૪ લાખના ખર્ચે એલઇડી સ્ક્રિન મૂકવાની યોજનાને મંજૂરી અપાઇ છે. જ્યારે બાકી હાઉસ ટેક્ષમાં વ્યાજ માફીની યોજના ૩૦ જૂને પૂરી થતી હોય તેની મુદ્દતમાં ૧ મહિનાનો વધારો કરાયો છે. જ્યારે ચાલુ વર્ષનો વેરો ભરવા પર ૧૦ ઓફલાઇનમાં અને ઓનલાઇનમાં ૨ ટકા વધુ એટલેકે ૧૨ ટકાની રાહત પણ આપવામાં આવશે. જ્યારે વોર્ડ વાઇઝ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર તેમજ ટોરેન્ટ ગેસ માટે ખોદાયેલા રોડની અને ચોમાસામાં રોડને નુકસાન થાય તો તેના રિપેરીંગ માટે ૧.૧૮ કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. જ્યારે કૃષિ યુનિવર્સિટી સાથે એમઓયુ કરી મનપા દ્વારા ઓક્સિજન ગાર્ડન બનાવાશે. ૨૪ કલાક સ્વચ્છ વાતાવરણ મળી રહે અને બગીચા સુશોભિત રહે તે માટે કરાયેલા એમઓયુમાં કૃષિમાં અભ્યાસ કરતા બાગાયત તાલીમાર્થીઓને માસિક ૧૩,૦૦૦ના ઇન્સેટિવ અપાશે. સાથે બાંધકામ શાખાની વિવિધ ગ્રાન્ટ અને વાર્ષિક ભાવોના ટેન્ડર પ્રક્રિયાને મંજૂર કરી આશરે ૭.૫૦ કરોડના વિકાસ કામોને પણ મંજૂરી અપાઇ છે. રેઇન વોટર હાવેર્સ્ટિંગ યોજના અંતર્ગત પાણી રિચાર્જ માટે ગ્રામ વિકાસ ટ્રસ્ટ, વડોદરાને રોકી કાર્બન ક્રેડિટ થકી મળતી આવક મુજબ વોટર ક્રેડિટની કામગીરી પણ કરવામાં આવશે. જ્યારે સફાઇ કામદાર નાથભાઇ દિવેચાનું આકસ્મિક મૃત્યું થતા તેના વારસ નરેશભાઇ દિવેચાને ૫ વર્ષ માટે ફિક્સ વેતનથી નિમણુંક આપવાની દરખાસ્તને મંજૂર કરાઇ છે. જ્યારે મનપા સંચાલિત કુલ ૧૪ ખાનગી તમામ ટોઇલેટ બ્લોકમાં યોગ્ય રીતે સફાઇ અને ઉપયોગ થાય તે માટેનું સંચાલન ખાનગી એજન્સીને સોંપાશે. જ્યારે સેનિટેશન શાખા માટે ૧૦૦ લિટરના ૩૦૦ ડસ્ટબિન ખરીદવાની દરખાસ્તને પણ મંજૂર કરાઇ છે. જ્યારે કુલ ૯૨ હોર્ડિંગ્સ બોર્ડની સાઇટો કોન્ટ્રાક્ટ બેઇઝથી ભાડે અપાશે. ગાંધીનગર ઇવનગર રોડ ઉપર પમ્પિંગ સ્ટેશન સુધી ગટર બનાવવામાં એક તરફ કૃષિ કેમ્પસ હોય રોડ ઉપર ગટરની લાઇન નાંખવા ૪૭,૧૫,૦૦૦ની રકમને મંજૂર કરવામાં આવી
છે.