જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતભરમાં આજે વરસાદી માહોલમાં ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભવનાથ ક્ષેત્રનાં ગોરક્ષનાથજી આશ્રમ, ભારતી આશ્રમ સહિતની જગ્યાઓએ ગુરૂપૂજન, સંતવાણી સહિતનાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભાવિકભકતો, અનુયાયીઓ અને શિષ્યવર્ગમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહયો હતો.
શ્રી ગોરક્ષનાથ આશ્રમ
જૂનાગઢમાં ભવનાથ તળેટી સ્થિત શ્રી ગોરક્ષનાથજી આશ્રમ ખાતે પૂ. શેરનાથબાપુનાં સાંનિધ્યમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં હતી. જેમાં સવારે ૯.૧પ કલાકે પ.પૂ. ગુરૂ મહારાજ શ્રી ત્રિલોકનાથ બાપુની સમાધિનું શાસ્ત્રોકતવિધિ સાથે
પૂ. શેરનાથબાપુ પૂજન કરેલ હતું. અને ત્યારબાદ બપોરે ભોજન પ્રસાદ અને સાંજનાં સંતવાણીનાં કાર્યક્રમમાં માયાભાઈ આહિર, પરસોતમપરી, નિલેશ ગઢવી સહિતનાં કલાકારો જમાવટ કરશે.
શ્રી ભારતી આશ્રમ
જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી ભારતી આશ્રમ ખાતે આજે મહામંડલેશ્વર
પૂ. હરીહરાનંદ ભારતીબાપુનાં સાંનિધ્યમાં ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી થનાર હતી. જેમાં સવારે ૮ કલાકે સદગુરૂ મહામંડલેશ્વર પૂ. વિશ્વંભરભારતીજી બાપુની સમાધિનું પૂજન અને બાદમાં સવારે ૯ કલાકે ગુરૂપૂજન અને બપોરનાં ૧ર કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. તેમજ રાત્રે ૯ કલાકે સંતવાણી કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી સહિતનાં કલાકારો સંતવાણીનાં સૂર રેલાવશે. આ તકે મહામંડલેશ્વર પૂ. કલ્યાણભારતી બાપુ, થાનાપતિ પૂર્ણાનંદભારતી બાપુ, મહાદેવભારતી બાપુ સહિતનાં સંતો અને ભારતી આશ્રમ પરીવાર સેવક મનોજભાઈ જાેબનપુત્રા સહિતનાં ઉપસ્થિત રહયા હતાં.
ઉપલા દાતારની જગ્યા
કોમી એકતાનાં પ્રતિક સમાન ઉપલા દાતારની જગ્યા ખાતે ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. પૂ. પટેલબાપુ, વિઠ્ઠલબાપુની સમાધીનું પૂજન સહિતનાં કાર્યક્રમો આયોજીત થયા હતાં.
ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્ર
સદગુરૂ ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્ર અને ભગવતગુરૂ આશ્રમ દ્વારા આજે ભવનાથ ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્ર ખાતે મહામંડલેશ્વર જગજીવનદાસ બાપુનાં સાંનિધ્યમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી થઈ હતી. જેમાં રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં નામી-અનામી કલાકારો પોતાની કલા પીરસી હતી. તેમજ સદગુરૂ ત્રિકમદાસબાપુની ચરણપાદુકાનું સવારે પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે ૮ થી ૧૧ ગુરૂપૂજન, બપોરે ૧ર કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયેલ હતું.
સતાધાર ધામ
સતાધર રામેશ્વર આશ્રમ ખાતે મહંતશ્રી ગોવિંદબાપુનાં સાંનિધ્યમાં આજે ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પૂ. ગોવિંદબાપુ દ્વારા ચરણપાદુકાનું પૂજન કરવામાં આવ્યું હતું. બપોરે ૧ર કલાકે મહાપ્રસાદ અને સાંજે પ.૩૦ કલાકે સત્સંગ સભા અને રાત્રે ૯.૩૦ કલાકે સંતવાણીનાં કાર્યક્રમમાં કલાકારો સંતવાણીનાં સુર રેલાવશે.
મેંદરડા ખાખી મઢી
મેંદરડા ખાતે આવેલ ખાખીમઢી રામજી મંદિરે આજે મહંત સુખરામદાસજી બાપુ દ્વારા ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ૯ કલાકે ગુરૂશ્રી રામકિશોરદાસ બાપુની ચરણપાદુકાનું પૂ. સુખરામદાસ બાપુ દ્વારા પૂજન કરાવ્યું હતું બાદ પૂ. બાપુ પ્રવચન આપેલ હતું. અને બપોરે ૧ર.૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. કાલાવાડ તાલુકાનાં આણંદપર ગામે આવેલ શ્રી ગુરૂકૃપા આશ્રમધામ ખાતે આજે મહંત અખંડાનંદ ભારતીજી બાપુનાં સાંનિધ્યમાં ગુરૂપૂર્ણિમા ઉજવાઈ હતસ. જેમાં સવારે ૧૦ કલાકે ગુરૂપૂજન સાંજે ૭.૩૦ કલાકે મહાપ્રસાદ અને રાત્રે ૯ કલાકે ભજનનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આમ આજે વરસાદી માહોલમાં ભાવિકો ગુરૂજનોનાં આર્શિવાદ મેળવે છે.