દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા મુશળધાર : દ્વારકામાં પાંચ ઈંચ

0

રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલથી ધીમીધારે શરૂ થયેલા વરસાદએ આજે વેગ પકડ્યો હતો. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન દ્વારકા તાલુકામાં પાંચ તથા ખંભાળિયા તાલુકામાં પણ ત્રણ ઈંચથી વધુ વરસાદ ચુક્યો છે. દ્વારકા જિલ્લામાં મેઘરાજા બરાબરના મહેરબાન થયા છે. છેલ્લા બે-ત્રણ દિવસ દરમ્યાન કલ્યાણપુર તાલુકા સાથે દ્વારકાના પંથકમાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ગઈકાલે સવારે ૧૦ વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધીના સમયગાળામાં ૯૩ મી.મી. બાદ આજે સવારે છ થી આઠ વાગ્યા દરમ્યાન ૧૫ મીલીમીટર સાથે કુલ સમાચાર સાડા ચાર ઈંચ પછી પણ વરસાદ ચાલુ રહેતા પાંચ ઈંચ જેટલું પાણી વરસી ગયું છે. દ્વારકા તાલુકાના વરવાળા, ગોરિંજા, ખેરાડા સહિતના ગામોમાં છ થી સાત ઈંચ જેટલો ભારે વરસાદ વરસી ગયો હતો. ખંભાળિયા તાલુકામાં પણ ગઈકાલે ૪૮ મિલીમીટર બાદ સવારે ૮ વાગ્યા સુધીમાં વધુ ૧૫ મીલીમીટર સહિત કુલ ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ખંભાળિયા-પોરબંદર રોડ ઉપરના ગામોમાં ત્રણથી ચાર ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. છેલ્લા બે દિવસના વરસાદથી ખંભાળિયા શહેરને પાણી પુરૂ પાડતા ઘી ડેમની સપાટીમાં પોણો ફૂટનો વધારો થતા આ સપાટી પોણા ૧૩ ફૂટ સુધી પહોંચી છે. કલ્યાણપુર તાલુકામાં પણ ગઈકાલે ધીમી ધારે તેમજ આજે સવારે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. કલ્યાણપુર તાલુકામાં ગઈકાલના ૨૪ મિલીમીટર બાદ આજે સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા દરમ્યાન વધુ ૫ર મી.મી. સાથે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાવલ તથા ભાટિયા પંથકમાં વરસાદ હોવાથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં ગઈકાલના માત્ર અડધો ઈંચ વરસાદ બે કલાકમાં ૨૪ મીલીમીટર વરસાદ વરસી જતા છેલ્લા ૨૪ કલાક દરમ્યાન દોઢ ઈંચ જેટલો વરસાદ હોવાનું નોંધાયું છે. આમ, જિલ્લાના મોટાભાગના ગામોમાં સચરાચર વરસાદ વરસ્યો છે અને તમામ વિસ્તારોમાં પાક-પાણીનું ચિત્ર ઉજળું જાેવા મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેના અનુસંધાને સરકારી તંત્ર પણ એલર્ટ બની જરૂરી કામગીરી કરી રહ્યું છે.

error: Content is protected !!