જૂનાગઢમાં મેઘરાજા આજે રજા ઉપર : વરાપ

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં અષાઢી બીજનાં શુકનવંતા પર્વની સાથે જ સતત મેઘસવારી ચાલુ રહી હતી. ધીમી ધારે પડી રહેલા વરસાદને પગલે જૂનાગઢ જીલ્લાનાં જળાશયોમાં નવા નીર ભરપુર બની ગયા છે. જૂનાગઢ શહેરમાં આવેલ નરસિંહ મહેતા સરોવર સતત બીજીવાર છલકાઈ ગયેલ છે. આજે સવારે પુરા થતાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન કેશોદ-૯૦, જૂનાગઢ સીટી અને ગ્રામ્ય ૩પ-૩પ, ભેસાણ-૧૪, મેંદરડા-૪૧, માંગરોળ-૮૮, માણાવદર-૩૮, માળીયા હાટીના-૬૧, વંથલી-૯૮, વિસાવદર-૯૧ મી.મી. વરસાદ નોંધાયો છે. સરેરાશ એક ઈંચથી ચાર ઈંચ જેવો વરસાદ છેલ્લા ર૪ કલાકમાં વિવિધ તાલુકામાં નોંધાયો છે.
જૂનાગઢ શહેર ઉપર મેઘરાજા ભારે મહેરબાન થયા છે. અષાઢી બીજના દિવસથી શરૂ થઇ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. છેલ્લા ૧૩ દિવસથી સતત હેત વરસાવવાના કારણે જૂનાગઢ પાણી પાણી થઇ ગયું છે. હાલ માત્ર ૫૮ ટકા વરસાદમાં જ ડેમોમાં પાણીની વિપુલ માત્રામાં આવક થતા જૂનાગઢ શહેરનું ૧ વર્ષનું જળસંકટ દૂર થયું છે. જૂનાગઢ શહેરને પીવાનું પાણી પુરૂં પાડતા ૩ ડેમોમાં ૧ વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્થો આવી ગયો છે. જાેકે, હજુ તો માત્ર ૫૮ ટકા જ વરસાદ થયો છે. વરસાદની અડધી સિઝન તો હજુ બાકી છે. ત્યારે વધુ વરસાદ થતા પાણીની આવક વધશે. ત્યારે આગામી સમયમાં શહેરમાં એકાંતરાના બદલે કાયમી પાણી વિતરણ કરી શકાય તે માટેનું આયોજન- કામગીરી પણ કરવામાં આવી રહી છે. હાલ તો શહેરનો વિલીંગ્ડન ડેમ, આણંદપુર ડેમ ઓવરફ્લો થઇ ગયો છે અને હસ્નાપુર ડેમ પણ ઓવરફ્લો થવામાં માત્ર ૬ ફૂટ બાકી રહ્યો છે.
દરમ્યાન વિલીંગ્ડન ડેમ હાલ ૩૪ ફૂટે ઓવરફ્લો થઇ રહ્યો છે. આ ડેમમાંથી દરરોજ ૨ એમએલડી પાણી લેવાય છે. આણંદપુર ડેમ પણ હાલ ઓવરફ્લો થઇ રહ્યો છે.તેની ઉંચાઇ ૧૨ ફૂટથી વધારે છે, પરંતુ પહોળાઇ વધુ હોય પાણીનો મોટો જથ્થો સંગ્રહ થઇ શકે છે. આ ડેમમાંથી દરરોજ ૧૫ એમએલડી પાણી લેવાય છે. હસ્નાપુર ડેમની ઓવરફ્લોની સપાટી ૩૩ ફૂટની છે જેમાં હવે અંદાજે ૬ફૂટ બાકી છે. ત્યાર બાદ આ ડેમ પણ ઓવરફ્લો થઇ જશે. આ ડેમમાંથી દરરોજ ૧૦ એમએલડી પાણી લેવાય છે.
કૂવા અને બોરમાંથી ૨ એમએલડી પાણી મેળવાય છે. જૂનાગઢની પાણીની જરૂરિયાત ૬૦એમએલડીની છે. એકાંતરા પાણી વિતરણ કરતા દરરોજ ૩૦એમએલડીની જરૂરિયાત રહે છે. ત્યારે વિલીંગ્ડન, આણંદપુર અને હસ્નાપુર ડેમમાંથી થઇને કુલ ૨૭ એમએલડી પાણી દરરોજ ઉપાડાય છે. બાકી ૩ એમએલડી પાણી શહેરના કૂવા, બોરમાંથી મેળવાય છે.

error: Content is protected !!