જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-૨ ડેમ મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ ૮૦ ટકા જેટલો ભરાઈ જતા ૩૦૦થી વધુ ગામોને પીવાનું પાણી ઉપરાંત ૪૯૧૮ હેક્ટરમાં પિયત માટે ખેડૂતોને પાણી પુરૂ પાડી શકાશે. ઓઝત-૨ ડેમના નિરીક્ષણ માટે પહોંચેલા નાયબ કાર્યપાલક ઇજનેર એચ.કે. ઉકાણીએ જણાવ્યું કે, હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમના સાત દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. ૨૫ રેડીયલ ગેઇટ ધરાવતા આ ડેમમાંથી પ્રતિ સેકન્ડ ૧૯ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સાથે તેમણે પાણીની આવક ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હોવાનું ઉમેર્યું હતું. શ્રી ઉકાણીએ જણાવ્યું કે, આ બહુહેતુક યોજના દ્વારા ૨૨ ગામના ખેડૂતોને નહેર દ્વારા પિયત માટે પાણી આપવામાં આવે છે. જિલ્લાના ૩૦૦ જેટલા ગામોને આ યોજનામાંથી પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. ઉપરાંત આ ડેમમાંથી માછીમારી માટે પણ ઈજારો આપવામાં આવે છે. આ સાથે શ્રી ઉકાણીએ ઓજત-૨ ડેમ પૂર્ણ ૧૦૦ ટકા ભરાઈ જવાનો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો. બે દિવસ પહેલા કલેકટર રચિત રાજે પણ ઓજત-૨ ડેમની મુલાકાત લઈ, પરિસ્થિતિઓનું નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, ઓઝત – ૨ ડેમની ૩૬.૨૦ મિલિયન ક્યુબીક મીટરની ક્ષમતા ધરાવે છે. આ ડેમનો ૩૮૦ મીટર લાંબો બંધ અને ૬ કિ.મી.નો માટી પાળો છે.
ભૂગર્ભ જળસ્તર ઉંચા આવશે, ખેડૂતો ત્રણ પાક લઈ શકશે
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાના પ્રથમ રાઉન્ડમાં જ સારા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. રાજ્ય સરકારની ઓજત-૨ બહુહેતુક યોજનાથી પ્રત્યેક્ષ- પરોક્ષ લાભ મેળવતા બાદલપુર ગામના આગેવાન હરસુખભાઈ ડોબરીયા કહે છે કે, સારા વરસાદના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે, આ વરસાદથી ઓજત-૨ સહિતના ડેમોમાં પાણીની સારી આવક થઈ છે. જેના લીધે ભૂગર્ભ જળના સ્તર ઉંચા આવશે, નહેર મારફતે ખેડૂતોને પિયત માટે પાણી પણ મળી શકશે. ઉપરાંત ખેડૂતો ત્રણ જેટલા પાક પણ લઈ શકશે. ઓઝત-૨ ડેમ નજીક આવેલા સાખડાવદર ગામના સરપંચ નિકુંજભાઈ ભીમાણીએ પણ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ હોવાનું જણાવ્યું હતું.