ગીરગઢડા તાલુકામાં અને ગીર જંગલ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે અનરાધાર વરસાદ શરૂ થતાં નદી નાળા છલકાઈ ગયા હતા. ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા ધોકડવા, ખિલાવડ, ફાટસર, ઇટવાયા, કોદીયા, બેડીયા, સોનારીયા, જસાધાર, તુલસીશ્યામ, ગીર જંગલ પંથકમાં ધોધમાર ૨ થી ૩ ઈંચ જેટલો વરસાદ પડતાં ખેડૂતનાં ખેતરમાં પાણી ભરાયાં હતાં. ધોકડવા ગામે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો ઢોલા, શેરી, ખોડિયાર નગર, ભક્તિ નગર, માળવી શેરી, બજારમાં પાણી ભરાઈ ગયા હતા અને અવિરત વરસાદના કારણે બે કાચા મકાનની દિવાલ ધરાશાયી થઇ હતી. ગીર જંગલ પંથકમાં ૩ થી ૪ ઇંચ જેટલો અતિ ભારે વરસાદથી રાવલ, શાહી અને મચ્છુન્દ્રી નદીમાં પુર આવ્યા હતા. સિઝનનું પ્રથમ પુર આવતા લોકો પાણી જાેવા ઉમટ્યા હતા અને અવિરત વરસાદથી ગીરગઢડા, ઉના, દીવના લોકો માટે જીવાદોરી સમાન રાવલ ડેમમાં નવા નીરની આવક થઇ હતી.