ખંભાળિયા શહેરમાં પ્રવેશ માર્ગ ઉપર ડાયવર્ઝનમાં ભરાતા પાણીથી વ્યાપક હાલાકી : પ્રભારી મંત્રીને ફરિયાદ કરાઈ

0

ખંભાળિયા શહેરમાં જામનગર તરફથી આવતા પ્રવેશ માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ ઓવરબ્રિજની બંને બાજુ મજબૂત રસ્તા બનાવવાના બદલે એક તરફ કાચો અને તદ્દન ખખડધજ રસ્તો હોવાથી હાલ ચોમાસામાં પાણી ભરાતા આ સ્થળે અવારનવાર વાહનો ખૂંપી જવા તેમજ નાની કારના આખા વ્હીલ ડૂબી જાય તેટલા ખાડા હોવાથી દરરોજ નાના-મોટા અકસ્માત જેવા બનાવો બની રહ્યા છે. આ સ્થળે એક બાજુ ચાલતા વાહનોમાં મોટરસાયકલ ફસડાઈ પડવા તેમજ દરરોજ ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાય છે. ખંભાળિયા પંથકમાં વરસાદની સમીક્ષા કરવા માટે ગઈકાલે બુધવારે અહીં આવેલા પ્રભારી મંત્રી બ્રિજેશ મેરજાને આ ગંભીર મુદ્દે રજૂઆત કરવામાં આવતા તેમના દ્વારા જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડાને આ અંગે તુરંત જ કાર્યવાહી કરવા જણાવાયું હતું. ખંભાળિયા નજીકના ઓવરબ્રિજ પાસેના રસ્તાની હાલત અત્યંત ખરાબ હોવાથી શહેરમાં પ્રવેશ કરતા જ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય, આ અંગે અહીંના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય, ભાજપના મહામંત્રી વિગેરે દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.

error: Content is protected !!