ખંભાળિયા નજીક સરકારી ખારાબામાંથી ગેરકાયદેસર રીતે મોરમ કાઢતા શખ્સોને અટકાવતા જીવલેણ હુમલો

0

ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં કેટલાક શખ્સો સરકારી ખરાબાવાળી જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી ઉપાડતા હોવાથી તેઓને અટકાવતા સતવારા જ્ઞાતિના સ્થાનિકો ઉપર હથિયાર વડે જીવલેણ હુમલો થયાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાઈ છે. સમાપક્ષે ૧૦ યુવાનો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં આવેલા સેવા સદનની પાછળના ભાગના સરકારી ખરાબામાંથી કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે માટી ઉપાડતા હતા. આથી ધરમપુર ગામના રહીશ દલવાડી નવીનભાઈ કરસનભાઈ ચોપડા નામના ૩૬ વર્ષના યુવાન દ્વારા આ બાબતે સ્થાનિક સરપંચને જાણ કરવામાં આવતા નવીનભાઈ તથા અન્ય સાથીઓ દ્વારા આ સ્થળે જઈ અને સમજાવટપૂર્વક આ કૃત્ય અટકાવવા માટે સમજાવવા જણાવાયું હતું. નવીનભાઈ ચોપડા સાથે અન્ય સ્થાનિકો સેવા સદનની પાછળના સરકારી ખરાબમાં જઈને જાેતા જેસીબી અને ટ્રેક્ટર ત્યાં પડેલા હતા અને આ સ્થળે હાજર રહેલા હાજી ખફી તથા યાસીન ખફી નામના બે શખ્સો ઉપરાંત તેની સાથે રહેલા અન્ય એક ડઝન જેટલા અજાણ્યા શખ્સોએ “અમે અહીંયા માટી ઉપાડવા જ આવ્યા છીએ. તમારાથી થાય તે કરી લ્યો”- તેમ કહેતા ફરિયાદી પક્ષના સાહેદો દ્વારા માટી ઉપાડવાની ના પાડતા આરોપીઓએ આ બાબતથી ઉશ્કેરાઈ જઈ અને ગેરકાયદેસર રીતે મંડળી રચીને ધોકા, પાઇપ, લાકડી, લોખંડના સળિયા વિગેરે જેવા હથિયારો સાથે તૂટી પડ્યા હતા. આરોપી શખ્સો દ્વારા સમજાવવા માટે આવેલા સતવારા સમાજના લોકોને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરિયાદી નવીનભાઈ ચોપડાને ઈજાઓ પહોંચાડી હતી. ઉપરાંત તેમની સાથે રહેલા સાહેદ દિનેશભાઈ પરસોતમભાઈ ચોપડાને માથાના ભાગ ઈજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત અન્ય સાહેદ કરસનભાઈને પણ ડાબા હાથે ફ્રેક્ચર તેમજ રસિકભાઈને માથાના ભાગે, સાહેદ લઘુભાઈને હાથના ભાગે ફેક્ચર, તથા કિશોરભાઈને પગના ભાગે ફ્રેકચર, અન્ય સાહેદ આશિષભાઈ અને શૈલેષભાઈને પણ ઈજાઓ થયાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ બનતા ઈજાગ્રસ્તોને તાકીદે ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ બાદ ગંભીર રીતે ઘવાયેલાઓને વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે. ઉપરોક્ત બનાવવા અંગે ખંભાળિયા પોલીસે એક ડઝન જેટલા અજાણ્યા શખ્સો ઉપરાંત હાજી ખફી અને યાસીન ખફી સામે આઇ.પી.સી. કલમ ૩૦૭ ઉપરાંત રાયોટીંગની કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, તથા કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી.એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. સતવારા જ્ઞાતિના યુવાનો ઉપર આ પ્રકારે જીવલેણ હુમલો કરવામાં આવતા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રસિકભાઈ નકુમ, જિલ્લા પંચાયતના સદસ્ય સંજયભાઈ નકુમ, નગરપાલિકાના જીગ્નેશભાઈ પરમાર સહિતના સતવારા જ્ઞાતિના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી. આ પ્રકરણમાં સામા પક્ષે યાસીન હાજીભાઈ ખફી (ઉ.વ. ૩૦, રહે. કંચનપુર) દ્વારા અત્રે ધરમપુર વિસ્તારમાં રહેતા દિનેશભાઈ પરસોત્તમભાઈ ચોપડા, નવીનભાઈ ચોપડા, ઈશ્વરભાઈ દલવાડી, જયસુખભાઈ દલવાડી, કરસનભાઈ કારાભાઈ ચોપડા, રસિકભાઈ પરસોતમભાઈ, આશિષ પરસોતમભાઈ દલવાડી, લખુભાઈ, પરસોતમભાઈ અને કિશોરભાઈ નામના ૧૦ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ફરિયાદી યાસીનભાઈ હાજીભાઈ તથા અન્ય સાહેદો સરકારી ખરાબામાંથી મોરમ ઉપાડતા હોય, બાજુમાં આરોપીઓની જમીન આવેલી હોવાથી આ મોરમ ઉપાડવા બાબતે ફરિયાદી તથા સાહેદોને આરોપીઓ દ્વારા ગેરકાયદેસર રીતે મંડળી રચી, લોખંડના પાઇપ, લાકડી જેવા હથિયારો ધારણ કરીને આવેલા આરોપીઓ દ્વારા ફરિયાદી તથા સાહેદ હાજીભાઈને બિભત્સ ગાળો કાઢી, માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. બઘડાટીનો આ બનાવ બનતા અહીંના પીઆઈ તથા સ્ટાફ દ્વારા દોડી જઈ, જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર બનાવે ધરમપુર વિસ્તારમાં ભારે ચર્ચા તથા દોડધામ પ્રસરાવી છે.

error: Content is protected !!