અષાઢી બીજનો ઉત્સવ : જૂનાગઢમાં ‘જય જગન્નાથ’ના નાદ સાથે જગન્નાથજી નગરચર્યાએ પ્રસ્થાન

0

જૂનાગઢમાં અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે શહેરમાં જગન્નાથપુરીની આબેહૂબ પ્રતિકૃતિ સમાન મૂર્તિ સ્વરૂપે ગંધ્રપવાડામાં આવેલ જગન્નાથજી મંદિર ખાતે બિરાજમાન છે તેવા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલભદ્રના રથને દોરડા વડે ખેંચી શહેરમાં નગરર્યાએ લઈ જઈ પુણ્યનું ભાથુ બાંધવામાં આવે છે ત્યારે આજે અષાઢી બીજના શુભ દિવસે જગન્નાથજી મંદિરે સવારથી વિવિધ ધર્મમય કાર્યક્રમ દ્વારા ભાવભર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સવારે જગન્નાથજી મંદિર ખાતે શાસ્ત્રોક્તવિધિ પૂજન અર્ચન સાથે ભગવાનનું શાહી સ્નાન, ત્યારબાદ વસ્ત્રો પરિધાન, ધ્વજારોહણ તથા હાંડી ભોગ મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે મહા આરતી પણ યોજવામાં આવી હતી. આ ઉપરાંત બપોરે જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ મહંત મોટા પીરબાવા તનસુખગીરી બાપુ ઉપરાંત સંતો-મહંતો તથા મેયર ગીતાબેન પરમાર, કોર્પોરેટરો, રાજકીય, સામાજિક આગેવાનો દ્વારા ચાંદીની સાવરણીથી પહિંદવિધિ કરી રથયાત્રાને દોરડા વડે લઈ જઈ ૧૮મી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. રથયાત્રામાં સૌપ્રથમ આગળ ભગવાન જગન્નાથ ત્યારબાદ બહેન સુભદ્રા રથ ઉપર બિરાજમાન અને ત્યારબાદ ભાઈ બલભદ્રના રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો જેમાં ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રાના રથને દોરડા વડે પ્રસ્થાન કરાવાયું હતું. જેમાં મહિલા મંડળો, વિવિધ રાજકીય, સામાજિક બહેનો તથા બ્રહ્મ સમાજની બહેનો અને સ્થાનિક રહેવાસી બહેનો સહિતની બહેનો દ્વારા માતાજી સુભદ્રાના રથને દોરડા વડે ખેંચી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારે ભાઈ બલભદ્રના રથને ઘોડા ઉપર સવાર કરવામાં આવ્યા હતાં. આ તકે મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાનના રથને દોરડું ખેંચી નગર યાત્રાએ લઈ જઈ પુણ્યનું ભાથુ બાંધવાનો લાભ લીધો હતો. બેન્ડ બાજા શરણાઈના સાદ ઉપરાંત રથયાત્રામાં વિવિધ યુવક મંડળો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા તૈયાર કરાયેલા ફલોટ ઉપરાંત રાસ મંડળી ઉપરાંત સામાજિક સંસ્થાઓના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ અને મોટી સંખ્યામાં મહિલા મંડળની બહેનો જાેડાયા હતાં. આ તકે વાતાવરણમાં જય જગન્નાથ ‘જય રણછોડ માખણ ચોર’નો નાદ ગુંજી ઉઠ્‌યો હતો. રથયાત્રાના માર્ગ ઉપર ભાવિકોને પ્રસાદરૂપે માંડવીના દાણા, મીઠા દાણા અને રેવડી સહિતની વસ્તુઓ રૂપે તૈયાર કરાયેલા પેકેટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રાના દર્શન માટે વિવિધ રૂટ ઉપર ભાવિકોએ રસ્તા ઉપર જ કતારો લગાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો સાથે જ રથયાત્રાના માર્ગ ઉપર વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા શરબત, ચા-પાણી સહિતનું પણ પ્રસાદરૂપે આપી સેવાકીય કામગીરી કરી હતી.
રાત્રે હાટકેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં મહાપ્રસાદનું આયોજન
૧૮ મી રથયાત્રા શહેરના માર્ગો ઉપર ફરી મંદિર ખાતે પરત આવી સંપન્ન થયા બાદ જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા નગરજનો ભાવિકો માટે હાટકેશ્વર મહાદેવ મંદિર પટાંગણ ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ તકે રથયાત્રા મહોત્સવ સમિતિના વિરેનભાઈ શાહે જણાવ્યું હતું કે દેશમાં યોજાતી રથયાત્રાઓ પૈકી એકમાત્ર જૂનાગઢ જગન્નાથજી મંદિર ખાતે રથયાત્રા સંપન્ન થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. રાત્રે આઠ વાગે હાટકેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં યોજાનાર મહાપ્રસાદનો લાભ લેવા ધર્મપ્રેમી ભાવિકોને જગન્નાથજી રથયાત્રા સમિતિએ અનુરોધ કર્યો છે.

error: Content is protected !!