સરકારની ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં રાજયભરમાં જૂનાગઢ જીલ્લો અગ્રેસર

0

જૂનાગઢ જિલ્લા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો સરેરાશ ઘટના સ્થળે પહોંચવાનો સમય ૧૭ મીનીટ ૨૪ સેકન્ડ જેટલો છે. જ્યારે રાજ્યમાં ૧૭ મીનીટ ૪૧ સેકન્ડ જેટલો છે. આમ, રાજ્યભરમાં જૂનાગઢ જિલ્લાની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા લોકોને કટોકટીની સ્થિતિમાં સેવા આપવામાં અગ્રેસર છે.
અકસ્માત કે આપત્તિના સમયે ઇજાગ્રસ્ત બીમાર વ્યક્તિને તાત્કાલીક સારવાર પુરી પાડતી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે.જૂનાગઢ જિલ્લામાં ૧૦૮ દ્વારા જુન માસમાં એવરેજ રીસ્પોન્સ ટાઇમ અન્ય જિલ્લાઓ કરતા ઓછો છે. આમ, અત્યંત કટોકટીની પળોમાં લોકોને સારવાર આપવામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા સરાહનીય કામગીરી કરી રહી છે. જૂનાગઢ જિલ્લા ૧૦૮ ઓફિસર વીશ્રુત જાેષીએ જણાવ્યું હતું કે, ઇમરજન્સી કેસ આવે એટલે એમ્બ્યુલન્સ સ્ટાફને સ્ટેન્ડબાય જ રાખવામાં આવે છે અને ૧૦ જ સેકન્ડમાં ગાડી નીકળી જાય છે. સાથે જ પેશન્ટનો ફોન આવ્યા બાદ કોલર સાથે ૨-૩ વાર વાત કરવામાં આવે છે. જેથી ઘટના સ્થળે પહોંચવામાં મોડુ ન થાય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલ જૂનાગઢ જિલ્લામાં ૧૬ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાં ૩૧ ડોક્ટર ઇએમટી, ૩૧ પાઇલોટ ફરજ બજાવે છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની સાથે ખીલખીલાટની સુવિધા શરૂ છે. જેનો જુન મહિનામાં ૭૨૦૦ સર્ગભાઓ એ લાભ લીધો હતો.
જૂનાગઢ જીલ્લાનો એવરેજ રીસ્પોન્સ ટાઈમ અન્ય જિલ્લા કરતા ઓછો છે
જૂનાગઢ જીલ્લાનો ઘટના સ્થળ પર પહોંચવાનો સરેરાશ સમય રાજયમાં અન્ય જિલ્લાઓ કરતા ઓછો છે. જૂનાગઢ શહેરમાં એવરેજ રીસ્પોન્સ ટાઈમ ૧૧ મીનીટ જેટલો છે.જયારે ગ્રામ્યમાં ૨૦ મીનીટ જેટલો છે. આમ ઓવરઓલ ટાઈમ ૧૭ મીનીટ ર૪ સેકન્ડ જેટલો છે.
અત્યાર સુધીમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો જિલ્લામાં ૪ લાખથી વધુ લોકોએ લાભ લીધો
વર્ષ ૨૦૦૭ થી શરૂ થયેલ ૧૦૮ એમ્બયુલન્સ સેવાનો જૂનાગઢ જિલ્લામાં ૪ લાખ થી વધુ લોકોએ લાભ લીધો છે. જેમાં મેડીકલ ઇમરજન્સી માટે ૪,૧૧,૯૪૭ લોકોએ, પોલીસ ઇમરજન્સી માટે ૫,૭૦૬ લોકોએ, અને ફાયર ઇમરજન્સી માટે ૧૪૮ લોકોએ લાભ લીધો છે. આ ઉપરાંત પ્રસૂતિ સંબંધિત ૧,૫૪,૫૪૯ કેસ, ઈજાને લગતા ૪૪,૬૧૯ કેસ,હદયની બીમારીને લગતા ૩૧,૩૧૬ કેસ,શ્વાસની બીમારીને લગતા ૧૮,૨૬૪ કેસની સારવાર આપવામાં આવી છે.
કલેક્ટરનું માર્ગદર્શન સતત મળતું રહે છે
વીશ્રુત જાેષી એ જણાવ્યું હતું કે, કટોકટીની પળોમાં દર્દીઓની આરોગ્યની કાળજી લેવા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા કટીબધ્ધ છે. ત્યારે લોકોને વધુ સારી અને તાત્કાલીક આરોગ્ય સેવા પુરી પાડવામાં કલેક્ટર રચિત રાજનું સતત માર્ગદર્શન મળતું રહે છે. તેમણે ઉમેર્યુ હતું કે, કલેકટર, ડીડીઓ, એસપી સાથે દર મહિને મીટીંગ યોજવામાં આવે છે. સ્ટાફને કલેક્ટર, ડીડીઓ, એસપીનું સતત મોટીવેશન મળતું રહે છે.

error: Content is protected !!