માણાવદરનાં નાકરા ગામમાં ૮ ઈંચ વરસાદથી હાહાકાર

0

માણાવદર તાલુકાનાં નાકરા ગામે ગત રાત્રીનાં ૧૧.૩૦ થી ૩.૩૦ વચ્ચે ૪ કલાકમાં ૮ ઈંચ વરસાદે હાહાકાર મચાવી દીધો હોવાની માહિતી ટેલીફોનીક વાતચીતમાં નાકરા ગામનાં સંજયભાઈ ધડુકે આપી હતી. રાત્રીનાં ૪ કલાકમાં રીતસર અનરાધાર અને ઝંઝાવાતી વરસાદે હાહાકાર મચાવી દીધો હતો. અને નદી, નાળા, વોકળા ભયજનક રીતે વહેતા થયા હતાં તેમજ ખેતરો જળબંબાકાર થયા છે. વરસાદનાં પાણી ભરાતા ત્રયંમ્બકેશ્વર મંદિર અને પુલને પણ ડુબાડી દીધો હતો.
જયારે માણાવદર પંથકમાં સતત વરસાદથી જળબંબાકાર છે તેમાં તાલુકાનાં સણોસરા ગામનો ડેમ ૩ થી ૪ ઈંચ વરસાદથી ભારે પ્રવાહ સાથે ઓવરફલો થતાં બધું પાણી માણાવદરનાં રસાલા ડેમમાં ઠલવાયું હતું જેનાં કારણે વચ્ચેનો પુલ બંધ કરવાની ફરજ પડી હતી. તેમજ ખારા ડેમનાં ૪ દરવાજા એક ફુટ ખોલવાની ફરજ પડી હતી. જે ખોલતાં કોડવાવ, એકલેરા સહિત નીચેનાં ગામોનો સંપર્ક તુટી ગયો હતો. સર્વત્ર જળબંબાકારથી ખેતી પાકને નુકશાની થવાનો ભય ખેડૂતોને સતાવી રહયો છે.

error: Content is protected !!