હાલ માછીમારી સીઝન બંધ હોવાથી વેરાવળ બંદરના કાંઠા ઉપર મરામત માટે સેંકડો લાંગરેલ ફીશીંગ બોટોમાંથી કિંમતી મશીનરીના સેલ ચોરી કરતા ત્રણ તસ્કરોને બાતમીના આધારે પ્રભાસપાટણ પોલીસની સર્વેલન્સ સ્કોડના સ્ટાફએ સોમનાથ બાયપાસ ચોકડીએથી છકડો રીક્ષામાં જઈ રહેલ તે સમયે ઝડપી લીધા હતા. તેઓના કબ્જામાંથી અઠવાડીયા પહેલા બંદરમાં રહેલ જુદી જુદી બોટોમાંથી ચોરી કરેલા ૧૩ નંગ સેલ મળી આવતા જપ્ત કર્યા હતા. આ ચોરી અંગે પોલીસમાં ગુનો નોંધાયેલ હોવાથી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચોમાસું ચાલી રહ્યુ હોવાથી હાલ માછીમારીની સીઝન બંધ હોવાથી માછીમારો પોતાની ફીશીંગ બોટોનું રીપેરીંગ કરાવવા અર્થે વેરાવળ બંદરમાં કાંઠા ઉપર લાંગરેલ છે. ત્યારે બંદરમાં જમીન પર રહેલ મોટી સંખ્યામાં બોટોને તસ્કરો નિશાન બનાવી કિંમતી સામાનની ચોરી કરી રહ્યાની ફરીયાદો પોલીસ સુધી પહોંચી હતી. જેના આધારે પોલીસ સતર્ક બની કામગીરી કરી રહેલ દરમ્યાન પ્રભાસપાટણ પોલીસની સર્વેલન્સ સ્કોડનો સ્ટાફ સોમનાથ બાયપાસ ચોકડી પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે સમયે સ્કોડના કુલદીપસિંહ અને ઇમતીયાઝભાઈને મળેલ બાતમીના આધારે મીઠાપુરથી સોમનાથ તરફ જ્યેશ ઉર્ફે જેસલ પોલાભાઇ મકવાણા (ઉ.વ.૨૮), જયેશ ઉર્ફે ઝેરી કરશનભાઇ સોલંકી (ઉ.વ.૨૫) અને ભાવેશ ઉર્ફે ભુરો મનસુખભાઇ સોલંકી (ઉ.વ.૨૨) ત્રણેય રહે. ગુડલક સર્કલની સામે, પ્રભાસપાટણ વાળાઓ છકડો રીક્ષા લઈ પસાર થતા શંકાના આધારે રોકાવીને તપાસ કરતા ફીશીંગ બોટોમાં ઉપયોગ થતા નાના-મોટા કુલ ૧૩ નંગ સેલ રૂ.૧.૬૫ લાખની કિંમતના મળી આવ્યા હતા. જે અંગે ત્રણ શખ્સોને પુછતા સરખો જવાબ આપી રહ્યા ન હતાં જેથી પોલીસ સ્ટેશનએ લાવી આગવીઢબે પૂછપરછ હાથ ધરતા આઠેક દિવસ પહેલા વેરાવળ તથા ભીડીયા બંને બંદર વિસ્તારમાં રાત્રીના સમયે છકડો રીક્ષા લઈ આવી ત્યાં રહેલ ફીશીંગ બોટોમાંથી સેલ છોડાવી ચોરી કરી રીક્ષામાં નાશી જતા હોવાની કબુલાત આપી હતી. આ ત્રણેય શખ્સો રાત્રીના સમયે જ બંદરમાં રહેલ બોટોને નિશાન બનાવતા હોવાની એમ.ઓ. ધરાવતા હોવાનું પોલીસને જાણવા મળેલ હતુ. આજે પકડાયેલ ભાવેશ ઉર્ફે ભુરો મનસુખ સોલંકી સામે પોરબંદરના હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ બોટમાંથી સેલ ચોરી કરવાનો ગુનો નોધાયેલો હોવાનું સામે આવ્યુ હતું.