રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ભારતીય એથ્લીટ્‌સના સર્વાંગી વિકાસ તથા ભારતની ઓલિમ્પિક ચળવળની પ્રગતિ માટે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે સાધ્યો સહયોગ

0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(આરઆઇએલ) અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા(એએફઆઇ)એ ભારતમાં એથ્લેટિક્સના સર્વાંગી વિકાસમાં પૂરક બનવા માટે લાંબા ગાળાનો સહયોગ સાધ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશન વર્ષોથી એએફઆઇનું સમર્પિત સહયોગી રહ્યું છે અને હવે આ બંને સંસ્થાઓ સાથે મળીને સઘનપણે કાર્ય કરશે.
સહયોગ દ્વારા થનારાં મુખ્ય કાર્યો ઃ ભારતભરમાંથી એથ્લીટ્‌સને શોધીને એમને તાલીમ તથા વિકાસ માટેની તક આપવામાં આવશે. સાથે સાથે એમને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ, પ્રશિક્ષણ અને સ્પોર્ટ્‌સ સાયન્સ અને મેડિસિનની સહાય આપવામાં આવશે. તેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના પરિતંત્રનો ઉપયોગ કરવામાં આવશે. આ પરિતંત્રમાં ઓરિસા રિલાયન્સ ફાઉન્ડેશન એથ્લેટિક્સ હાઇ-પરફોર્મન્સ સેન્ટર તથા સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલનો સમાવેશ થાય છે. સંસ્થાના વ્યાપક ધ્યેય અનુસાર આ સહયોગ મારફતે કન્યા એથ્લીટ્‌સ ઉપર વિશેષ લક્ષ આપવામાં આવશે. વધુને વધુ પ્રમાણમાં કન્યાઓ એથ્લેટિક્સમાં ભાગ લે અને પોતાનાં સ્વપ્નો સાકાર કરે એવો તેની પાછળનો ઉદ્દેશ્ય છે. એએફઆઇના મુખ્ય સહયોગી તરીકે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અને પ્રશિક્ષણ શિબિરોમાં રાષ્ટ્રીય ટીમની જર્સી ઉપર તથા પ્રશિક્ષણ માટેની કિટ ઉપર રિલાયન્સ બ્રાન્ડ દર્શાવવામાં આવશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અને આઇઓસીના સભ્ય નીતા અંબાણીએ કહ્યું છે, “એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે રિલાયન્સ ફાઉન્ડેશનનો સહયોગ વધાર્યાનો અમને આનંદ છે. એથ્લેટિક્સ વૈશ્વિક રમતગમતની અતિશય લોકપ્રિય શાખાઓમાંથી એક છે. આ સહયોગ સાધવા પાછળનો ઉદ્દેશ્ય ભારતીય એથ્લેટિક્સના વિકાસ માટેની તક તથા યુવા પ્રતિભાઓને વૈશ્વિક સ્તરની સુવિધાઓ પૂરી પાડવાનો છે. તેમાં કન્યાઓ ઉપર વિશેષ લક્ષ આપવામાં આવશે. યુવા એથ્લીટ્‌સને યોગ્ય માળખાકીય સુવિધાઓ, તાલીમ અને સહાય મળવાથી ઘણા યુવાનો વૈશ્વિક સ્તરે વિજયપતાકાં ફરકાવશે ! ભારતમાં ઓલિમ્પિક ચળવળની પ્રગતિ માટે પણ આ સહયોગ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.” એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ આદિલ સુમરિવાલાએ કહ્યું છે, “અમે નીતા અંબાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આભારી છીએ. એએફઆઇ એમની સાથે ગત કેટલાંક વર્ષોથી નિકટતાથી કાર્ય કરી રહ્યું છે. મુખ્ય સહયોગી તરીકે એમણે આપેલા યોગદાન બદલ અમે આભાર માનીએ છીએ. આપણા એથ્લીટ્‌સની ટુકડીઓ વધુ ને વધુ પ્રમાણમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે દર્શાવેલી પ્રતિબદ્ધતાને લીધે આપણે ટૂંક સમયમાં અનેક રમતોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લઈશું અને સફળતા પ્રાપ્ત કરીશું એવો વિશ્વાસ છે. આ સહયોગ દ્વારા દેશના પ્રતિભાશાળી ખેલાડીઓના સર્વાંગી વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવશે અને એમને ચંદ્રકોના સંભવિત વિજેતાઓ તરીકે તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ આગામી વર્ષોમાં દેશને ગૌરવ અપાવી શકે.”
નીતા અંબાણી ઃ “એથ્લેટિક્સ વૈશ્વિક રમતગમતની અતિશય લોકપ્રિય શાખાઓમાંથી એક છે. આ સહયોગ સાધવા પાછળનો ઉદ્દેશ્ય ભારતીય એથ્લેટિક્સના વિકાસ માટેની તક તથા યુવા પ્રતિભાઓને વૈશ્વિક સ્તરની સુવિધાઓ પૂરી પાડવાનો છે. તેમાં કન્યાઓ ઉપર વિશેષ લક્ષ આપવામાં આવશે.”
એથ્લેટિક્સ ક્ષેત્રે રિલાયન્સ ફાઉન્ડેશનનો સહયોગ ઃ રિલાયન્સ ફાઉન્ડેશને વર્ષ ૨૦૧૭થી રિલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોર્ટ્‌સ પ્રોગ્રામ મારફતે એથ્લેટિક્સના વિકાસ માટે યોગદાન આપી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશભરના ૫૦ કરતાં વધુ જિલ્લાઓની ૫,૫૦૦ શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચી શકાયું છે. રિલાયન્સ ફાઉન્ડેશન એએફઆઇ સહિતના અનેક સહયોગીઓ સાથે નિકટનો સહકાર સાધીને કામ કરી રહ્યું છે. ભારતમાંથી વધુ વિજેતાઓ તૈયાર થાય એ માટે ખેલાડીઓને પ્રોત્સાહન અને સાથ આપવામાં આવે છે. સાથે જ એમના માટેની માળખાકીય સુવિધાઓ ઊભી કરવી, એમનું કૌશલ્ય વધારવું, ડિજિટલ સશક્તિકરણ કરવું, એ બધાં કાર્યો કરવામાં આવે છે. શ્રીમતી નીતા એમ. અંબાણી ભારતની ઓલિમ્પિક ચળવળનું નેતૃત્વ કરી રહ્યાં છે. તેઓ ભારતની નવી પેઢીને ખેલકૂદ માટેની તક પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. વર્ષ ૨૦૧૬થી આઇઓસીના સભ્ય તરીકે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરના પોતાના અનુભવનો લાભ આપીને દેશના ખેલકૂદ ક્ષેત્રે પરિવર્તનો લાવ્યાં છે. તેઓ ઓલિમ્પિક ચળવળમાં સક્રિય છે. આઇઓસીનું ૧૪૦મું સત્ર મુંબઈમાં યોજવા માટે નિવેદન કરનારા ભારતના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પણ તેમણે જ કર્યું હતું.

error: Content is protected !!